કર્મયોગ (ભગવદગીતા) : સ્વધર્મને નક્કી કરવાની અને તેને બજાવતાં બંધનમુક્ત રહેવાની યુક્તિ કે કુશળતા. સ્વજનોનો નાશ કરવાનો હોવાથી ભયંકર લાગતા યુદ્ધકર્મથી નિવૃત્ત થવા ઇચ્છતા અર્જુનને ભગવદગીતામાં શ્રીકૃષ્ણે યુદ્ધકર્મમાં પ્રવૃત્ત થવાનો ઉપદેશ આપ્યો અને કહ્યું કે ‘તું યોગમાં રહીને કર્મ કર.’ યોગની સમજૂતી આપતાં ત્યાં જણાવ્યું કે સિદ્ધિ અને અસિદ્ધિ – સફળતા કે નિષ્ફળતા-ની બાબતમાં સમત્વ રાખવું અને કર્મ કરવા કે ન કરવાની આસક્તિ છોડી દેવી તેનું નામ યોગ; અથવા તો યોગ એટલે સમત્વ. બુદ્ધિના સમત્વ સાથે કર્મમાં મચી પડવું તેનું નામ કર્મયોગ.
માણસ કર્મને કદાપિ છોડી શકતો નથી. તે અનેક કર્મોથી વીંટળાયેલો છે. આમ છતાં બધાં કર્મો તેણે જ કરવાનાં હોતાં નથી. એટલે અનેક કર્મોનાં જાળાંમાંથી પોતાને કરવાનું કર્મ કયું છે તે, એટલે કે સ્વધર્મ શોધી કાઢવાની કુશળતા માણસમાં હોવી જોઈએ. આવા સ્વધર્મને એવી સમત્વબુદ્ધિથી આચરવો જોઈએ કે જેથી કર્મબંધન લાગે નહિ.
પ્રત્યેક કર્મ ફળને અનુલક્ષીને જ થતું હોય છે. આમ છતાં કર્મમાંથી ઇચ્છા મુજબનું જ ફળ મળે તેવું બનતું નથી. માણસ કર્મ કરી શકે, પણ તેનું અમુક જ ફળ મેળવવાની બાબતમાં માણસને કોઈ સત્તા નથી. એટલે કર્મ કરતી વખતે માણસે કર્મમાં જ તદ્રૂપ થવાનું છે. ફળના ખ્યાલને પણ વચ્ચે આવવા ન દેતાં કર્મ સાથે એકાકાર થવું, કર્મમાં જોડાઈ જવું તેને કર્મયોગ કહે છે. આગળ જતાં ભગવાને કહ્યું છે : જે માણસ પોતાનાં કર્મોમાં તલ્લીન રહે છે, તે સિદ્ધિ પામે છે, એટલે કે પોતાના સ્વભાવના સ્તર ઉપર રહીને કર્મ કરવાથી સુંદર કર્મ થાય છે, એટલું જ નહિ પણ તેથી માણસના વ્યક્તિત્વનો વિકાસ થાય છે તેમજ જગતમાં પણ તેના કર્મની વિશેષતાઓ અછતી રહેતી નથી.
કર્મફળ પ્રત્યે અનાસક્ત હોવા છતાં કર્મયોગી, ફળ પ્રત્યે આસક્તિવાળો માણસ જે ઉત્સાહથી કર્મ કરતો હોય છે તે જ ઉત્સાહથી કર્મ કરે છે. ફળ ગમે તે આવે તોપણ તેના ઉત્સાહમાં ભરતી-ઓટ આવતાં નથી.
કર્મયોગ શુષ્ક નથી. કર્મયોગી ભાવનાથી કર્મ કરે છે. જેમાંથી આ જગતની પ્રવૃત્તિઓ નીકળેલી છે અને જેનાથી આ સઘળું વ્યાપ્ત છે તે પરમતત્વની અર્ચના કર્મયોગી પોતાનાં કર્મોથી કરે છે. કર્મયોગી સમર્પણબુદ્ધિથી કર્મ કરે છે. તેનાં કર્મોનું બ્રહ્માર્પણ થાય છે. આમ કર્મયોગ એટલે પરમતત્વની પોતાનાં કર્મોથી થયેલી અર્ચના અથવા પૂજા-ભક્તિ.
સમત્વબુદ્ધિ મેળવવા માટે માણસે અહંકારમુક્ત થવું જોઈએ એટલે કે પોતે સમગ્રમાં પથરાયેલા ઈશ્વરરૂપ બનવું જોઈએ. કર્મયોગીના વ્યક્તિત્વનું બ્રહ્મમાં નિર્વાણ થઈ જતું હોય છે. આમ કર્મયોગમાં બ્રહ્મજ્ઞાનનો સમાવેશ થાય છે. આદર્શ કર્મયોગમાં જ્ઞાન અને ભક્તિની પરાકાષ્ઠા હોય છે. થોડો પણ કર્મયોગ માણસને મોટા ભયમાંથી બચાવે છે.
કર્મયોગની પરંપરા જૂની છે. ગીતામાં કહ્યું છે તેમ, આ યોગ ભગવાને પહેલાં વિવસ્વાન કે સૂર્યને કહેલો. સૂર્યે મનુને કહ્યો, મનુએ ઇક્ષ્વાકુને કહ્યો. ત્યારબાદ શ્રેષ્ઠ રાજાઓમાં પ્રસરતો જતો કર્મયોગ નષ્ટ થયો હતો તેને શ્રીકૃષ્ણે ગીતામાં સજીવ કર્યો છે. (આ વાતને બીજી રીતે કહીએ તો) જે લોકો પોતાનાં કર્મોમાં સન્નિષ્ઠ છે તેઓ આપોઆપ જ કર્મયોગને સિદ્ધ કરે છે.
કર્મયોગી ગૃહસ્થ પણ હોઈ શકે, સંન્યાસી પણ હોઈ શકે.
પરમાનંદ દવે