કર્ણાટક સંસ્કૃતીય પૂર્વપીઠિકા (1968) : કન્નડ ભાષાનો સંસ્કૃતિવિષયક ચિંતનગ્રંથ. તેના લેખક એસ. બી. જોશીને આ કૃતિ માટે 1970નો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. એ પુસ્તક લેખકના જ્ઞાનની વિશાળ સીમા અને વિવિધ ક્ષેત્રોને ઊંડાણથી તાગવાની એમની ર્દષ્ટિનો પરિચય કરાવે છે. એ પ્રાચીન અને વિશિષ્ટ ભારતીય સંસ્કૃતિ અને વિશેષ કરીને કર્ણાટક સંસ્કૃતિનું દર્શન કરાવે છે. એ કર્ણાટક સંસ્કૃતિનાં મૂળ તપાસે છે અને ભારતના ઉત્તર, મધ્ય અને પશ્ચિમના પ્રદેશો સાથેના કર્ણાટકની સંસ્કૃતિના ગાઢ સંબંધનો વિગતવાર પરિચય આપે છે. પોતાના વક્તવ્યના સમર્થન માટે તે વેદ, પુરાણો, નૃવંશશાસ્ત્ર, ભૂગોળ, સાહિત્યિક કૃતિઓ, ભાષાવિજ્ઞાન અને પ્રાચીન ઇતિહાસમાંથી સંખ્યાબંધ ર્દષ્ટાન્તો આપે છે. એ દર્શાવે છે કે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતનાં વ્યક્તિ અને સ્થળનાં ઘણાં નામોનાં મૂળ કર્ણાટકમાં છે.
પુસ્તકમાં લેખકની બહુશ્રુતતાનાં પૂરતાં પ્રમાણો મળે છે.
વિનોદાબાઈ