કર્ણાટક
મૂળ મૈસૂર તરીકે ઓળખાતું પણ નવેમ્બર 1973થી કર્ણાટક તરીકે જાણીતું, દક્ષિણ ભારતમાં 11o 31′ અને 18o 45′ ઉ. અ. અને 74o 12′ અને 78o 40′ પૂ. રે. વચ્ચે આવેલું ભારતના ગણરાજ્યનું ઘટક રાજ્ય.
વિસ્તાર : 1,91,791 ચોકિમી., વસ્તી : 6,11,30,721 (ઈ.સ. 2011 મુજબ). વિસ્તાર અને વસ્તીને લક્ષમાં લેતાં ઊતરતા ક્રમમાં તેનું આઠમું સ્થાન, વસ્તીની (ચોકિમી. દીઠ 275) ગીચતા પ્રમાણે પંદરમો ક્રમ. ઉત્તર-દક્ષિણ લંબાઈ 700 કિમી.. પૂર્વ-પશ્ચિમ પહોળાઈ 400 કિમી.. તેની ઉત્તરે ગોવા અને મહારાષ્ટ્ર, પૂર્વમાં તેલંગાણા અને આંધ્રપ્રદેશ, અગ્નિખૂણે તામિલનાડુ, દક્ષિણે કેરળ અને પશ્ચિમે અરબી સમુદ્ર.
ભૂસ્તર : ભૂસ્તરશાસ્ત્રની ર્દષ્ટિએ કર્ણાટકનો મોટો વિસ્તાર ‘ધારવાડ’ રચનાના ખડકોનો બનેલો છે; જેમાંથી સોનું, રૂપું તથા અન્ય ધાતુઓ મળે છે. પશ્ચિમ તરફનો ભાગ જ્વાળામુખી ખડકોથી બનેલો છે અને તે ‘ડેક્કન ટ્રૅપ’ તરીકે ઓળખાય છે. અહીંની કાળી જમીન કપાસના પાક માટે ઉપયોગી છે. તે લાંબા કાળ સુધી ભેજ સંઘરે છે. પશ્ચિમઘાટમાંથી વહેતી ઝડપી નદીઓએ ઠાલવેલા કાંપને કારણે પશ્ચિમ કિનારાનું મેદાન બન્યું છે. ધારવાડ ખડકો ઘસાઈને લાલ માટીવાળી પડખાઉ જમીન બની છે.
પ્રાકૃતિક વિભાગો : કર્ણાટકના (1) પશ્ચિમ કિનારાનું મેદાન, (2) માલનદ (3) ઉત્તરનું મેદાન અને (4) દક્ષિણનું મેદાન – એવા ચાર કુદરતી વિભાગો છે. 400 કિમી. લાંબા મેદાનનો ઉત્તર તરફનો સાંકડો ભાગ 12-32 કિમી. અને દક્ષિણ તરફનો ભાગ 48-64 કિમી. પહોળો છે. મૅંગલોર પાસે સૌથી વધુ પહોળાઈ 70 કિમી. છે. પશ્ચિમઘાટનાં શિખરો સમુદ્રકિનારાથી કેટલેક સ્થળે 13 કિમી. જ દૂર છે. કિનારો રેતાળ છે. નદીના મુખ પાસે કાંપ-જમાવટ (mud flat) થાય છે. સરુ, તાડ અને નાળિયેરીને લીધે લીલોછમ બનેલો સમુદ્રતટ સહેલાણીઓને આકર્ષે છે. અંતરિયાળ ભાગમાં મેદાન અને પશ્ચિમઘાટના પહાડો આવેલા છે. સરેરાશ વાર્ષિક વરસાદ 3000 મિમી. જેટલો પડે છે. પશ્ચિમઘાટની પૂર્વ તળેટીથી શરૂ થતો ડુંગરાળ અને કોતરવાળો ગીચ જંગલોથી આચ્છાદિત માલનદ પ્રદેશનો કેટલોક ભાગ 1500થી 1800 મી. ઊંચો છે. સરેરાશ વાર્ષિક વરસાદનું પ્રમાણ ક્યાંક 4000-8000 મિમી. છે. અહીં સતત લીલાં અને અર્ધલીલાં જંગલો આવેલાં છે. વાયવ્યથી અગ્નિ ખૂણા સુધીની તેની લંબાઈ 320 કિમી. છે. ક્યાંક ખીણો 40 કિમી. લાંબી અને 30 કિમી. પહોળી જોવા મળે છે. તેના ઉત્તર અને દક્ષિણ ભાગની સરેરાશ ઊંચાઈ અનુક્રમે 450-600 અને 900-1500 મી. છે. અહીં ફળોના બગીચાઓ પણ છે.
મેદાનના ઉત્તર અને દક્ષિણ એવા બે ભાગ છે. ઉત્તરનો 450-760 મી. ઊંચો ડુંગરાળ પ્રદેશ વૃક્ષહીન છે. કૃષ્ણા, ભીમા, તુંગભદ્રા વગેરે નદીઓ આ પ્રદેશમાં વહે છે. અહીં 2000 મી. જાડો લાવાનો થર જોવા મળે છે. દક્ષિણનું 900–1200 મી. ઊંચું ઉબડખાબડ મેદાન લેટરાઇટ ખડકોનું બનેલું છે. હેમવતી, અર્કાવતી અને શીમસા નદીઓ વચ્ચે દેવનારાયણ જેવા ઉન્નત પહાડો આવેલા છે.
પર્વતો : ઉત્તરદક્ષિણ દિશામાં ફેલાયેલી પશ્ચિમઘાટની ગિરિમાળા અહીં આવેલી છે. તેને સમાંતર બાબાબુદનની ગિરિમાળા પણ છે જેનું સર્વોચ્ચ શિખર 1913 મી. ઊંચું છે. બીજી ગિરિમાળા કુન્દ્રેમુખ છે જેનું સર્વોચ્ચ શિખર 1892 મી. ઊંચું છે. આ ઉપરાંત નીલગિરિ તથા ચિત્રદુર્ગની ગિરિમાળા કૂર્ગ વગેરે સ્થળોએ જૂથરૂપે આવેલી છે.
નદીઓ : કૃષ્ણા, કાવેરી અને ગોદાવરીને મળતી બધી નદીઓ પૂર્વવાહિની છે. તે સમથળ પ્રદેશમાંથી વહેતી નથી. પશ્ચિમ તરફ વહેતી નદીઓનો વાર્ષિક જળરાશિ વિપુલ છે, જ્યારે પૂર્વવાહિની નદીઓનો વાર્ષિક જળરાશિ તેનાથી પ્રમાણમાં ઓછો છે. બારે માસ ભરપૂર પાણીવાળી અને ઝડપી પ્રવાહવાળી પશ્ચિમવાહિની નદીઓ જળવિદ્યુતના ઉત્પાદન માટે ઉપયોગી છે, જ્યારે પૂર્વવાહિની નદીઓ સિંચાઈ માટે ઉપયોગી છે.
કૃષ્ણા : કૃષ્ણા અને તેને મળતી ઘટપ્રભા, તુંગભદ્રા, મલપ્રભા, ભીમા, વેદવતી વગેરે નદીઓનું સ્રાવક્ષેત્ર 2,59,000 ચોકિમી. છે. કૃષ્ણાના થાળાનો કર્ણાટકમાં આવેલ વિસ્તાર કુલ વિસ્તારના 43.74% છે અને તે રાજ્યના 27 જિલ્લાઓ પૈકી 13 જિલ્લા અને 60% વિસ્તારને આવરે છે. કૃષ્ણા નદીની 1400 કિમી.ની કુલ લંબાઈ પૈકી 483 કિમી. કર્ણાટકમાં છે. તેને મળતી અને કર્ણાટકમાં વહેતી ઘટપ્રભા, મલપ્રભા, ભીમા, તુંગભદ્રા (તુંગ અને ભદ્રા) અને વેદવતીની લંબાઈ અનુક્રમે 283, 214, 304, 290, 381 અને 293 કિમી. છે.
કાવેરી : કાવેરી નદીનો પટપ્રદેશ 81,155 ચોકિમી. છે. તેનો કર્ણાટકમાં આવેલો 42.2% ભાગ સાત જિલ્લામાં આવેલો છે અને તે રાજ્યના કુલ વિસ્તારના 18%ને આવરે છે. કાવેરી નદી 804 કિમી. લાંબી છે. તે પૈકી કર્ણાટકમાં તેની લંબાઈ 320 કિમી. છે. હેમવતી, હરંગી, કાંબિની, શીમસા, અર્કવતી વગેરે ઘણી નદીઓ તેને મળે છે. કર્ણાટકમાંનું તેનું સ્રાવક્ષેત્ર 34,273 ચોકિમી. છે. ‘દક્ષિણની ગંગા’ તરીકે ઓળખાતી આ નદીમાં શ્રીરંગપટનમ્, શિવસમુદ્ર અને શ્રીરંગ નામના ત્રણ ટાપુઓ આવેલા છે.
ગોદાવરી : ગોદાવરીને મંજીરા, કરંજા, પેન્નાર, પાલર, ઉત્તર અને દક્ષિણ પિનાકિની વગેરે નદીઓ મળે છે. મંજીરા(723 કિમી.)નો કર્ણાટકમાં આવેલો પ્રવાહ 155 કિમી. લંબાઈનો છે. કરંજા (117 કિમી.) નદીની કર્ણાટકમાંની લંબાઈ 74 કિમી. છે. કર્ણાટકમાં ગોદાવરીને મળતી ઘણી નદીઓ બિદર જિલ્લામાંથી પસાર થાય છે.
પશ્ચિમ તરફ વહેતી નદીઓ : નેત્રવતી, કાલી, શરાવતી, ગંગાવતી (બેદતી), અઘનાશિની વગેરે નદીઓ પશ્ચિમઘાટમાંથી નીકળી અરબી સમુદ્રને મળે છે. દક્ષિણ કન્નડ જિલ્લામાં વહેતી અને વરાહ પર્વતમાંથી નીકળતી નેત્રવતી 96 કિમી. લાંબી છે. ઉત્તર કન્નડ જિલ્લામાં આવેલી કાલી નદી 184 કિમી. લાંબી છે. શિમોગા જિલ્લામાં વહેતી શરાવતીની લંબાઈ 128 કિમી. છે. શરાવતી નદી પર જાણીતો વધુ ઊંચાઈ ધરાવતો જોગ(ગેરસપ્પા)નો ધોધ આવેલો છે. કાલી અને શરાવતી ઉપર જળવિદ્યુતઘરો છે. ગંગાવતી 161 કિમી. લાંબી છે. શિરસી તાલુકામાંથી નીકળતી અઘનાશિની 121 કિમી. લાંબી છે.
આબોહવા : કર્ણાટકમાં વરસાદ એકસરખો પડતો નથી. પશ્ચિમ કિનારાનું મેદાન, સહ્યાદ્રિનો પશ્ચિમ તરફનો ભાગ તથા માલનદમાં ઘણો વરસાદ પડે છે. સહ્યાદ્રિની પૂર્વ તરફનો પ્રદેશ વર્ષાની છાયાવાળો છે અને વરસાદનું પ્રમાણ પશ્ચિમથી પૂર્વ તરફ જતાં ઘટતું જાય છે. નૈર્ઋત્યના મોસમી પવનો દ્વારા મોટા પ્રમાણમાં વરસાદ પડે છે, જ્યારે બંગાળના ઉપસાગર ઉપરથી વાતા ઈશાની મોસમી પવનો શિયાળામાં કોડગુ(કૂર્ગ)ના પશ્ચિમ ભાગ અને પશ્ચિમ કાંઠાના મેદાનમાં અનુક્રમે 400-500 મિમી. અને 200-300 મિમી. વરસાદ આપે છે. નૈર્ઋત્યના મોસમી પવનો દ્વારા દક્ષિણ કન્નડ, ઉત્તર કન્નડ, કોડગુ અને ચિકમાંગલુર જિલ્લામાં અનુક્રમે સરેરાશ 3929, 2764, 2725 અને 1989 મિમી. વરસાદ પડે છે. આ જિલ્લાઓ કિનારાનાં મેદાન, પશ્ચિમઘાટ કે સહ્યાદ્રિ તથા માલનદમાં આવેલા છે. મેદાનવિસ્તારના B ભાગમાં 400 મિમી.થી ઓછો અને અગ્નિ ખૂણાના વિસ્તારમાં 300 મિમી.થી ઓછો વરસાદ પડે છે. શિમોગા જિલ્લામાં 1526 મિમી. વરસાદ પડે છે. બેલારી, બિજાપુર અને ચિત્રદુર્ગમાં 553-572 અને 579 મિમી. વરસાદ પડે છે. બાકીના જિલ્લામાં 601થી 1040 મિમી. વરસાદ પડે છે. કાંઠાના વિસ્તારમાં 3000 મિમી., પશ્ચિમઘાટ અને માલનદમાં 4000થી 8000 મિમી., ઉત્તરના કૃષ્ણા અને ગોદાવરી નદીઓના મેદાનમાં 1500થી 500 મિમી. અને દક્ષિણના મેદાનમાં 2000થી 460 મિમી. વરસાદ પડે છે. પશ્ચિમ કિનારાનું મેદાન, પશ્ચિમઘાટ અને માલનદમાં વરસાદ જૂનથી સપ્ટેમ્બરમાં પડે છે અને ભેજનું પ્રમાણ ઘણું રહે છે, જ્યારે અંદરનો મધ્ય અને ઉત્તર તરફનો ભાગ અર્ધ વેરાન છે. બેલારી-બિજાપુર-ચિત્રદુર્ગ તરફનો વિસ્તાર વેરાન અને ગરમ છે. મેદાનના વિસ્તારમાં ચોમાસું જૂનથી ઑક્ટોબર સુધી હોવા છતાં વરસાદ 1000 મિમી.થી પણ ઓછો પડે છે. મૈસૂરના કેટલાક ભાગમાં હસન, મૈસૂર, તુમકુર અને ચિત્રદુર્ગ જિલ્લામાં એપ્રિલથી નવેમ્બર સુધી થોડો થોડો વરસાદ પડે છે. લાંબું ચોમાસું ખેડૂતોને ફાયદાકારક ગણાય છે. સૌથી ઓછો વરસાદ ચિત્રદુર્ગ જિલ્લાના પૂર્વ ભાગમાં પડે છે.
શિયાળાની ઋતુ જાન્યુઆરી અને ફેબ્રુઆરી પૂરતી સીમિત છે, જ્યારે માર્ચથી મે માસ ઉનાળાના મહિના છે. દક્ષિણના મેદાનમાં સૌથી વધુ તાપમાન એપ્રિલમાં હોય છે, જ્યારે ઉત્તરના મેદાન અને કાંઠાના વિસ્તારમાં મે માસમાં સૌથી વધુ ગરમી પડે છે. સમુદ્રના સામીપ્ય તથા ઉચ્ચ પ્રદેશને કારણે ગરમીનું પ્રમાણ ઓછું રહે છે. જાન્યુઆરી માસમાં સરેરાશ દૈનિક વધુમાં વધુ તાપમાન કાંઠાના વિસ્તારમાં 31o 32o સે., ઉત્તરના મેદાનમાં 30o સે., બિદરમાં 28oથી 29o સે. અને રાજ્યના બાકીના વિસ્તારમાં 27oથી 29o સે. વચ્ચે રહે છે. એપ્રિલ માસમાં કાંઠાના વિસ્તારમાં સરેરાશ દૈનિક વધુમાં વધુ તાપમાન 32o સે., ઈશાન તરફના ઉત્તરના મેદાનમાં 39o સે. (ગુલબર્ગ, રાયચુર જિલ્લાઓ) અને બિદરમાં 37o સે. રહે છે. બાકીના વિસ્તારમાં તે 33oથી 36o સે. રહે છે. જાન્યુઆરી પછી તાપમાન ઘટતાં ઘટતાં જુલાઈમાં બેલારી, રાયચુર અને ગુલબર્ગ જિલ્લાઓમાં 32o સે. અને બિદરમાં 29o સે. રહે છે. કાંઠાના વિસ્તારમાં તે 28o સે. હોય છે, જ્યારે દક્ષિણના મેદાનમાં આ તાપમાન 26oથી 27o સે. રહે છે. સમુદ્રની સપાટીથી વધારે ઊંચાઈને કારણે તથા સતત ભેજ અને વરસાદને કારણે ઘાટ અને માલનદમાં જુલાઈમાં સૌથી ઓછું તાપમાન 20o–24o સે. રહે છે. આ પ્રદેશનું જુલાઈનું તાપમાન શિયાળાના જાન્યુઆરી માસના તાપમાન કરતાં પણ ઓછું હોય છે. ઑક્ટોબરમાં માલનદ ને કાંઠાના વિસ્તારમાં તાપમાન વધે છે જ્યારે રાજ્યના બીજા ભાગોમાં તે ઘટે છે.
જંગલો : કર્ણાટકમાં 38,346.06 કિમી. વિસ્તારમાં કુલ વિસ્તારના 20 % જંગલો આવેલાં છે. ભારતમાં 23% વિસ્તારમાં જંગલો છે. જંગલોનું પ્રમાણ 33% હોવું જોઈએ એ રીતે જોતાં આ પ્રમાણ ઓછું છે. મેદાનના વિસ્તારમાંથી જંગલો લગભગ સાફ થઈ ગયાં છે. પશ્ચિમઘાટ, માલનદ વગેરે વિસ્તારના મૈસૂર, ચિકમંગલુર, દક્ષિણ અને ઉત્તર કન્નડ, કોડગુ (કૂર્ગ) અને બેલગામ જિલ્લામાં મોટેભાગે આ જંગલો આવેલાં છે. સતત લીલાં અને અર્ધલીલાં જંગલો ભેજવાળાં ડેસિડ્યુઅસ જંગલો, સૂકાં ડેસિડ્યુઅસ જંગલો તેમજ કાંટાળાં વૃક્ષોવાળાં જંગલો આવેલાં છે. આ જંગલોમાં સાગ, વાંસ, રોઝવુડ, નેતર, ચંદન અને પોચું લાકડું આપતાં વૃક્ષો છે. સૂકા પ્રદેશમાં બાવળ વગેરે વૃક્ષો છે. પોચું લાકડું પ્લાયવૂડ તથા દીવાસળી-ઉદ્યોગોને ઉપયોગી છે. યુકેલિપ્ટસનું વાવેતર પણ ઘણું છે. 60 સેમી.થી ઓછા વરસાદવાળા વિસ્તારમાં કાંટાવાળાં વૃક્ષો છે, જ્યારે સાગ, રોઝવૂડ વગેરે ઘાટનાં સતત લીલાં અને અર્ધલીલાં જંગલોમાં જોવા મળે છે.
જંગલી પશુઓ : આ વિસ્તારમાં હાથી, ગૌર, હરણ, ચીતળ સાબર, જંગલી ભુંડ, કાળિયાર, નીલગાય, વાઘ, દીપડા, વરુ, જંગલી કૂતરાં, રીંછ, વાંદરા વગેરે જોવા મળે છે. સતત લીલાં જંગલોમાં જંગલી ભુંડ, વાંદરા અને ખિસકોલી, અજગર, કાચિંડા, જીવજંતુઓ વગેરે છે. ઉત્તર કન્નડમાં સિંહ જેવી પૂંછડીવાળા વાંદરા હોય છે. અર્ધલીલાં જંગલોમાં કાળાં મોઢાંવાળા વાંદરા હોય છે. વાંસવાળા ડુંગરાળ વિસ્તારમાં હાથી વધુ હોય છે. ગૌર ઉત્તર કન્નડ જિલ્લામાં વધુ છે. ઓછા વરસાદવાળા પ્રદેશમાં કાળિયાર, રોઝ, સસલાં વગેરે જોવા મળે છે. વાઘની વસ્તી ઘટી છે. તે માત્ર સોએક છે. તેમને ‘રક્ષિત જાતિ’ તરીકે ગણવામાં આવ્યા છે. માલનદમાં નીલગિરિ વાંદરાની જાત છે. કોબ્રા, વાઇપર, નાજા નાજા તથા ક્રેટ જાતના ઝેરી સર્પો છે. રસેલ વાઇપર તથા ‘ઊડતો ડ્રૅગોન’ સાપ પણ ઝેરી છે. રેટ, સાપ, લીલો સાપ, વ્હિપ સાપ બિનઝેરી છે. મૈસૂરના ઉચ્ચ પ્રદેશમાં જંગલી પ્રાણીઓ વિશેષ છે. મૈસૂર પાસે રંગનાથી ટુટુમાં અભયારણ્ય આવેલું છે.
ખનિજો : કર્ણાટકમાં બૉક્સાઇટ, કેઓલિનાઇટ, ક્રોમાઇટ, તાંબું, સોનું, લોહઅયસ્ક, મૅન્ગેનીઝ, ચાંદી, ઍસ્બેસ્ટૉસ, કેઓલીન, કોરંડમ, ડૉલોમાઇટ, ચૂનાના પથ્થરો, ફેલ્સપાર, ફાયરક્લે, મૅગ્નેસાઇટ, રંગીન માટી, રેતી, મોલ્ડિંગ સૅન્ડ, સેરસાઇટ, હીરા, પ્લૅટિનમ, નિકલ, સિલિમેનાઇટ, વરમિક્યુલાઇટ અને સ્ટિયેટાઇટ ખનિજો નીકળે છે. છેલ્લાં સો વરસથી કોલર અને હુટીમાંથી સોનું નીકળે છે. હાલ માત્ર વાર્ષિક 2200 કિલોગ્રામ જેટલું તે મળે છે. બાબાબુદન, બેલારી-હોસ્પેટ અને કુન્દ્રેમુખની ખાણોમાંથી 1977માં 43 લાખ ટન લોખંડની કાચી ધાતુ ખોદી કઢાઈ હતી. કુન્દ્રેમુખમાં ‘પેલેટ’ બનાવી 11 લાખ ટન લોખંડ નિકાસ થાય છે. મૅન્ગેનીઝનું ઉત્પાદન પાંચ લાખ ટન છે. તાંબાનું અને ક્રોમાઇટનું ઉત્પાદન અનુક્રમે એક લાખ ટન અને સત્તાવીસ હજાર ટન હતું. બૉક્સાઇટ, ચૂનાના પથ્થરો, મૅગ્નેસાઇટ વગેરેનું અનુક્રમે 34,362 ટન, 23.5 લાખ, અને 4 લાખ ટનનું ઉત્પાદન 1977માં હતું. ચાંદીનું ઉત્પાદન 212 ટન હતું. આઝાદી પછી સસ્તી વીજળી મળતાં ખાણ ઉદ્યોગનો વિકાસ થયો છે.
ખેતી : કર્ણાટકનો કુલ વિસ્તાર 1,91,44,621 હેક્ટર છે. 8,71,698 હેક્ટર (5%) ન ખેડી શકાય તેવી વેરાન જમીન છે. ખેતી સિવાય અન્ય ઉપયોગમાં લેવાયેલી જમીન 5% જેટલી છે. ચરાણ માટેની જમીન (8%) છે. ખેતી સિવાય અન્ય વૃક્ષોવાળી જમીન (2%) છે. કુલ જમીનના લગભગ 53%થી 55% વિસ્તારમાં ખેતી થાય છે.
આ રાજ્યની કુલ વસ્તીના 56 ટકા લોકો ખેતી-પ્રવૃત્તિમાં રોકાયેલા છે. મુખ્ય ખેતીકીય પાકોમાં ડાંગર, જુવાર, રાગી, મકાઈ, બાજરી, ઘઉં, કઠોળ, મગફળી, સૂર્યમુખી, કપાસ, શેરડી અને તમાકુ છે. ભારતના ખાદ્ય પાકોના કુલ ઉત્પાદનમાં આ રાજ્યનો ફાળો 5.59 ટકા છે.
ભારતની બાગાયતી ખેતીના નકશામાં આ રાજ્યે સ્થાન મેળવ્યું છે તેનું કારણ કુદરતી સંપત્તિ, ખેત-આબોહવાકીય પરિસ્થિતિ અને ખેડૂતોનો આ ખેત-પદ્ધતિમાં જાગેલો રસ વધુ જવાબદાર બન્યો છે. ભારતનું આ સૌપ્રથમ રાજ્ય છે કે જ્યાં બાયૉટેક્નૉલૉજી કેન્દ્ર સ્થાપીને ખેડૂતોને વૈજ્ઞાનિક ઢબે ઉછેર કરાયેલા ઉત્તમ ગુણવત્તાવાળા છોડોનું વિતરણ કરાય છે. પરિણામે અહીં કાજુ, નાળિયેરી, ઇલાયચી, સોપારી, મરચાં વગેરે પાકોના બગીચા આવેલા છે. પરિણામે ભારતના બાગાયતી ખેતીના ‘બાસ્કેટ’ સ્વરૂપે આવેલા પ્રદેશોમાં આ રાજ્યનો સમાવેશ થાય છે.
સિંચાઈ : સિંચાઈની ક્ષમતા 28% જેટલી છે. પ્રાચીન કાળથી અહીં ઘણાં તળાવો છે. આઝાદી પૂર્વેની અગિયાર સિંચાઈ યોજનાઓ હતી. તે પૈકી તુંગભદ્રા, વાણીવિલાસ અને કૃષ્ણરાજસાગર યોજનાઓ મુખ્ય હતી. 1978–79 સુધીમાં 13 મોટી અને 28 મધ્યમ કક્ષાની સિંચાઈ યોજના હાથ ધરાઈ હતી. કાવેરી, હેમવતી, કાલિની, હરંગી, વેદવતી, તુંગભદ્રા, ઘટપ્રભા, મલપ્રભા, કૃષ્ણા, કરંજા, વારાહી, બેનીથોર, નુગુ વગેરે નદીઓ ઉપર બંધ બાંધીને સિંચાઈની સગવડ કરાઈ છે. બાકીના વિસ્તારમાં કૂવા, તળાવો દ્વારા સિંચાઈ થાય છે. અહીં કાવેરી નદી ઉપરનો સૌથી ઊંચો ધોધ પૂનચીકલા છે જેની ઉંચાઇ 455 મી. છે.
ખેતીના પાકો : રાજ્યમાં રાગી, બાજરી, જુવાર, મકાઈ, તેલીબિયાં, કઠોળ, શેરડી, ડાંગર, ઘઉં, કૉફી, રબર, રેશમ, નાળિયેર વગેરે મુખ્ય પાકો છે. ભારતના અન્ન-ઉત્પાદનમાં કર્ણાટક રાગીનું 47%, બાજરીનું 16%, તુવેરનું 10%, મકાઈનું 9%, બાજરાનું 5%, ચોખાનું 7% ઉત્પાદન કરે છે. અનાજ સિવાયના પાકોમાં કૉફી સૌથી મહત્વનો પાક છે. ભારતના કૉફી-ઉત્પાદનમાં કર્ણાટકનો 59% હિસ્સો છે. હેક્ટરદીઠ કૉફીના ઉત્પાદનમાં તેનો પ્રથમ ક્રમ છે. બીજા રોકડિયા પાકોમાં ઇલાયચી, રબર, સોપારી, નાળિયેર, મરચાં, શેરડી, તમાકુ વગેરે છે. શેતૂરનાં વૃક્ષો મુખ્યત્વે રાજ્યના વિસ્તારોમાં ઊગે છે. ભારતના રેશમના ઉત્પાદનમાં કર્ણાટકનો 85% હિસ્સો છે. કર્ણાટકમાં ખેતી ઉપર નભનાર લોકોની સંખ્યા 71% છે અને તેનો રાજ્યની આવકમાં 49% હિસ્સો છે.
ઊર્જા : કર્ણાટકમાં કોલસો અને તેલ મળતાં નથી પણ નદીઓનો ઉપયોગ જળવિદ્યુત માટે થાય છે. શરાવતી હાઇડ્રૉઇલેક્ટ્રિક પ્રૉજેક્ટ, કાવેરી ઉપરનો શિવસમુદ્રમ્ પ્રૉજેક્ટ અને કાળી નદી પરનો હાઇડ્રૉઇલેક્ટ્રિક પ્રૉજેક્ટ વગેરે મુખ્ય છે. 1887માં સ્થપાયેલું ગોકાકનું જલવિદ્યુતઘર સૌથી જૂનું છે. રાયચુરમાં થર્મલ વિદ્યુતમથક છે.
ભારતનો જળવિદ્યુતનો સૌપ્રથમ પાયો આ રાજ્યમાં ઈ. સ. 1902માં નખાયો હતો. સૌપ્રથમ જળવિદ્યુત કેન્દ્ર, શિવસમુદ્રમ્ ખાતે સ્થપાયું. આ રાજ્યમાં 1999ની સાલમાં The Kurnatak Electricity Regulatory Commissionની સ્થાપના કરવામાં આવી. આ સંસ્થા દ્વારા કર્ણાટક ઇલેક્ટ્રિક બોર્ડની રચના કરવામાં આવી. આ સંસ્થા દ્વારા પેટા સંસ્થાઓ રચવામાં આવી છે જે રાજ્યના વિવિધ ભાગોમાં વીજળીનું વિતરણ કરે છે.
પરિવહન : આ રાજ્યને 13 રાષ્ટ્રીય ધોરી માર્ગોનો લાભ મળે છે. જેમાંથી રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 4 અને 7નું સંચાલન નૅશનલ હાઈવે ઑથૉરિટી ઑવ્ ઇન્ડિયા કરે છે, જ્યારે અન્ય 11 રાષ્ટ્રીય ધોરી માર્ગોનું સંચાલન ભારત સરકાર દ્વારા થાય છે. આ માર્ગોની કુલ લંબાઈ 3,973 કિમી. છે; જ્યારે રાજ્ય ધોરીમાર્ગોની લંબાઈ 9,829 કિમી. છે. અને રેલમાર્ગોની લંબાઈ 3,100 કિમી. છે. જેમાં 2,450 કિમી. લંબાઈ ધરાવતાં માર્ગો બ્રૉડગેજ છે. 1લી મે, 1998માં કોંકણ રેલમાર્ગનો પ્રારંભ થતાં મુંબઈ અને મૅંગલોર વચ્ચે સીધું જોડાણ બ્રૉડગેજ રેલમાર્ગ દ્વારા થયું. અન્ય મીટરગેજ માર્ગોનું બ્રૉડગેજમાં રૂપાંતર થઈ રહ્યું છે. આ રાજ્યના બૅંગલોર, બેલગામ, મૅંગલોર અને હુબલી શહેરોને હવાઈ મથકની સુવિધા અપાઈ છે. આ રાજ્યને ‘ઉડાન’ યોજનાનો લાભ મળ્યો છે. આ રાજ્યને આશરે 320 કિમી. લાંબો સમુદ્રકિનારો પ્રાપ્ત થયો છે. પરિણામે અહીં ન્યૂ મૅંગલોર, પેરામ્બુર અને કારવાર મહત્વનાં બંદરો આવેલાં છે; આ સિવાય અન્ય સાત બંદરો પણ આવેલાં છે. જેમાં ન્યૂ મૅંગલોર બારમાસી બંદર તરીકે ઉપયોગમાં લેવાય છે. આ બંદરેથી લાકડું, કૉફી, કાજુ, લોહઅયસ્ક, ચંદનનું તેલ, માછલી વગેરેની નિકાસ થાય છે; જ્યારે અનાજ, મીઠું, યંત્રો, ખાતર, રસાયણો વગેરેની આયાત થાય છે. અહીં બધાં મળીને કુલ 21 જેટલાં બંદરો છે.
ઉદ્યોગો : આઝાદી પૂર્વે મૈસૂર રાજ્ય ઉદ્યોગીકરણમાં આગળ પડતું હતું. તે સમયે લઘુ ઉદ્યોગનાં કારખાનાં વધુ હતાં. આઝાદી પછી રાજ્યે અનેક ઔદ્યોગિક વસાહતો સ્થાપી અને કરવેરા વગેરેમાં છૂટછાટ આપી તથા બીજી સગવડો આપી ઉદ્યોગીકરણને વેગ આપ્યો છે. દાવનગેરે, બૅંગલોર, હુબલી અને ગોકાકમાં કાપડ વણવાની મિલો છે. રેશમી કાપડના ઉત્પાદનમાં તે અગ્રણી છે. ચેન્નાપત્તન અને તલમ રેશમી કાપડ તથા સાડીઓના ઉત્પાદન માટે જાણીતાં છે. લોખંડનું કારખાનું ભદ્રાવતીમાં આવેલું છે. આ કારખાનામાં ફેરો-મૅન્ગેનીઝ, ફેરોસિલિકૉન વગેરે ખાસ પ્રકારના પોલાદનું ઉત્પાદન થાય છે. કુદ્રેમુખની ખાણમાંથી મળતા લોખંડમાંથી બનાવેલી પેલેટની ઈરાન તથા પૂર્વ યુરોપના દેશોમાં અગિયાર લાખ ટન નિકાસ થાય છે. મૅંગલોરમાં વપરાશી વસ્તુઓનું ઉત્પાદન થાય છે. તે ઉપરાંત ખાતર અને તેલ-શુદ્ધીકરણનાં કારખાનાં છે. બૅંગલોર ઇલેક્ટ્રૉનિક્સ ઉદ્યોગનું મહત્વનું કેન્દ્ર છે અને બૅંગલોર ‘ઇલેક્ટ્રૉનિક નગર’ તરીકે ઓળખાય છે. વીજળીનાં સાધનો તથા ટેલિફોન, ઘડિયાળ, ટેલિકૉમ્યુનિકેશનનાં સાધનો, ઇલેક્ટ્રિક મોટરો, સિમેન્ટ, ચિનાઈ માટીનાં વાસણો, ખાંડ તથા કાગળ, મશીન ટૂલ વગેરેનાં કારખાનાં છે. ડાંડેલીમાં વેસ્ટકોસ્ટ પેપર મિલ વાંસમાંથી કાગળ બનાવે છે. જાહેર ક્ષેત્રનાં અહીં ભારત અર્થમૂવર, ભારત ઇલેક્ટ્રૉનિક્સ, ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ, હિંદુસ્તાન ઍરોનૉટિક્સ, હિંદુસ્તાન મશીન ટૂલ્સ, ઇન્ડિયન ટેલિફોન ઇન્ડસ્ટ્રીઝ, વ્હિલ ઍન્ડ ઍક્સલ ફૅક્ટરી, કોચ બિલ્ડિંગ ફૅક્ટરી વગેરે કારખાનાં છે. ચંદનનું તેલ અને તેના સાબુ બનાવવાનું એકમાત્ર કારખાનું સરકારસંચાલિત છે. કાજુને શેકી, સાફ કરી પૅક કરવાનાં કારખાનાં તથા તેલમિલો પણ છે. ખાણ-ઉદ્યોગમાં પણ ઘણા લોકો રોકાયેલા છે. સોનું કાઢવાનું કામ છેલ્લાં સો વરસથી થાય છે. વર્તમાન સમયમાં ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી, બાયૉટેક્નૉલૉજી, ઑટોમોબાઇલ, કમ્પ્યૂટર, ખાદ્યપદાર્થો બનાવવાના એકમો વિકસાવાયા છે. આ રાજ્યની નંદિની ડેરીએ અમૂલની જેમ દૂધની વિવિધ પેદાશો બજારમાં મૂકી છે.
વસ્તી : ઈ. સ. 1901માં 1.30 કરોડ વસ્તી હતી તે વધીને 2011માં 6,11,30,704 જેટલી થઈ છે. અહીં હિન્દુ, મુસલમાન અને ખ્રિસ્તીઓની વસ્તી વધુ છે. સાક્ષરતાનું પ્રમાણ 67% જેટલું છે. કુલ વસ્તીના 66% લોકો કન્નડભાષી અને 4% મરાઠીભાષી છે. આ સિવાય હિન્દી, અંગ્રેજી ભાષાનો પણ ઉપયોગ થાય છે. ખેતી સાથે સંકળાયેલા લોકોની ટકાવારી 71% છે. ભારતના અન્ય ભાગોની જેમ અહીં પણ જ્ઞાતિવાદનું પ્રાબલ્ય વધુ છે, મોટેભાગે વોક્કલિંગા, બ્રાહ્મણો, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો વસે છે. ટોડા જાતિના આદિવાસી લોકો પણ વસે છે, તેઓ આર્થિક રીતે ખૂબ પછાત છે.
શિક્ષણ અને સંસ્કૃતિ : કર્ણાટકમાં બૅંગલોર, ગુલબર્ગ, ધારવાડ, શિમોગા, મૅંગલોર અને મૈસૂરમાં થઈને છ યુનિવર્સિટીઓ અસ્તિત્વમાં છે. બગલોરનું તાતાનું ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સ પણ આ કક્ષાની સંસ્થા છે. ખેતીવાડી અને તેને આનુષંગિક વિજ્ઞાનની ધારવાડ અને હેબ્બલમાં બે યુનિવર્સિટી છે. રાજ્યમાં નિમ્ન પ્રાથમિક શાળાઓ ઉચ્ચ પ્રાથમિક શાળાઓ, હાઈસ્કૂલો, જુનિયર કૉલેજો, પૂર્વસ્નાતક કૉલેજો અને ઇજનેરી કૉલેજો, પૉલિટેક્નિક અને ટેક્નિકલ શાળાઓ છે. રાજ્યમાં ઉત્તમ કક્ષાનાં દ્રવિડી શૈલીનાં મંદિરો અનેક સ્થળોએ આવેલાં છે. કર્ણાટકનું ભારતીય સંગીતમાં કર્ણાટક સંગીતરૂપે વિશિષ્ટ પ્રદાન છે. લોકનૃત્યના અનેક પ્રકારો પૈકી ‘યક્ષગાન’ લોકનૃત્યમાં કર્ણાટકનું આગવું સ્થાન છે.
આર્થિક વિકાસ : જૂનું મૈસૂર રાજ્ય દેશી રાજ્યો પૈકી ઘણું પ્રગતિશીલ હતું, તેનું શ્રેય વિશ્વેશ્વરૈયા જેવા દીવાનને જાય છે. ઉદ્યોગો અને સિંચાઈક્ષેત્રે કર્ણાટકના અન્ય ભાગો કરતાં તે ખૂબ આગળ હતું. પંચવર્ષીય યોજનાઓ દરમિયાન ખેતીવાડી, ઉદ્યોગ, સિંચાઈ, શિક્ષણ વગેરે ક્ષેત્રે કર્ણાટક રાજ્યે સારી પ્રગતિ કરી છે.
આઠમી યોજના માટે રૂ. 7500 કરોડનો અંદાજ છે; જેમાં ઊર્જા, સિંચાઈ, પૂરનિયંત્રણ, ખેતીવાડી વગેરેને અગ્રતા અપાઈ છે.
બૅંગલોર કર્ણાટકની રાજધાની છે. આ સિવાય મૅંગલોર, કારવાર, બેલગામ, ધારવાડ, બિજાપુર, ગુલબર્ગ, કોલર, મૈસૂર, રાયચુર, બેલારી વગેરે મોટાં શહેરો આવેલાં છે.
મૈસૂર, બૅંગલોર, શ્રીરંગપટ્ટણ, શ્રવણ બેલગોડા, બેલુર (વેરૂળ), હળેબિડ, સોમનાથપુર, બદામી, ઐહોલ પટ્ટાડકલ, હંપી, ગુલબર્ગ, બિદર, બિજાપુર, ગોકર્ણ, ઉડુપી, ધર્મશાળા, ગંગાપુર, સોંદત્તી વગેરે શિલ્પસ્થાપત્યનાં ધામ અને તીર્થસ્થળો તરીકે જોવાલાયક છે. આ રાજ્ય પશ્ચિમઘાટ સાથે સંકળાયેલું હોવાથી ઇકો-ટુરિઝમનું કેન્દ્ર બન્યું છે. અહીં 25 વન્ય અભયારણ્યો, 5 રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલાં છે. જેમા પટ્ટાકલેનને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ તરીકે જાહેર કરેલું છે. અહીં યુવાભારતી ક્રીનાગમ સ્ટેડિયમ જે ભારતનું સૌથી મોટું સ્ટેડિયમ છે.
ઇતિહાસ : કર્ણાટકનો ઇતિહાસ 2000 વર્ષ જૂનો છે. ખાનદેશમાંથી સ્થળાંતર કરી ભરવાડને મળતી કન્નડ કે કલ્લ જાતિના અત્રે વસવાટના કારણે કર્ણાટક નામ મળ્યું છે. પુરાણો પ્રમાણે ‘કર્ણાટ’ નામના અત્રે વસતા રાક્ષસને કારણે અથવા કન્નડ ભાષાના ‘કરે કાળી’, ‘નાડ કેનાડુ’ સ્થળ ઉપરથી કાળી જમીનનો પ્રદેશ ‘કરનાડુ – કરનાડ’ ઉપરથી કર્ણાટક નામ બન્યું એમ કહેવાય છે. ‘શિલ્પાધિકરમ્’ વગેરે તમિલ ગ્રંથોમાં પૂર્વઘાટની પશ્ચિમે આવેલ વિશાળ ઉચ્ચપ્રદેશ માટે ‘કરુનટ’ શબ્દ વપરાયો છે અને તે ઉપરથી પણ કર્ણાટક નામ બન્યું મનાય છે. કર્ણાટકનો કેટલોક ભાગ કન્નડ સાહિત્ય અને ઇતિહાસમાં ‘કુંતલ’ અને ‘બનવાસી’ તરીકે જાણીતો હતો. મહાભારત, શૂદ્રકના ‘મૃચ્છકટિક’ નાટક તથા વરાહમિહિરની ‘બૃહત્સંહિતા’માં તેનો કર્ણાટક તરીકે ઉલ્લેખ છે. બદામીના ચાલુક્યોનું (ઈ.સ. 500-753) લશ્કર ‘કર્ણાટબલ’ તરીકે ઓળખાતું હતું. મૈસૂરનું પ્રાચીન નામ ‘મહિષ્ક’ છે અને મહિષાસુરમર્દિની દેવી સાથે તે સંકળાયેલું છે. નંદ, મૌર્ય અને શાતવાહનોના શાસન બાદ ચોથી સદીના મધ્યભાગથી બનવાસીના કદંબ અને કોલરના ગંગા જેવા સ્થાનિક રાજવંશોનું શાસન હતું; શ્રવણ બેલગોડામાં ગોમટેશ્વરની ઉત્તુંગ મૂર્તિ ગંગાવંશી રાજવીના મંત્રીનું પ્રદાન છે. દિગમ્બર જૈનોનું પ્રાબલ્ય ઘણું હતું. બદામીના ચાલુક્યો (500-753) નર્મદાથી કાવેરી સુધીના પ્રદેશના સ્વામી હતા. આ વંશના ચાલુક્યવંશી પુલકેશી બીજાએ (509-542) કનોજના હર્ષવર્ધનને હાર આપી હતી. ઐહોલ, બદામી વગેરેમાં કેટલાંક મંદિરો ખડકોમાંથી કોતરી કઢાયેલાં છે. માલખેડના રાષ્ટ્રકૂટોએ (753-973) કનોજના ગુર્જર પ્રતિહાર સમ્રાટોને નમાવીને ખંડણી લીધી હતી. આ કાળ દરમિયાન ક્ધનડ સાહિત્યનો વિકાસ થયો હતો. કલ્યાણના ચાલુક્યો (973-1189) તથા તેમને અધીન હળેબિડના હોયસલવંશી શાસકોએ સુંદર મંદિરો બાંધ્યાં હતાં. સાહિત્ય અને કલાને ઉત્તેજન આપ્યું હતું. યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ ઉપર ‘મિતાક્ષરા’ ટીકા લખનાર વિજ્ઞાનેશ્વર કલ્યાણવાસી હતો. લિંગાયત શૈવ સંપ્રદાયના સ્થાપક બસવેશ્વર કલ્યાણના ચાલુક્યોના મંત્રીશ્વર હતા. રામરાય અને કૃષ્ણરાય જેવા મહાન રાજવી વિજયનગરના રાજવી હતા. તેમનું શાસન 1336થી 1646 પર્યંત હતું. સાયણ-માધવ જેવા તેમના મંત્રીશ્વરો હતા. વેદની ટીકા સાયણાચાર્યે લખી હતી. તેમણે સંસ્કૃત, કન્નડ, તમિળ અને તેલુગુ સાહિત્ય તથા કલાને ઉત્તેજન આપ્યું હતું. ગુલબર્ગ અને બિદરના બહમની સુલતાનો અને બિજાપુરના આદિલશાહી સુલતાનોએ ‘ઇન્ડો સારસેનિક’ પદ્ધતિનાં ભવ્ય મહાલયો અને મસ્જિદો બંધાવેલાં. ઉર્દૂ અને ફારસી સાહિત્યને પણ ઉત્તેજન આપ્યું હતું. પોર્ટુગીઝ તથા અન્ય યુરોપીય પ્રજાઓના આગમન બાદ તમાકુ, મકાઈ, મરચાં, બટાકા, મગફળી જેવા નવા ખેતી-પાકો દાખલ થયા હતા. 1765થી 1799 સુધી મૈસૂરના હિંદુ રાજાને પદભ્રષ્ટ કરી હૈદરઅલી અને ટીપુએ અહીં શાસન કર્યું હતું. ટીપુના મૃત્યુ બાદ ફરી હિંદુ રાજવીનું શાસન શરૂ થયું હતું. ઇજનેર અને દીર્ઘદર્શી મંત્રીશ્વર વિશ્વેશ્વરૈયાના મંત્રીકાળ દરમિયાન સિંચાઈ-યોજનાઓ, જળવિદ્યુતઘરો, ઉદ્યોગો વગેરે અસ્તિત્વમાં આવ્યાં હતાં; શિક્ષણનો ફેલાવો વધ્યો હતો અને મૈસૂર રાજ્ય પ્રગતિશીલ રાજ્યોની પ્રથમ હરોળમાં આવ્યું હતું. ભારતીય કૉંગ્રેસના બેલગામ અધિવેશનમાં (1924) કર્ણાટકના એકીકરણ માટે વિચારણા થઈ હતી. આઝાદી બાદ 1956 સુધી ભારત સાથે જોડાણ સ્વીકારીને મૈસૂર ‘બી’ વર્ગનું રાજ્ય બન્યું. તેનો વિસ્તાર 86,273 ચોકિમી. અને વસ્તી 98,48,648 હતાં. મુંબઈ રાજ્યનો 54,464 ચોકિમી. અને 51,35,746 વસ્તીવાળો, હૈદરાબાદ રાજ્યનો 35,687 ચોકિમી. અને 27,18,296 વસ્તીવાળો, તમિલનાડુનો 11,223 ચોકિમી. અને 14,69,825 વસ્તીવાળો અને કૂર્ગનો 4110 ચોકિમી. અને 2,29,405 વસ્તીવાળો પ્રદેશ મૈસૂરમાં 1956માં ભળ્યો હતો. નવેમ્બર, 1973થી આ પ્રદેશને હાલનું કર્ણાટક નામ મળ્યું છે.
આઝાદી પછીના રાજકીય પ્રવાહો : આઝાદી બાદ ભારતસંઘમાં જોડાયા પછી મૈસૂરમાં જે ઘટનાઓ બની તેમાં 1952માં કે. હનુમંતૈયા મૈસૂર રાજ્યના મુખ્ય પ્રધાન બન્યા તે છે. ગાંધીવાદી અને બિનમજહબી વિચારસરણીને વરેલા હોવાથી તેમણે કોમવાદને જાકારો દીધો અને જ્ઞાતિવાદ ઉપર આધારિત રાજકીય જૂથોને ટેકો આપવા ઇનકાર કર્યો. આ કારણે તેમની જ્ઞાતિ તેમનાથી વિમુખ બની. વધુમાં લિંગાયતપ્રેરિત હૈદરાબાદ, તમિલનાડુ અને જૂના મુંબઈ રાજ્યના કન્નડભાષી પ્રદેશોને મૈસૂર સાથે જોડવાની હિલચાલને તેમણે ટેકો આપ્યો. આ કારણે રાજકારણમાં વોક્કલિંગા જાતિના વર્ચસ્ને આંચ આવે તેમ હતું. કારણ કે જૂના મૈસૂર રાજ્યમાં લિંગાયતો લઘુમતીમાં હતા. આમ વોક્કલિંગા જાતિનું વર્ચસ્ દૂર થવાની ભીતિથી તે હનુમંતૈયાની વિરુદ્ધ થઈ ગયા અને તેમને મૈસૂરનું મુખ્ય પ્રધાનપદ છોડવું પડ્યું. પણ મધ્યસ્થ પ્રધાનમંડળમાં સ્થાન મળતાં તેમણે રાષ્ટ્રીય રાજકારણમાં પ્રવેશ કર્યો.
1956માં ભાષાકીય ધોરણે રાજ્યની પુનર્રચના થતાં નિજલિંગપ્પા મૈસૂરના મુખ્ય પ્રધાન થયા. તેઓ જૂના મૈસૂર રાજ્યના ચિત્રદુર્ગ જિલ્લાના બનજીગા લિંગાયત હતા. તેમના આગમનથી રાજ્યના રાજકારણમાં લિંગાયતોના પ્રભુત્વનો પ્રારંભ થયો.
વિવિધ હિતો ધરાવતાં જૂથોને રાજ્યાશ્રય આપી તેમને ખુશ રાખવાની નીતિ અપનાવીને તેમણે રાજ્ય કૉંગ્રેસમાં તેમનું સ્થાન મજબૂત કર્યું. તેમણે છેક નીચલા સ્તર સુધી આવરી લેતા સામાજિક વિકાસ (community development) કાર્યક્રમને અપનાવ્યો, જે તેમના અમલની નોંધપાત્ર સિદ્ધિ હતી. તેમના શાસન દરમિયાન રાષ્ટ્રીય કક્ષાના રાજકારણમાં રાજ્યના રાજકારણે ભાગ ભજવવાની શરૂઆત કરતાં રાષ્ટ્રીય કૉંગ્રેસમાં વિભાજક બળો આગળ આવ્યાં. પ્રજાસમાજવાદી પક્ષ તેમનો સૌથી મહત્વનો વિરોધી પક્ષ હતો પણ 1971માં તે કૉંગ્રેસ ‘આર’ પક્ષ સાથે જોડાઈ ગયો હતો. મે, 1958થી થોડા સમય માટે બી. ડી. જત્તી નિજલિંગપ્પાના અનુગામી બન્યા, જ્યારે એસ. આર. કાંથી માર્ચ, 1962થી જત્તીના અનુગામી બન્યા.
1968માં નિજલિંગપ્પા ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના પ્રમુખ બન્યા અને વીરેન્દ્ર પાટિલ રાજ્યના મુખ્ય પ્રધાન થયા. 1969 સુધી કર્ણાટકમાં વિવિધ જ્ઞાતિઓ વચ્ચે સુમેળ અને રાજકીય સંબંધો ચાલુ રહ્યા.
1969માં કૉંગ્રેસમાં ભાગલા પડતાં એસ. કે. પાટિલ, મોરારજી દેસાઈ, નિજલિંગપ્પા અને કામરાજ નાદરનું સિન્ડિકેટ જૂથ બન્યું. વીરેન્દ્ર પાટિલે 1971ના માર્ચમાં રાજીનામું આપ્યું અને એક વરસ સુધી રાજ્ય રાષ્ટ્રપતિ શાસન નીચે મુકાયું. 1972ના માર્ચની ચૂંટણીમાં પછાત વર્ગના દેવરાજ ઉર્સે ઇન્દિરા ગાંધીને ટેકો આપ્યો અને કૉંગ્રેસ ‘આર’ પક્ષ દેવરાજ ઉર્સના નેતૃત્વ નીચે ચૂંટણીમાં વિજયી બન્યો.
દેવરાજ ઉર્સ સત્તા ઉપર આવતાં કર્ણાટકના રાજકીય અને સામાજિક સ્તરે મોટા ફેરફારો થયા. પછાત જાતિઓ અને જ્ઞાતિઓ, અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકોનો સાથ લઈને તેમણે રાજકીય પાયો મજબૂત કર્યો. જમીનસુધારણાના કાયદા ઉપરાંત જમીનના કેસો ચલાવવા ટ્રિબ્યૂનલની સ્થાપના કરી તથા પછાત જાતિ અને જ્ઞાતિને વિશિષ્ટ સવલતો મળે તે રીતે તેમની વ્યાખ્યામાં ફેરફાર કર્યો. ગરીબોની સ્થિતિ સુધારવા તેમણે કેટલાક બીજા કાયદાઓ પણ કર્યા. કન્નડ ભાષાની વિવિધ સ્તરે ઉપયોગની તરફેણ કરીને તેમણે કન્નડભાષી હિતોને ખુશ કરવાની નીતિ અપનાવી. આમ કર્ણાટકના રાજકારણમાં ‘ભાષા’નું પરિબળ મહત્વનું બન્યું.
1979માં ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ પક્ષમાંના કેટલાક રાજકીય બનાવોને કારણે દેવરાજ ઉર્સ અને ઇન્દિરા ગાંધી વચ્ચેના સંબંધનો (alliance) અંત આવ્યો અને 1980માં રાજ્યમાં ચૂંટણી યોજાઈ. ઇન્દિરા કૉંગ્રેસે જીત મેળવી અને ગુંડુરાવ મુખ્ય પ્રધાન થયા. તેમને ઇન્દિરા ગાંધી અને સંજય ગાંધીનો સબળ ટેકો હતો. ગુંડુરાવના શાસનમાં ભ્રષ્ટાચારે માઝા મૂકી અને રાજ્ય કક્ષાએ ઇન્દિરા કૉંગ્રેસમાં વિભાજક બળો પ્રબળ બન્યાં. રાવને ખેડૂતોની ચળવળ અને ભાષાકીય આંદોલનનો સામનો કરવો પડ્યો. તેમની સાથે કામ પાડવામાં રાવે રાજકીય દીર્ઘર્દષ્ટિ દાખવી નહિ અને લોકલાગણીને માન આપ્યું નહિ. લેવાયેલા નિર્ણયોમાં એકસૂત્રતા પણ જળવાઈ ન હતી. પરિણામે સમગ્ર રાજ્યમાં રાજ્યની પુનર્રચના બાદ પ્રથમ વાર તોફાનો ફેલાઈ ગયાં. આ કારણે 1983ની વિધાનસભાની ચૂંટણીમાં ગુંડુરાવ અને તેના પક્ષની હાર થઈ.
રાજ્યના ઇતિહાસમાં 1983ની ચૂંટણી એક રીતે સીમાચિહનરૂપ હતી. સૌપ્રથમ બિન-કૉંગ્રેસી પક્ષ સત્તારૂઢ થયો. રામકૃષ્ણ હેગડેના નેતૃત્વ નીચે જનતા અને ક્રાંતિ રંગા પક્ષના સંયુક્ત મોરચાએ સરકારની રચના કરી. કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી નિજલિંગપ્પાના પરમ વિશ્વસનીય સાથી તરીકે રામકૃષ્ણ હેગડેનું નેતૃત્વ વિકસ્યું. આ રાજ્યના બિનકૉંગ્રેસી મુખ્યમંત્રી તરીકે હેગડેએ જાન્યુઆરી, 1983થી ઑગસ્ટ, 1988 સુધી ફરજ બજાવી. આ ટૂંકા ગાળામાં નોંધપાત્ર કામગીરી કરી લોકાયુક્તની સ્થાપના અને સ્થાનિક ઘટકોમાં મહિલાઓ માટે 25 ટકા બેઠકો અનામત રાખવાનો નિર્ણય તેમના શાસનકાળ દરમિયાન લેવાયો. હેગડે સરકારની વિધાનસભામાં પાતળી બહુમતી હતી છતાં તેમણે કચડાયેલા શોષિત વર્ગને મદદરૂપ થાય તેવા નીતિવિષયક નિર્ણયો લીધા. તે પૈકી દર વરસે અનુસૂચિત જાતિનાં 30,000 કુટુંબોને મદદ કરવાનો કાર્યક્રમ નોંધપાત્ર હતો. તેમણે અનુસૂચિત જાતિ અને જનજાતિના વિદ્યાર્થીઓને આર્થિક સહાય અને છાત્રાલયની સગવડ પૂરી પાડી. દરેક ગામમાં પાંચ કુટુંબોને અંત્યોદય કાર્યક્રમ નીચે સહાય કરવાની, પીવાના પાણીના પ્રશ્નના ઉકેલ માટે પાણીનો બોર કરવાનો, ઉચ્ચ હોદ્દા ધરાવતા લોકો (મુખ્ય પ્રધાન સુધ્ધાં) સામેના ભ્રષ્ટાચારના આક્ષેપોની તપાસ માટે લોકાયુક્તની જગ્યા ઊભી કરવી, એમ કરીને તેમણે લોકચાહના મેળવી.
હેગડેના શાસન દરમિયાન એક દસકા બાદ પ્રથમ વાર નગરપાલિકા અને કૉર્પોરેશનની ચૂંટણી યોજવામાં આવી; કન્નડ ભાષાને વહીવટની એકમાત્ર ભાષા તરીકે સ્થાન અપાયું; લઘુમતીના હકો રક્ષવા કરાયેલા વિવિધ કાયદાઓ દ્વારા અપાયેલી સલામતીઓના અમલનું મૂલ્યાંકન કરવા લઘુમતી પંચની નિમણૂક કરવામાં આવી.
1984ની લોકસભાની ચૂંટણીમાં જનતા પક્ષના મોટાભાગના ઉમેદવારોને રાજ્યના જનમતનો જાકારો મળ્યો હતો. મૂલ્ય-આધારિત રાજકારણને વરેલા હોઈને તેમણે લોકોનો ફરી વખત ચુકાદો માગ્યો. 1985ની વિધાનસભાની ચૂંટણીમાં કર્ણાટકના લોકોએ જનતા પક્ષને ઘણી મોટી બહુમતીથી સત્તારૂઢ કર્યો.
ગરીબ લોકોની સામાજિક અને આર્થિક સ્થિતિ સુધારવા સરકારે સંખ્યાબંધ સુધારા દાખલ કર્યા, જે પૈકી ગ્રામ રોજગાર યોજના, તલૈયા ભાગ્યયોજના, રાહત દરે ચોખાનું વિતરણ, અક્ષરસેના કાર્યક્રમ વગેરે છે. તેમની સૌથી મહત્વની સિદ્ધિ લોકશાહી વિકેન્દ્રીકરણની યોજના છે, જે અન્વયે બે તબક્કામાં જિલ્લા અને મંડળ કક્ષાએ જિલ્લા પરિષદ અને મંડળ પંચાયતની સ્થાપના કરવામાં આવી.
1989ની વિધાનસભાની ચૂંટણીમાં જનતા સરકારે સત્તા ગુમાવી. આ માટે ભ્રષ્ટાચાર, જનતા પક્ષમાંનો આંતરિક મતભેદ અને પક્ષના ભાગલા તથા સત્તારૂઢ પક્ષ સામેનો લોકજુવાળ જવાબદાર હતા. થોડા સમય માટે રાષ્ટ્રપતિ-શાસન દાખલ કર્યા બાદ 1989ની ચૂંટણીમાં ઇન્દિરા કૉંગ્રેસે વિજય પ્રાપ્ત કર્યો. વીરેન્દ્ર પાટિલના નેતૃત્વ નીચે સરકાર રચાઈ પણ ટૂંકા ગાળાને લીધે તેમનાથી ખાસ મહત્વની કામગીરી કરી શકાઈ નહિ. વીરેન્દ્ર પાટિલ પક્ષાઘાતથી પીડાતા હોઈ રાજ્યની નેતાગીરીમાં ફેરફાર કરાયો હતો.
17 ઑક્ટોબર, 1990ના રોજ એસ. બંગરપ્પા મુખ્ય પ્રધાન થયા. પ્રાથમિક શાળાની કક્ષાએ બાળકોની વધુમાં વધુ હાજરી રહે તે માટે તેમણે ‘અક્ષય’ યોજના દાખલ કરવાનો મહત્વનો નિર્ણય લીધો. ગ્રામવિસ્તારના શિક્ષિત બેકારોને સહાય માટે તેમણે ‘વિશ્વ’ કાર્યક્રમ દાખલ કર્યો. બંગરપ્પા સામે પક્ષમાં આંતરિક વિરોધ છે, કાવેરીના જળવિવાદને કારણે તમિલનાડુ સરકાર સાથે મતભેદ ઊભો થયો છે અને જળવિવાદનો નિર્ણય કરનારી ટ્રિબ્યૂનલનો ચુકાદો કર્ણાટક સરકારને માન્ય નથી. આ કારણે રાજ્યમાં તમિળ લોકો વિરુદ્ધ તોફાનો પણ થયાં. પ્રશ્નના ઉકેલ માટે તમિલનાડુ અને કર્ણાટક રાજ્યના સૂત્રધારોએ વડાપ્રધાનની દરમિયાનગીરી માગી છે.
કર્ણાટક રાજ્યમાં પ્રાદેશિક પક્ષ તરીકે જનતા દળ (એસ સેક્યુલર) અત્યંત પ્રભાવશાળી પક્ષ છે. તેના નેતા હ. દ. દેવેગોવડા 1 જૂન, 96થી 21 એપ્રિલ, 97 સુધી લગભગ 11 માસ માટે ભારતના વડાપ્રધાન વરાયા હતા. તે પછી તેઓ રાજ્યસભાના સભ્ય ચૂંટાયા અને રાજ્યસભા દ્વારા પ્રવેશનાર વડાપ્રધાન બન્યા. 11 એપ્રિલના રોજ લોકસભામાં વિશ્વાસનો મત મેળવવામાં પરાજય થતાં તેમની સરકારનું પતન થયું હતું.
કર્ણાટક રાજ્ય અને તમિલનાડુ વચ્ચે કાવેરી નદીના પાણીની વહેંચણીનો પ્રશ્ર્ન ભારે વિવાદાસ્પદ બન્યો. આ અંગેના પ્રારંભિક સંઘર્ષ પછી 4 ઑક્ટોબર, 2002ના રોજ ભારતની સર્વોચ્ચ અદાલતે તમિલનાડુને કાવેરીનું પાણી આપવા અંગે આદેશ આપ્યો, પરંતુ કર્ણાટક રાજ્યે આ આદેશને ગંભીરતાથી સ્વીકાર્યો નહીં. સર્વોચ્ચ અદાલતમાં કેસ પડતર (pending) હોવાનું બહાનું આગળ ધરી તેણે કાવેરીનું પાણી બંધમાંથી છોડ્યું નહીં. તેના પ્રખર વિરોધ રૂપે 7 ઑક્ટોબર, 2002ના રોજ ‘તમિલનાડુ બંધ’ યોજાયો. તેના દ્વારા પિટિશન સર્વોચ્ચ અદાલતમાં રજૂ કરાતાં મુખ્ય સૂર વ્યક્ત કરવામાં આવ્યો કે કર્ણાટકના ત્યારના મુખ્યમંત્રી એસ. એમ. ક્રિશ્નાને આ અંગે સજા કરવામાં આવે. વળતા પગલા તરીકે તમિલનાડુ સરકારે કર્ણાટક રાજ્યને ‘નેટવેલી’માંથી અપાતો વીજળી પુરવઠો કાપવાની વાત કરી. જોકે સર્વોચ્ચ અદાલતે તેના આદેશના અનાદરની અને કાવેરીનું પાણી તમિલનાડુ રાજ્યને ન આપવાની બાબતની ‘અત્યંત ગંભીર’ નોંધ લઈ મુખ્યમંત્રી ક્રિશ્નાને તેનાથી અવગત કરાવ્યા. અંતે, 27 ઑક્ટોબર, 2002ના રોજ કર્ણાટક સરકારે નિર્ણય બદલી તમિલનાડુને પાણી પુરવઠો પૂરો પાડવાનો નિર્ણય કર્યો અને 10,000 ક્યુસેક્સ જેટલો પાણીનો જથ્થો કૃષ્ણરાજ સાગર બંધમાંથી છોડાતાં પરિસ્થિતિ થાળે પડી. વધુમાં કર્ણાટકના મુખ્યપ્રધાને સર્વોચ્ચ અદાલતની બિનશરતી માફી માગી અને આમ કાવેરી અંગેના લાંબા વિવાદનો તત્પૂરતો ઉકેલ આવ્યો.
ચંદનના લાકડાની ચોરી માટે કુખ્યાત દાણચોર વીરપ્પન કર્ણાટક અને તમિલનાડુની સરકારોને હંફાવી બંને રાજ્યોનાં લીલાછમ જંગલોમાં વર્ષોથી આશરો લઈ છટકી જતો હતો. તે 18 ઑક્ટોબર, 2004ના રોજ પોલીસતંત્રના સ્પેશિયલ ટાસ્ક ફોર્સ સાથેના સંઘર્ષમાં માર્યો જતાં બંને સરકારોએ અને વિશેષે કર્ણાટક સરકારે રાહતનો દમ ખેંચ્યો હતો.
શિક્ષણના કાર્યને વેગ આપવા કર્ણાટક સરકારે અઝીઝ પ્રેમજી ફાઉન્ડેશનના ઉપક્રમ અને સહકારથી ‘એક્સિલરેટેડ લર્નિગ પ્રોગ્રામ’ રાજ્યની 6,000 શાળાઓમાં 2004થી અમલમાં મૂક્યો છે. આ દ્વારા શિક્ષણનો પ્રસાર અને તેની ગતિ બંને વધારવાનો શુભાશય છે.
મહારાષ્ટ્ર સાથે બેલગામ અને નિપાણી અંગે કર્ણાટકનો સીમાવિવાદ પણ હજી અનિર્ણીત છે. પણ બંને પ્રશ્નો શાંતિથી ધીરજ રાખીને પતાવવા બંને સરકાર તૈયાર છે તે શુભ ચિહ્ન છે.
મિદતલા રાણી
શિવપ્રસાદ રાજગોર