કર્ણસુંદરી (1064-1094 દરમિયાન) : અગિયારમી સદીના ઉત્તરાર્ધમાં થયેલ કાશ્મીરી કવિ બિલ્હણરચિત નાટિકા. ‘નાટિકા’ પ્રકારના સાહિત્યમાં રત્નાવલી અને પ્રિયદર્શિકાને બાદ કરતાં ‘કર્ણસુંદરી’ ખૂબ નોંધપાત્ર સ્થાન ધરાવે છે. તેના લેખકે ગુજરાતમાં રહીને તેની રચના કરી હતી.
અણહિલવાડના ચૌલુક્ય રાજા કર્ણદેવના વિવાહનું નિરૂપણ એ આ કૃતિનું મુખ્ય વિષયવસ્તુ છે. ચૌલુક્ય કર્ણદેવ ત્રૈલોક્યમલ્લશ્રન કર્ણાટરાજ જયકેશીની કુંવરી મિયણલ્લદેવી સાથેના લગ્નને અનુલક્ષીને રચાયેલ આ નાટિકામાં કેટલાંક પાત્રો ઐતિહાસિક હોવા છતાં તેમાં ઐતિહાસિક તત્વ ખાસ નથી. હર્ષની ‘રત્નાવલી’ના અનુકરણરૂપે તેની રચના થઈ હોય તેમ જણાય છે.
તેમાં નાયિકા-કર્ણસુંદરીને સ્વપ્નમાં અને ચિત્રમાં જોઈને નાયક તેને વિશે આસક્ત થાય છે. કિંવદન્તી પ્રમાણે આ કર્ણસુંદરીનો પતિ ચક્રવર્તી થાય તેમ હતું. કવિએ મહા અમાત્ય સંપત્કર(સાંતુ મહેતા)ની સરખામણી અમાત્ય પ્રણિધિ યૌગન્ધરાયણ વગેરે સાથે કરી છે. રાજાની આજ્ઞાથી પોતે નાયિકા અને નાયકના મિલન વિશે પ્રવૃત્ત થયાનું સંપત્કર જણાવે છે. તેમાં રાજાના મિત્ર વિદૂષક અને પરિચારિકા તરંગવતી વગેરેનો સાથ છે. સંપત્કર કર્ણસુંદરીને મહેલમાં પ્રવેશ કરાવે છે. રાણી સ્વાભાવિક રીતે જ ઈર્ષ્યા અનુભવે છે અને પ્રણયમાર્ગમાં અવરોધ ઊભા કરે છે. એક વાર એને સ્થાને છોકરાને ગોઠવી રાજા સાથે પરણાવવાનો પ્રયાસ કરે છે પણ મંત્રી કુશળતાથી છોકરાને સ્થાને નાયિકાને મૂકી દઈને રાજાનું કાર્ય સિદ્ધ કરે છે.
આ નાટિકામાં કાવ્યતત્વ ચમત્કૃતિપૂર્ણ છે. ભવભૂતિની જેમ બિલ્હણ પણ પોતાના વિશે બહુ ઊંચો અભિપ્રાય ધરાવે છે એ તેની કવિતાના અનુસંધાનમાં સત્ય ઠરે છે. નાટ્યકાર ત્રણચાર વખત ભવભૂતિ અને રાજશેખરની માફક પોતાની જાતને શાબાશી પણ આપી લે છે; જેમ કે, પ્રથમ અંકમાં વિદૂષક પણ જ્યારે એક સુંદર કાવ્યરચના (1.5) કરે છે ત્યારે રાજા કહે છે કે, ‘અહો ! વર્ણનનો ક્રમ !’ એવી જ રીતે, બીજા અંકમાં નાયિકાની મનોવ્યથા તેની સખી કાવ્યમાં ઉતારે છે ત્યારે પણ નાયિકા પ્રસન્ન થતાં કહે છે : ‘સખી, સુંદર રચના ! સરસ કવિત્વથી વિપ્રલંભને પરા ભૂમિકા ઉપર પ્રસ્થાપિત કર્યો !’ કાવ્યતત્ત્વની આટલી પ્રશંસા કરીને, ચોથા અંકમાં જ્યારે અમાત્ય કપટથી રાણી દ્વારા જ કર્ણસુંદરીને નાયકના હાથમાં સોંપાવે છે ત્યારે પોતાની નાટ્યરચનાની પ્રશંસા પણ કવિ કરી લે છે. રાણી ત્યારે કહે છે : ‘અહો ! કપટનાટકનું માહાત્મ્ય !’
‘કર્ણસુંદરી’ની ચમત્કૃતિ એના કાવ્યતત્વમાં વિશેષ છે. રાજાની લગભગ બધી જ ઉક્તિઓ શ્લોકમય છે અને આ શ્લોકો અત્યંત સુંદર કવિતાના નમૂના છે. તેથી જ બિલ્હણને કવિતાકામિનીના કેશકલાપ સાથે સરખાવતી જયદેવની પ્રસિદ્ધ ઉક્તિ ‘यस्याश्चोरश्चिकुरनिकर:’ વગેરે યથાર્થ થતી જણાય છે.
તપસ્વી નાન્દી
ભારતી શેલત