કર્ણશોથ (otitis) : કાનમાં ચેપ લાગવાથી થતો રોગ. જીવાણુ કે ફૂગના ચેપથી કાનમાં સોજો અને દુખાવો થાય છે અને તે ભાગ લાલ થાય છે. તેને કાનનો શોથ (inflammation) અથવા કર્ણશોથ કહે છે. કાનના ત્રણ ભાગ છે  બાહ્યકર્ણ, મધ્યકર્ણ અને અંત:કર્ણ. તે પ્રમાણે કર્ણશોથ પણ ત્રણ પ્રકારના છે.

બાહ્યકર્ણશોથ (otitis externa) : કાનના બહારના ભાગને બાહ્યકર્ણ કહે છે. તેમાં બહાર દેખાતો કાનનો ભાગ અથવા કર્ણપર્ણ (pinna), કાનની બહારની નળી અને કાનનો પડદો અથવા કર્ણપટલ(tympanic membrane)નો સમાવેશ થાય છે. ચેપને કારણે આ ત્રણેને અસર થાય છે. કાનના પડદા પર નાની નાની ફોલ્લીઓ થાય અને પરુ થાય તો તેને કર્ણપટલશોથ (myringitis) કહે છે. બાહ્યકર્ણની નળીની ચામડીમાં પ્રસરેલા ચેપને બાહ્યકર્ણશોથ કહે છે. તે જીવાણુ અથવા ફૂગને કારણે થાય છે. જ્યારે તે ચેપ કર્ણપર્ણની ચામડીમાં ફેલાય ત્યારે ત્યાં ફોલ્લીઓ અને સોજો કરે છે. તેને ત્વક્શોથ (dermatitis) કહે છે. બાહ્યકર્ણશોથના દર્દીને ચચરાટ (irritation) અને દુખાવો થાય છે. ચામડી પરના ઉપલા કોષો પોપડીરૂપે ખરી પડે છે તેને અધિચ્છદપાત (desquamation) કહે છે. કાનમાંથી થોડું પ્રવાહી નીકળે છે. ક્યારેક બહેરાશ આવે છે. બાહ્યકર્ણનળી જો સાંકડી અને વાંકીચૂકી હોય, નાહ્યા પછી, તર્યા પછી કે સિરિંજ દ્વારા કાનમાં પાણી ગયું હોય, વારેઘડીએ કાનમાં આંગળી કે અન્ય પદાર્થ નાખવાની ટેવ હોય, કાનની ચામડીમાં ખરજવું કે અન્ય રોગ હોય અથવા માથામાં ખોડો થયેલો હોય તો બાહ્યકર્ણશોથ થાય છે. બહારના કાનને હલાવતાં કે તેના છિદ્રની સહેજ આગળ અડતાં દુખાવો થાય છે. ભેજવાળું વાતાવરણ હોય, ફૂગવાળું પાણી કે તેલ કાનમાં નાખ્યું હોય કે ઍન્ટિબાયૉટિકનો પ્રમાણસર ઉપયોગ થયો ન હોય તો ફૂગનો ચેપ લાગે છે. વ્યક્તિને મધુપ્રમેહનો રોગ હોય તો વારંવાર અને તીવ્ર ચેપ લાગવાની શક્યતા રહે છે. બાહ્યકર્ણને સાફ કરીને યોગ્ય ઍન્ટિબાયૉટિકનાં ટીપાં નાખવાથી તે મટે છે. ચામડી કે કાનના પડદા પર લાગેલી ફૂગને દૂર કરવાનું ઘણી વખત સરળ હોતું નથી અને તે માટે થોડા દિવસ દવાનાં ટીપાં નાખ્યા પછી કે કાનમાં દવાવાળી પટ્ટી મૂક્યા પછી જ તે દૂર કરી શકાય છે. બાહ્યકર્ણશોથનું નિદાન કરતી વખતે કાનના પડદામાં કોઈ છિદ્ર નથી તે જોવું જરૂરી છે; કેમ કે, મધ્યકર્ણના ચેપમાં કાનના પડદામાં છિદ્ર કરીને પરુ બાહ્યકર્ણનળી દ્વારા બહાર આવે છે. ક્યારેક બાહ્યકર્ણનળીના કેશના મૂળમાં ચેપ લાગે તો તેને કેશમૂળશોથ (furunculosis) કહે છે. ગોલાણુ (staphylococci) પ્રકારના જીવાણુથી થતો આ રોગ સતત દુખાવો અને ક્યારેક થોડીક બહેરાશ પેદા કરે છે. તેની સારવારના સિદ્ધાંતો ઉપર જણાવ્યા મુજબ જ છે.

મધ્યકર્ણશોથ (otitis media) : કાનના વચલા ભાગમાં આવેલા પોલાણના ચેપને મધ્યકર્ણશોથ કહે છે. તે બે પ્રકારનો છે : ઉગ્ર (acute) અને દીર્ઘકાલી (chronic). ઉગ્ર ચેપ બાળકોમાં વધુ પ્રમાણમાં થાય છે. સામાન્ય રીતે નાક કે ગળાનો ચેપ મધ્યકર્ણમાં ફેલાવાથી થાય છે. તેથી તે શરદી, કાકડાશોથ (tonsillitis), ઇન્ફલ્યુએન્ઝા કે ઓરી અથવા ઉટાંટિયા જેવા રોગોમાં થતી શરદી જેવી તકલીફ પછી સામાન્ય રીતે જોવા મળે છે. ક્યારેક કાનમાં પ્રસરતો ચેપ અસ્થિવિવરશોથ (sinusitis), કાકડાઉચ્છેદનની શસ્ત્રક્રિયા પછી, કર્ણપટલને ઈજા થયા પછી પાણીમાં ડૂબકી મારવાથી કે શંખાસ્થિ (temporal tone) ભાંગવાથી પણ થાય છે. તેના શોથમાં મધ્યકર્ણગુહા ઉપરાંત મધ્યકર્ણનળી તથા કર્ણમૂળદ્વાર (mastoid antrum) અને કર્ણમૂળના વાયુવિવરો (air cells) પણ અસરગ્રસ્ત થાય છે. મધ્યકર્ણની શ્લેષ્મકલામાં સૌપ્રથમ સોજો આવે છે. તેમાંથી પરુ ઝરે છે તથા સોજાને કારણે મધ્યકર્ણનળી બંધ થઈ જાય છે અને તેથી મધ્યકર્ણમાં ન તો હવા પ્રવેશી શકે છે, ન તો તેમાંનું પરુ બહાર જઈ શકે છે. તેથી સખત સણકા મારતો દુખાવો થાય છે. દબાણને કારણે કાનનો પડદો (કર્ણપટલ) બાહ્યકર્ણનળી તરફ ઊપસી આવે છે, તેનો કોષનાશ (necrosis) થાય છે અને તેમાં કાણું પડે છે. ત્યારબાદ પરુ બાહ્યકર્ણનળી દ્વારા બહાર આવે છે. મધ્યકર્ણમાં અવાજના તરંગોનું વહન અટકે છે અને તેથી બહેરાશ આવે છે. પરુને કારણે 40o સે. જેટલો તાવ આવે છે. દર્દીને બેસવાની કે માથું ઊંચું રાખીને સૂવાની સૂચના અપાય છે. શરૂઆતના તબક્કામાં મુખમાર્ગે યોગ્ય ઍન્ટિબાયૉટિક તથા પીડનાશકો અપાય છે. ક્યારેક નાકમાં વાહિની-સંકોચક (vasoconstrictor) ટીપાં નંખાય છે. જો કર્ણપટલ ઊપસી આવેલો હોય તો તેમાં છિદ્રણ કરાય છે, જેથી મધ્યકર્ણમાંનું પરુ બહાર આવી શકે. કર્ણપટલછિદ્રણ (myringotomy) પછી બાહ્યકર્ણનળીને નિયમિતપણે સાફ કરવી પડે છે. તેમાંથી આવતા પરુનું જીવાણુસંવર્ધન (bacterial culture) કરી યોગ્ય ઍન્ટિબાયૉટિક નક્કી કરી શકાય છે. કર્ણપટલમાં રૂઝ આવે તથા બહેરાશ દૂર થાય ત્યાં સુધી સારવાર અપાય છે.

દીર્ઘકાલી મધ્યકર્ણશોથના દર્દીમાં કર્ણપટલછિદ્ર અને પરુનો સ્રાવ ચાલુ રહે છે. તેથી બહેરાશ વધે છે. વધુ પડતી, અપૂરતી અથવા અયોગ્ય ઍન્ટિબાયૉટિક વડે સારવાર, નાક કે ગળામાં પરુ કરતો રોગ, અપોષણ, પાંડુતા કે પ્રતિરક્ષાલક્ષી વિકાર(immunological disorder)ને કારણે ઘટેલી રોગપ્રતિકારકતા અથવા પ્રબળ (virulent) ચેપ લાંબા સમયનો ચેપ કરે છે. મધ્યકર્ણના લાંબો વખત ચાલતા ચેપમાં પરુ ઉદભવે છે અને તેથી તેને દીર્ઘકાલી પૂયકારી મધ્યકર્ણશોથ કહે છે. તેના મુખ્યત્વે બે પ્રકાર છે : (ક) શ્લેષ્મકલાનો શોથ અથવા નલી-મધ્યકર્ણીય (tubotympanic) શોથ અને (ખ) હાડકાંનો શોથ. એમાં (ખ–1) અસ્થિશોથ (osteitis) અને (ખ–2) શૃંગીકોષ્ઠાર્બુદ (cholesteatoma) અથવા અધિમધ્યકર્ણકર્ણમૂળદ્વારીય રોગ(attico-antral-disease)નો સમાવેશ થાય છે. શૃંગીકોષ્ઠાર્બુદ જોખમી રોગ છે.

કર્ણશોથ : મધ્યકર્ણની આસપાસના વિસ્તાર, જેમાં મધ્યકર્ણનો ચેપ પ્રસરી શકે. કૌંસમાં આપેલો શબ્દ મધ્યકર્ણનો ચેપ જો ત્યાં પ્રસરે તો થતો વિકાર દર્શાવે છે. (1) કર્ણપર્ણ, (2) બાહ્યકર્ણનળી (પરુનો સ્રાવ), (3) કર્ણપટલ (સતંતુ ભાગમાં મધ્યસ્થ છિદ્ર), (4) મધ્યકર્ણગુહા અને તેનાં હાડકાં, (5) મધ્યકર્ણનળી (ગળામાંથી ચેપ મધ્યકર્ણમાં પ્રસરે), (6) અંત:કર્ણ, (7) કર્ણમૂલ (કર્ણમૂલશોથ), (8) મોઢાના સ્નાયુઓની ચેતા (મોઢાના સ્નાયુનો લકવો), (9) શંખાસ્થિ (અસ્થિશોથ), (10) મગજની ર્દઢતાનિકા, (11) અધિૃર્દઢતાનિકા અવકાશ (ગૂમડું), (12) અવર્દઢતાનિકા અવકાશ (ગૂમડું), (13) મગજ (ગૂમડું).

(ક) શ્લેષ્મકલાનો શોથ અથવા નલીમધ્યકર્ણીય શોથ : તે ઓછો જોખમી છે અને તેના કારણભૂત નાક કે ગળાના ચેપજન્ય સોજાની સારવાર પણ કરવી પડે છે. કાનમાંથી શ્લેષ્મસમ (mucus) પ્રવાહી પડે છે અને બહેરાશ આવે છે. કાનમાંથી શ્લેષ્મસમ પ્રવાહી પડતું હોય તો તે હંમેશ કાનના પડદામાં કાણું છે એવું સૂચવે છે. કર્ણપટલના સતંતુભાગમાં વચલા ભાગમાં છિદ્ર પડતું હોવાથી તેને મધ્યસ્થછિદ્રણ કહે છે. (જુઓ કર્ણપટલઆકૃતિ, પૃ. 168.) છિદ્ર પડદાના કેન્દ્ર પર જ પડે એવું હોતું નથી. યોગ્ય સારવાર ન કરવામાં આવે તો કાયમી બહેરાશ આવી શકે છે. વચ્ચે વચ્ચે કાનની તકલીફ ઘટે છે અને પડદામાંનું છિદ્ર મટે છે. કાનની સફાઈ કરવાથી સામાન્ય રીતે રૂઝ આવે છે. જરૂર પડ્યે કર્ણપટલછિદ્રને પૂરવા માટે તેને રસાયણ વડે બાળવામાં આવે છે અથવા કર્ણપટલ-નવસર્જન(myringoplasty)ની શસ્ત્રક્રિયા કરાય છે. જો કર્ણપટલની સાથે સાથે મધ્યકર્ણના નાના હાડકાની પણ વિકૃતિ દૂર કરી નવીનીકરણ કરવાની શસ્ત્રક્રિયા કરવામાં આવે તો તેને મધ્યકર્ણનવસર્જન (tympanoplasty) કહે છે.

(ખ) મધ્યકર્ણનાં હાડકાંને અસર કરતો શોથ : મધ્યકર્ણની આસપાસનું હાડકું અને કાનના પડદાના અતંતુભાગના પાછલા અને ઉપલા ભાગ અથવા અતંતુભાગ અસરગ્રસ્ત થાય છે. (જુઓ કર્ણપટલઆકૃતિ, પૃ. 168). કાનના પડદાનો જે ભાગ અસરગ્રસ્ત થાય છે ત્યાં કાણું પડે છે. તેમાંથી કાયમ માટે થોડું અને દુર્ગંધ મારતું પ્રવાહી નીકળે છે. હાડકામાં થતા અસ્થિશોથ(osteitis)માં અડતાંની સાથે લોહી ઝરતી લાલ, દાણાદાર પેશી (granulation tissue) બને છે. ક્યારેક દાણાદાર પેશીનો મસો કાનની બહારની નળીમાં જોવા મળે છે. મધ્યકર્ણના ચેપને કારણે મધ્યકર્ણનળી (eustachian tube) બંધ થઈ જાય છે ત્યારે મધ્યકર્ણમાં હવાનું આવાગમન ઘટે છે અને તેથી તેમાં દબાણ પણ ઘટે છે. કાનના પડદાનો ઢીલો અતંતુભાગ મધ્યકર્ણ બાજુ ખેંચાય છે. તેમાં પડેલી ગડીમાં ચામડીના શૃંગીસ્તરની પોપડીઓનું દ્રવ્ય (keratin) જમા થાય છે. આમ કર્ણપટલની ગડીમાંના પોલાણ અને તેમાં જમા થયેલી સફેદ અને ગંધાતી પોપડીઓ શૃંગીકોષ્ઠાર્બુદ કરે છે, જે આસપાસની પેશીને નુકસાન કરે છે. તેને કાનમાં સડો થયો છે એમ પણ કહે છે. શૃંગીકોષ્ઠાર્બુદ વિકસતું જાય છે અને તેથી આસપાસનું હાડકું ખવાઈ જાય છે. ક્યારેક મગજનું ર્દઢતાનિકા (dura mater) નામનું બહારનું આવરણ, પાર્શ્વવિવર (lateral sinus), મોઢાના સ્નાયુઓની ચેતા (facial nerve) અને અંત:કર્ણના કેટલાક ભાગ પણ અસરગ્રસ્ત થાય છે. તેને કારણે માથું દુખે, કાન દુખે, ચક્કર આવે, મોઢાના સ્નાયુનો લકવો થાય, બહેરાશ આવે, ટાઢ સાથે તાવ આવે વગેરે વિવિધ તકલીફો થાય છે. તેની સારવાર ન કરવામાં આવે તો ક્યારેક મૃત્યુ નીપજે છે. શરૂઆતના તબક્કામાં કાનની સફાઈ કરાવવાથી રોગ વધતો અટકે છે. સૂક્ષ્મદર્શકની મદદથી ચૂસકયંત્રીય સફાઈ (suction toilet) કરીને નાના શૃંગીકોષ્ઠાર્બુદની સારવાર કરાય છે. અંતિમ તબક્કાઓમાં કર્ણમૂળ(mastoid)નું હાડકું દૂર કરવું પડે છે.

મધ્યકર્ણમાં લાંબા ગાળાના ચેપ પછી ક્યારેક કર્ણમૂલશોથ (mastoiditis), તાનિકાશોથ (meningitis), મગજની બહારના ર્દઢતાનિકા નામના આવરણની બહાર કે તેની નીચે ગૂમડું, મગજમાં ગૂમડું, અંત:કર્ણમાં સોજો, પાર્શ્વવિવરમાં લોહી જામવું, મોઢાના સ્નાયુનો લકવો, આસપાસનાં હાડકાંમાં ચેપ પ્રસરવો વગેરે આનુષંગિક તકલીફો થાય છે.

તરલશ્લેષ્મીય (seromucinous) મધ્યમકર્ણ શોથ : આ પ્રકારના મધ્યકર્ણના ચેપવાળા દર્દીના કાનમાંથી પ્રવાહી કે પરુ બહાર પડતું નથી. મધ્યમકર્ણમાં ચીકણું પ્રવાહી ઝરે છે એને તેથી કર્ણપટલની બંને બાજુ હવાના દબાણમાં તફાવત ઊભો થાય છે. દર્દીને બહેરાશ આવે છે અને તેના કાનમાં તમરાં (કર્ણઘંટડીનાદ) બોલે છે. કાનમાં જોતાં કર્ણપટલ અંદરની બાજુ ખેંચાયેલો હોય છે અને તે કર્ણદર્શકમાંથી નીકળતા પ્રકાશશંકુમાં ફેરફાર થાય છે તેના વડે જાણી શકાય છે. તેનાં મુખ્ય કારણોમાં નાકની પાછળના ભાગમાં થતા કાકડા (adenoids), મધ્યકર્ણનળીને અવરોધતી ગાંઠ, શરદી થયેલી હોય તેવી વ્યક્તિને વાતાવરણના દબાણમાં થતા ફેરફારોને કારણે કાનમાં થયેલી ઈજા, ઉગ્ર મધ્યકર્ણશોથ, વિષમોર્જી અથવા ઍલર્જિક નાસિકાશોથ (allergic rhinitis) વગેરે છે. આ વિકાર થવાનાં કારણો દૂર કરીને તેની સારવાર કરાય છે. જરૂર પડ્યે કર્ણપટલમાં થઈને મધ્યકર્ણગુહામાંનું પ્રવાહી દૂર કરાય છે તથા તેમાં હવા પુરાય છે. તે માટે ગ્રોમેટ (grommet) અથવા વાતવાહી (ventilation) નળીની જરૂર પડે છે. મુખ્યત્વે તે બાળકોમાં થાય છે અને તેની સારવાર ન થઈ હોય તો બહેરાશને કારણે બાળકોના વિકાસ અને શિક્ષણ પર અસર થાય છે.

મટી ગયેલો મધ્યકર્ણશોથ : મધ્યકર્ણમાં ચેપ મટી ગયો હોય તે પછી ક્યારેક કર્ણપટલમાં કાણું પડે, કર્ણપટલ પાતળો થાય, તંતુપેશીને કારણે કર્ણપટલમાં સતંતુકાઠિન્ય (tympanosclerosis) થાય અથવા મધ્યકર્ણમાં તંતુપેશી (fibrous tissue) બનવાથી તેમાંની સંરચનાઓ એકબીજીને ચોંટી જાય છે.

મધ્યકર્ણનો ક્ષય : ફેફસાંના ક્ષયના દર્દીમાં મધ્યકર્ણમાં ચેપ ફેલાય ત્યારે કર્ણપટલમાં અનેક કાણાં પડે છે, બહેરાશ આવે છે, કાનમાંથી પ્રવાહી પડે છે પરંતુ દુખાવો થતો નથી. તેની શરૂઆત ધીમી અને અજાણપણે થાય છે. ફેફસાંના ક્ષયરોગની દવા અને કાનને સાફ રાખવાની ક્રિયાઓ સારવાર માટે ઉપયોગી છે.

શિલીન નં. શુક્લ

રાજેન્દ્ર બાળગે