કર્ણમેલ (ear wax) : કાનની બહારની નળીમાં કર્ણતેલ (cerumen) અને પ્રસ્વેદનું જામી જવું તે. બાહ્ય કર્ણનળીમાં આવેલી કર્ણતેલ ગ્રંથિઓ (ceruminous glands) સતત કર્ણતેલ ઉત્પન્ન કરે છે.
કર્ણતેલ બહારની બાજુ વહે છે. કર્ણતેલ તથા પ્રસ્વેદ કર્ણનળીના સતત બદલાતા રહેતા અધિચ્છદ(epithelium)ની સાથે આપમેળે પોપડાના રૂપમાં બહાર આવે છે. ચાવતી કે બોલતી વખતે મોં ખોલ-બંધ કરવાથી આ પોપડા સહેલાઈથી બહાર આવી જાય છે. પરંતુ વૃદ્ધાવસ્થામાં તથા લાંબી અશક્તિ લાવતી માંદગીમાં કાનની બહારની નળીમાંથી તેમને દૂર કરી શકાતા નથી અને તેથી તે મીણ જેવા કર્ણમેલરૂપે જમા થાય છે. રજકણો કે અન્ય બાહ્ય પદાર્થો દા.ત., નાના જંતુ કે અક્રિય (inert) કચરાના કણ પણ જો કાનની બહારની નળીમાં પ્રવેશે તો તેમની આસપાસ કર્ણમેલ જમા થાય છે. વળી કેટલીક વ્યક્તિઓમાં સામાન્ય સંજોગોમાં પણ અધિચ્છદને દૂર કરવાની પ્રક્રિયા ધીમી હોય છે. નળી સાંકડી હોય અથવા તેનો ઢાળ અનુકૂળ ન હોય તોપણ કર્ણમેલ જમા થાય છે.
કર્ણમેલ જમા થવાને કારણે કાનમાં તમરાં જેવો અવાજ આવે, કે કાનમાં દુખાવો થાય. કાનના અંદરના ભાગની તપાસ કરવાની જરૂર હોય ત્યારે કર્ણમેલ દૂર કરવો પડે છે. ચક્કર આવવાની તકલીફ ધરાવતા કેટલાક દર્દીઓમાં કર્ણમેલ દૂર કરવાથી રાહત થાય છે. કાનમાં જામેલો મેલ ચેતાતંત્રીય પ્રતિક્રિયા દ્વારા ક્યારેક ખાંસી પણ કરે છે. આ ચેતાતંત્રીય પ્રતિક્રિયા બહુવિસ્તારી ચેતા (vagus nerve) નામની દશમી કર્પરી ચેતા (cranial nerve) દ્વારા થાય છે. આવા સમયે કર્ણમેલ દૂર કરવાથી ખાંસી મટે છે. સળી ઉપર રૂ લગાવીને કર્ણમેલ દૂર કરવો હિતાવહ નથી કેમકે ક્યારેક તે કર્ણમેલને કાનની નળીના અંદરના ભાગમાં ધકેલે છે. જરૂર પડ્યે કર્ણમેલને પોચો કરવા દવાનાં ટીપાં નખાય છે.
રાજેન્દ્ર બાળગે
શિલીન નં. શુક્લ