કર્ણમૂલશોથ

January, 2006

કર્ણમૂલશોથ (mastoiditis) : કાનની પાછળના ભાગમાં આવેલા શંખાસ્થિ(temporal bone)ના કર્ણમૂલ (mastoid process) નામના પ્રવર્ધમાં ચેપ લાગવો તે. જ્યારે ઉગ્ર મધ્યકર્ણશોથ(acute otitis media)ની સારવાર અપૂરતી થઈ હોય અને તે મટ્યો ન હોય ત્યારે લગભગ 3થી 4 અઠવાડિયાં બાદ દર્દીને કાનની અંદર અને મુખ્યત્વે પાછલા ભાગમાં ફરીથી સખત દુખાવો થાય છે અને તેના કાનમાંથી ઘણું પરુ પડે છે અને તેની બહેરાશ વધી જાય છે. આ

શંખાસ્થિ : (1) કર્ણપટલીય છિદ્ર તથા મધ્યકર્ણગુહાનું મુખ, (2) કર્ણમૂલ-પ્રવર્ધ.

સમયે મધ્યકર્ણમાંનો ચેપ તેની પાછલી દીવાલમાંના કર્ણમૂલના હાડકામાં ફેલાયેલો હોય છે. બાહ્યકર્ણનળીની પાછલી અને ઉપલી દીવાલ ઊપસી આવે છે. દર્દીને થાક, અશક્તિ અને તાવ આવે છે. કાનની પાછળ આવેલા હાડકાને અડતાં દુખાવો થાય છે. નિદાન માટે તેનું ઍક્સ-રે-ચિત્રણ ઉપયોગી બને છે. ઍન્ટિબાયૉટિક ઔષધો વિકસ્યાં ન હતાં ત્યારે શસ્ત્રક્રિયા વડે પરુ દૂર કરાતું હતું. હાલ ઍન્ટિબાયૉટિકના વ્યાપક ઉપયોગને કારણે આ વિકાર બહુ જોવા મળતો નથી. જો તે થાય અને તેનું વહેલું નિદાન થાય તો ઔષધીય સારવાર પૂરતી થઈ પડે છે.

શિલીન નં. શુક્લ

રાજેન્દ્ર બાળગે