કર્ણભાર : પ્રસિદ્ધ સંસ્કૃત કવિ ભાસ(ઈ.પૂ. ચોથી સદી ?)નાં મનાતાં ત્રિવેન્દ્રમ રૂપકો તરીકે ઓળખાતાં તેર રૂપકોમાંનું એક એકાંકી રૂપક. તેનું વસ્તુ મહાભારતની કથા ઉપર રચાયેલું છે.

મહાભારત યુદ્ધમાં સેનાપતિ તરીકે અર્જુન સામે નિર્ણાયક યુદ્ધ કરવા જઈ રહેલા કર્ણના મન ઉપર અજાણ્યા વિષાદનાં વાદળદળ છવાયાં છે અને તેનું સૂર્ય જેવું સ્વાભાવિક તેજ ઝાંખું પડવા લાગ્યું છે. તેવામાં કર્ણને માતા કુન્તી સાથે થોડા વખત પહેલાં જ થયેલું મિલન યાદ આવે છે. અચાનક પાંડવો તેના શત્રુઓ રહ્યા નથી અને અર્જુન તો તેનો નાનો ભાઈ બની ગયો છે. જીવનભર તેણે સેવેલો વૈરભાર મિથ્યા ઠર્યો છે અને તેનું મન દિશાશૂન્ય બન્યું છે. તેને પરશુરામે આપેલો શાપ યાદ આવે છે અને પોતાના શસ્ત્રની નિરર્થકતા તેના ઉત્સાહને ભાંગી નાખે છે, દૈન્ય અનુભવી રહેલા અને પોતાનું તેજ તથા સાર્થકતા શોધવા મથી રહેલા કર્ણને જોઈ તેનો સારથિ શલ્ય પણ ગમગીન થઈ જાય છે. પણ આ જ વખતે સારથિને આશ્વાસન આપવા જતાં જ કર્ણનો દાનવીરતાનો લોકોત્તર ગુણ જાગી ઊઠે છે. તેને પોતાના અસ્તિત્વનું મૂલ્ય સાંપડે છે. તરત જ તેનો વિષાદ ઓસરી જાય છે. તે કહે છે : ‘‘આ હું પ્રસન્ન છું.’’ આ સ્થિતિમાં સમરાંગણ તરફ જવા પગ ઉપાડી રહેલા કર્ણને, ‘‘કર્ણ, મારે ઘણી મોટી ભિક્ષા જોઈએ છે’’ એવા પ્રભાવયુક્ત શબ્દો સંભળાય છે. બ્રાહ્મણવેશી ઇન્દ્ર કર્ણનાં કવચકુંડળ લેવા આવ્યો છે. કર્ણ પ્રણામ કરે છે. ઇન્દ્ર તેને ‘‘તારો યશ શાશ્વત રહો’’ તેવા આશીર્વાદ આપે છે. ઇન્દ્ર સીધી રીતે કવચકુંડળ માગી શકતો નથી. કર્ણ તેને હજારો ગાયો, ઘોડાઓ, હાથીઓ આપવા તેમજ પૃથિવી, અગ્નિષ્ટોમ યાગનું ફળ તથા પોતાનું માથું પણ આપવાની તૈયારી બતાવે છે. છેલ્લે તે પોતાના દેહની રક્ષા કરનાર કવચકુંડળ આપવા જાય છે. ઇન્દ્રને તો તે જ જોઈતું હતું.

આમાં કદાચ કૃષ્ણનું કપટ હોઈ શકે તેમ સમજતો હોવા છતાં તથા શલ્યે વાર્યો હોવા છતાં શાશ્વત જીવનના મૂલ્યને સમજતો થયેલો કર્ણ ઇન્દ્રને તરત જ કવચકુંડળ ઉતારી આપે છે તથા બદલામાં પશ્ચાત્તાપથી ઇન્દ્રે મોકલેલી વિમલા શક્તિને બ્રાહ્મણવચનને કારણે જ સ્વીકારે છે. કવચકુંડળવિહીન કર્ણ અર્જુન સાથે મુકાબલો કરવા ધસી જાય છે.

આ રૂપકમાં મહાભારતના કર્ણપર્વમાં તેમજ શાંતિપર્વના રાજધર્માનુશાસન પર્વમાં આવતા કર્ણને મળેલા પરશુરામના શાપનો પ્રસંગ, વનપર્વમાં આવતા કવચકુંડળહરણપ્રસંગ તથા ઉદ્યોગપર્વમાં આવતા કર્ણકુંતીમિલનનું એકસાથે સંયોજન કરવામાં આવ્યું છે. અહીં જન્મથી જ હીન તરીકે જીવેલા કર્ણની સૂર્યપુત્ર તરીકેની તેજસ્વિતા ઉપસાવવામાં આવી છે. સ્વરૂપાન્તર કરી પાત્રની ભવ્યતા બતાવવી એ ભાસ કવિની વિશેષતા છે.

આ રૂપકમાં ઉત્સૃષ્ટિકાંક નામના રૂપકપ્રકારનાં લક્ષણો વિશેષ પ્રમાણમાં દેખાય છે.

‘કર્ણભાર’ શબ્દમાં ભાર શબ્દનો અર્થ વિવેચકોએ માનસિક ભાર અથવા કૂચ અથવા ભર એટલે તેજ અને ભર એ જ ભાર  એવો લીધો છે. કેટલાક વિદ્વાનોને આ રૂપકમાં સંસ્કૃત રૂપકોમાં વિરલ એવાં કરુણાન્તિકાનાં લક્ષણો દેખાયાં છે.

પરમાનંદ દવે