કર્ણપટલ (tympanic membrane) : બાહ્ય કાનની નળીના અંદરના છેડે આવેલો કાનનો પડદો. તેને કર્ણઢોલ પણ કહે છે. તે બાહ્યકર્ણનળી (external auditory meatus) અને મધ્યકર્ણને અલગ પાડે છે. (જુઓ કાન તથા આકૃતિ). તેમાં 3 પડ હોય છે. બહારનું પડ અધિચ્છદ(epithelium)નું બનેલું હોય છે અને તે કાનની બહારની નળીના અધિચ્છદ સાથે સળંગ જોડાયેલું હોય છે. તેનું મધ્યપડ તંતુમય (fibrous) હોય છે અને ગર્ભની મધ્યત્વચામાંથી ઉદભવ્યું હોય છે. તેના કેન્દ્રીય વિસ્તારમાં ગોળ અને પરિઘીય વિસ્તારમાં અરી (spokes) જેવા તંતુઓ આવેલા હોય છે. તેનું અંદરનું પડ મધ્યકર્ણીય શ્લેષ્મકલા(mucosa)નું બનેલું હોય છે. તેની ઉપરની અને પાછળની કિનારી સહેજ બાહ્યકર્ણ તરફ ઢળતી અને નીચેની અને આગલી કિનારી મધ્યકર્ણ તરફ ઢળતી રહે એમ તે ત્રાંસું ગોઠવાયેલું હોય છે. તે મધ્યકર્ણ તરફ બહિર્ગોળ આકારે ઊપસેલું હોય છે. તે મોતી જેવો ચમકતો ભૂખરો અને અર્ધપારદર્શક પડદો હોય છે. અકબંધ કર્ણપટલમાંથી પણ હથોડીનો લાંબો હાથો, એરણ તથા એરણ-પેંગડું વચ્ચેનો સાંધો જોઈ શકાય છે. કર્ણપટલનો પરિઘી વિસ્તાર જાડો હોય છે અને તે વીંટી-આકાર (annulus) બનાવે છે, જે શંખાસ્થિ(temporal bone)ની કર્ણપટલીય ખાંચ(tympanic sulcus)માં આગળ, પાછળ અને નીચેથી જોડાયેલ હોય છે.

કર્ણપટલ : (અ) સામાન્ય કર્ણપટલ, (આ) કર્ણપટલને ઈજા, (ઇ, ઈ) મધ્યકર્ણશોથના દર્દીના કર્ણપટલમાં મધ્યસ્થ છિદ્ર, (ઉ, ઊ) શૃંગી-કોષ્ઠાર્બુદ(cholesteatoma)માં કર્ણપટલ છિદ્ર. નોંધ : (1) કર્ણપટલનો સતંતુભાગ, (2) કર્ણપટલનો અતંતુભાગ, (3) હથોડીના હાડકાના પ્રવર્ધોથી ઊપસેલો ભાગ, (4) કર્ણદર્શકના પ્રકાશપુંજનો કર્ણપટલ દ્વારા પરાવર્તિત પ્રકાશ-શંકુ, (5) ઈજાજન્ય છિદ્ર, (6) લોહી, (7) મધ્યસ્થ છિદ્ર, (8) મધ્યકર્ણગુહા

કર્ણપટલના બે ભાગ હોય છે. તેના મોટા અને નીચેના ભાગને તણાયેલો ભાગ અથવા સતંતુ ભાગ (pars tensa) કહે છે, જેની ઉપલી કિનારી પર અગ્ર અને પશ્ચ હથોડીલક્ષી ગડીઓ આવેલી હોય છે અને તે તંતુઓને કારણે ખેંચાયેલો-તણાયેલો હોય છે. તેના ઉપરના નાના ભાગને અધિમધ્યકર્ણ (attic) કહે છે અને તેમાં તંતુનું બનેલું મધ્યપડ ન હોવાથી તે કર્ણપટલનો ઢીલો ભાગ છે. તેને અતંતુ ભાગ (pars flaccida) કહે છે. મધ્યકર્ણમાં ચેપ લાગે ત્યારે ક્યારેક તેમાં કાણું પડે છે અને તેમાંથી પરુ બહાર આવે છે. કાનમાંથી મેલ દૂર કરવા નંખાયેલું અણીદાર સાધન, જોરદાર તમાચો કે મોટો ધડાકો કાનના પડદાને ઈજા કરે છે. આવા સમયે દુખાવો, થોડી બહેરાશ, કાનમાં તમરાં બોલતાં હોય તેવો અવાજ અને ક્યારેક ચક્કર આવે છે. કાનમાંથી લોહી પડે છે અને કાનમાં જોતાં લોહીનો ગઠ્ઠો તથા કાનના પડદા પર પડેલો ચીરો જોઈ શકાય છે. આ સમયે કાનની સફાઈ કરાતી નથી, કાનમાં દવાનાં ટીપાં નખાતાં નથી તેમજ કાનને સિરિંજ વડે પાણીથી ધોવામાં આવતો નથી. સીધી ઈજા થઈ હોય કે ચેપ લાગ્યો હોય તો ઍન્ટિબાયૉટિક અપાય છે. સામાન્ય રીતે રૂઝ આવે છે પરંતુ બહેરાશ પૂરેપૂરી મટે ત્યાં સુધી સારવાર અપાય છે.

શિલીન નં. શુક્લ

રાજેન્દ્ર બાળગે