કર્ણદેવ (વાઘેલો) (શાસનકાળ 1296થી 1304) : સારંગદેવનો ભત્રીજો અને ઉત્તરાધિકારી. તે કર્ણદેવ 2જો કહેવાય છે. એ 1296માં ગુજરાતની ગાદીએ આવ્યો. એનાથી નારાજ થયેલા માધવ મંત્રીની પ્રેરણાથી દિલ્હીના અલાઉદ્દીન ખલજીના સૈન્યે 1299માં પાટણ પર ચડાઈ કરી. કર્ણદેવ છીંડું પાડી નાસી ગયો, પણ મુસ્લિમ ફોજ પાછી જતાં કર્ણદેવ પાછો ફર્યો ને પાટણનો સત્તાધીશ બન્યો. આથી બાદશાહે 1304માં બીજી ફોજ મોકલી. કર્ણ હારીને કાયમ માટે ભાગી ગયો. એ દેવગિરિના યાદવ રાજા રામચંદ્રના આશ્રયે ગયો અને બાગલાણના કિલ્લામાં રહ્યો. રામચંદ્રના પુત્ર સિંઘણદેવે કર્ણદેવની કુંવરી દેવલદેવીની માગણી કરી, પણ સરદાર અલપખાને એને પકડી દિલ્હી રવાના કરી દીધી. કર્ણદેવ તેલંગણ તરફ ગયો ને રખડી-રઝળીને રાંક માણસની જેમ મૃત્યુ પામ્યો.
હરિપ્રસાદ ગં. શાસ્ત્રી