કર્ઝન, લૉર્ડ (જ. 11 જાન્યુઆરી 1859, કેલ્ડેસ્ટોન, ડર્બીશાયર; અ. 20 માર્ચ 1925, લંડન) : ભારતના જાણીતા વાઇસરૉય અને કાર્યદક્ષ વહીવટકર્તા. (1898-1905). સત્તાકાળ દરમિયાન તેમણે બંગાળ પ્રાન્તના ભાગલા પાડીને સમગ્ર દેશમાં રાજકીય ઝંઝાવાત ઊભો કર્યો હતો. ભારત છોડ્યા પછી 1919-1923 દરમિયાન તેઓ બ્રિટનના વિદેશમંત્રી રહ્યા હતા.
આખું નામ જ્યૉર્જ નેથૅનિયલ કર્ઝન. તેમનો જન્મ અમીર કુટુંબમાં થયો હતો. ઑક્સફર્ડમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરીને ઉજ્જ્વળ શૈક્ષણિક કારકિર્દી, ચાલાકી, ચપળતા અને વાક્પટુતાના ગુણોને કારણે 27 વર્ષની ઉંમરે 1886માં ઇંગ્લૅન્ડની પાર્લમેન્ટના સભ્ય બન્યા; ત્યારબાદ દુનિયાની સફર કરી બધા દેશોની માહિતી મેળવી. તાજની સરકારે તેમના વ્યક્તિત્વના ઉમદા ગુણોની કદર કરી 1898ના ઑગસ્ટ માસમાં હિંદના ગવર્નર-જનરલ તરીકે તેમની નિમણૂક કરી. 30 સપ્ટેમ્બર 1898ના રોજ 40 વર્ષની ઉંમરે તેમણે કોલકાતા બંદરે પગ મૂક્યો. તે હિન્દ આવ્યા એ પૂર્વે હિન્દની પરિસ્થિતિનો તેમણે સંપૂર્ણ પરિચય મેળવી લીધો હતો. અગાઉ તે ચાર વખત હિન્દમાં આવી ચૂક્યા હતા. ઉદ્યમી, વિચક્ષણ બુદ્ધિપ્રતિભા અને કુશળતાની સાથોસાથ તુમાખીપણું તથા જક્કી અને જડ વલણ તેમના સ્વભાવમાં હતાં. હિન્દમાં ગવર્નર-જનરલ તરીકે આવ્યા ત્યારે ભયાનક દુષ્કાળના ઓળા પથરાયેલા હતા. હિંદના વહીવટી તંત્રને ગતિશીલ બનાવવા બહુ ઝડપથી તેમણે કેટલાંક અસરકારક પગલાં લીધાં હતાં અને વહીવટી તંત્રમાં તમામ ક્ષેત્રે કેન્દ્રીકરણની નીતિ અપનાવી હતી. પોતાના છ વર્ષના શાસનકાળ દરમિયાન હિન્દના તમામ પ્રશ્નોના નિરાકરણ માટે ખ્યાતનામ, અભ્યાસનિષ્ઠ નિષ્ણાતોના અભિપ્રાયો અને સૂચનોને આધારે તેમણે સમગ્ર વહીવટી માળખામાં ક્રાંતિકારી ફેરફારો કર્યા અને એ દ્વારા યોગ્ય અને સંગીન વ્યવસ્થાતંત્ર ઊભું કર્યું; જેમ કે, ઍન્ટની મૅક્ડોનાલ્ડના અધ્યક્ષપણા નીચે દુષ્કાળ પંચની નિમણૂક કરી. 1904માં ‘સહકારી ધિરાણ સોસાયટી ધારો’ હિન્દમાં પહેલવહેલો દાખલ કર્યો. સર ઍન્ડ્રુ ફ્રેઝરના પ્રમુખપદે પોલીસતંત્રમાં સુધારા કરવા પંચની નિમણૂક કરી. લૉર્ડ કિચનરના નેતૃત્વ નીચે લશ્કરમાં સુધારાવધારા અંગે અને થૉમસ રૅલેના પ્રમુખપણા નીચે શિક્ષણક્ષેત્રે સુધારા માટે વિવિધ પંચોની નિમણૂક કરી. આ ઉપરાંત વૈજ્ઞાનિક ઢબે ખેતી માટે સંશોધનકેન્દ્રો અને ખેતીવાડી ખાતું પણ હિન્દમાં પ્રથમ વાર શરૂ કર્યાં. પ્રાચીન સ્મારકોની જાળવણી માટે 1904માં ‘પુરાતત્વ સ્મારક સંરક્ષણ ધારો’ પસાર કર્યો. આમ એક પરિશ્રમી, પ્રતિભાશાળી, ઉત્સાહી વહીવટકર્તા તરીકે ઉપર્યુક્ત સુધારા દ્વારા પોતાના વ્યક્તિત્વની આગવી છાપ લૉર્ડ કર્ઝને ઊભી કરી હતી.
બીજી બાજુ, તેમની નીતિરીતિના કારણે દેશના રાજકીય જીવનમાં ઉગ્ર અસંતોષ અને ખળભળાટ શરૂ થયો. સ્થાનિક સ્વરાજ, શૈક્ષણિક સ્વાયત્તતા અને વર્તમાનપત્રોની સ્વતંત્રતાનાં જે મૂલ્યો પ્રત્યે ભારતીય પ્રજાને આકર્ષણ થવા માંડ્યું હતું તેના પર લૉર્ડ કર્ઝને પરિણામોની પરવા કર્યા વગર પ્રહારો કરવા માંડ્યા અને તે દ્વારા રાષ્ટ્રવાદી હિન્દીઓની લાગણી ઉશ્કેરતાં પણ તે અચકાયા નહિ. ‘કોલકાતા કૉર્પોરેશન ઍક્ટ’ દ્વારા કૉલકાતાની મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં સરકાર-નિયુક્ત સભ્યોની સંખ્યા વધારી. સ્થાનિક સ્વરાજની અતિલોકપ્રિય સંસ્થાઓમાં સરકારી દરમિયાનગીરી તેમણે વધારી દીધી. એ જ રીતે યુનિવર્સિટી ઍક્ટ દ્વારા ભારતભરની યુનિવર્સિટીઓ પર શૈક્ષણિક સુધારાઓના નામે એમણે સરકારી નિયંત્રણો વધારી દીધાં. કર્ઝને બંગાળના ભાગલા દ્વારા ભારતીય રાજકારણમાં ખૂબ જ મોટો ખળભળાટ મચાવી દીધો. 1905ના જુલાઈ માસમાં ભાગલાની યોજના તૈયાર કરી. વહીવટી સુગમતા અને આસામના વિકાસના બહાના નીચે 16 ઑગસ્ટ 1905ના રોજ બંગાળના ભાગલા જાહેર કરતાંની સાથે જ તેની સામે જોરદાર વિરોધનો વંટોળ જાગ્યો. બંગભંગની લડત દેશના ખૂણેખૂણે પ્રસરી. હકીકતમાં બંગાળના ઉદ્દામ રાષ્ટ્રવાદીઓને નાથવા માટે, તેમને દબાવી દેવા અને હિન્દુ-મુસ્લિમ કોમને અલગ કરી અંદરોઅંદર લડાવી મારવાના બદઇરાદાથી તેમણે આ પગલું ભર્યું હતું. સંગીન ગણાતી બંગાળની રાષ્ટ્રીય એકતા માટે કર્ઝનનું આ પગલું પ્રત્યાઘાતી પુરવાર થયું. બંગાળના ભાગલા એ કર્ઝનનું જડ અને જક્કી વલણનું પ્રતિબિંબ હતું. તેમના આ પગલાને પરિણામે કોમવાદને ઉત્તેજન મળ્યું. (આખરે 1911માં લૉર્ડ હાર્ડિન્ગે બંગાળના ભાગલા રદ કર્યા હતા.)
ભારતની સરહદો વિશે તે ઇંગ્લૅન્ડની વિદેશનીતિથી બિલકુલ જુદા જ પ્રકારની સ્વતંત્ર નીતિ ઘડવા ઇચ્છતા હતા. વાયવ્ય સીમાની નીતિ, અફઘાનનીતિ અને ઈરાનના અખાત પ્રત્યેની નીતિમાં તેમને સફળતા પ્રાપ્ત થઈ હતી. બીજી તરફ રશિયાની મહત્વાકાંક્ષા રોકવાના હેતુથી કર્ઝને તિબેટ ઉપર એક તપાસપંચ મોકલ્યું. સરસેનાપતિ લૉર્ડ કિચનર સાથે અધિકારક્ષેત્રની બાબતમાં સૈદ્ધાંતિક રીતે મનદુ:ખ થતાં ઑગસ્ટ 1905માં રાજીનામું આપી તેઓ ઇંગ્લૅન્ડ પરત ગયા. આમ છ વર્ષનો તેમનો શાસનકાળ ઘણી બાબતોમાં ચર્ચાસ્પદ રહ્યો અને તેને કારણે તેઓ હિન્દની પ્રજામાં અપ્રિય થઈ પડ્યા. જોકે આડકતરી રીતે અને અનાયાસે તેમની નીતિના કારણે ભારતીય પ્રજામાં રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીયતાની ભાવના પેદા થઈ તો બીજી બાજુ કોમવાદને પણ ઉત્તેજન મળ્યું. બ્રિટન પાછા ફર્યા પછી શરૂઆતમાં એસ્ક્વિથની તથા પાછળથી લૉઇડ જ્યૉર્જની સરકારમાં વિદેશમંત્રી તરીકે તેમણે કાર્ય કર્યું. પછીનાં વર્ષોમાં જ્યારે વડાપ્રધાન બોનર લૉએ સત્તા છોડી ત્યારે બ્રિટનના વડાપ્રધાન થવાની તેમની પ્રબળ ઇચ્છા હતી, પણ સ્ટેન્લી બાલ્ડવિન વડાપ્રધાન બનતાં એ ઇચ્છા ફળી નહિ.
કિરીટકુમાર જે. પટેલ