કર્ટન વૉલ : કાચ અને લોખંડની ફ્રેમથી બનેલી પડદા જેવી દીવાલ. તે મકાનને ચારેબાજુથી બાંધી દે છે પરંતુ તેનું વજન નથી ઝીલતી.

કર્ટન વૉલ

ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં મકાનોના બાંધકામમાં લોખંડનો ઉપયોગ શરૂ થયો અને સાથે સાથે કર્ટન વૉલનું બાંધકામ પણ પ્રચલિત થયું. 1851માં લંડનમાં બંધાયેલ ક્રિસ્ટલ પૅલેસમાં પહેલી વ્યવસ્થિત કર્ટન વૉલ બંધાઈ. 1911-16માં વૉલ્ટર ગ્રોપિયસે ફેગસ વર્ક્સ નામના ઑફિસોના મકાનમાં કર્ટન વૉલ બનાવી તેને નમૂનારૂપે સ્થાપિત કરી, જેની રચનાની નવીનતા એની કલ્પનામાં હતી. તેમાંની દરેક છતનો ભાર લોખંડના ભારવાહક થાંભલા ઝીલે છે, જ્યારે તેની દીવાલ તો ફક્ત કાચ અને સ્ટીલની ફ્રેમમાંથી બનાવેલી હોય છે. આ જાતની કર્ટન વૉલનો ઉપયોગ પછી તો લગભગ બધાં બહુમાળી મકાનોમાં થયો છે. આર્ન જેકબસને તથા માઇસ વાન્ડરોહે આ જાતના બાંધકામને વિકસાવ્યું. મુંબઈનાં ઊંચાં મકાનો પણ આ પદ્ધતિથી બનાવેલાં છે.

કર્ટન વૉલના ખાસ ચાર ફાયદા છે : (1) ઘેરાવાની દીવાલનું વજન ઓછું હોવાથી મકાનોનો બોજ હલકો થાય છે, જેથી છત અને થાંભલામાં વપરાતી વસ્તુઓની બચત કરી શકાય છે. (2) કર્ટન વૉલ પાતળી હોવાથી ઓરડામાં જગ્યા વધારે મળે છે. (3) કર્ટન વૉલના ભાગો ફૅક્ટરીમાં બનતા હોવાથી તેનું બાંધકામ ઝડપથી થઈ શકે છે. (4) તે સ્થાપત્યની રચનામાં સ્વતંત્રતા બક્ષે છે. તે કોઈ પણ માપ, આકાર અને રંગની બનાવી શકાય છે.

કર્ટન વૉલની બનાવટમાં ખાસ કરીને સ્ટીલ, લોખંડ, કાચ, પ્લાસ્ટિક, પિત્તળ, તાંબું તથા લેમિનેટ જેવા વજનમાં હલકા પદાર્થોનો ઉપયોગ થાય છે. તેનો ગેરફાયદો એ કે આ પાતળી દીવાલ ખાસ કરીને આગ, પવન, ગરમી, ઠંડી તથા અવાજને રોકી શકવા સમર્થ નથી હોતી. ઉપરાંત તેને ચોખ્ખી અને સુંદર રાખવા વારંવાર સફાઈ કરાવવી પડે છે.

મીનાક્ષી જૈન