કર્ક બીજો (નવમી સદી) : રાષ્ટ્રકૂટ રાજા ઇન્દ્રરાજનો જ્યેષ્ઠ પુત્ર. એ ‘કર્કરાજ સુવર્ણવર્ષ’ તરીકે ઓળખાતો. ઇન્દ્રરાજ પછી એ ‘લાટેશ્વર’ થયો. એની રાજધાની ખેડામાં હતી. એણે દાનમાં આપેલી ભૂમિ અંકોટ્ટક ચોર્યાસી, ભરુકચ્છ વિષય, મહીનર્મદા વચ્ચેનો પ્રદેશ, નાગસારિકા વિભાગ અને માહિષક 42માં આવેલી હતી. એ મહાસામંતાધિપતિ કહેવાતો. એનાં ઈ.સ. 812થી ઈ.સ. 824નાં ચાર દાનશાસન મળ્યાં છે; જેમાં હાલના વલસાડ, ભરૂચ અને વડોદરા જિલ્લાનાં ભૂમિદાનનાં સ્થળો આવેલાં છે. તેણે નવસારીના એક જૈન ચૈત્યને અને બ્રાહ્મણને જમીનનું દાન આપ્યાનો ઉલ્લેખ છે.
દાનશાસનોની પ્રશસ્તિમાં એનાં શૌર્ય, જ્ઞાન, શાસનતંત્ર, ધનુર્વિદ્યા, દાન, યશ ઇત્યાદિની પ્રશંસા છે. પ્રશસ્તિમાં આવતા ઉલ્લેખ અનુસાર જ્યારે દખ્ખણના રાષ્ટ્રકૂટ રાજ્યમાં પ્રતિસ્પર્ધીઓએ બંડ ઉઠાવ્યું, ત્યારે કર્કરાજે માન્યખેટના અમોઘવર્ષને એની ગાદી પાછી અપાવી. અમોઘવર્ષ સગીર વયે ગાદીએ આવ્યો. આથી કર્કરાજ એના વાલી તરીકે વહીવટ સંભાળતો. દાનશાસનોમાં કર્કરાજનો ‘પરમ સ્વામી’ તરીકે ઉલ્લેખ છે.
જ. મ. શાહ
ભારતી શેલત