કરીઅપ્પા, કે. એમ. (ફિલ્ડ-માર્શલ) (જ. 28 જાન્યુઆરી 1899, કોડાગુ, કર્ણાટક; અ. 15 મે 1993, બેંગાલુરુ, કર્ણાટક) : ભારતના લશ્કરના પ્રથમ ભારતીય સરસેનાપતિ (C.-in-C). શરૂઆતનું શિક્ષણ મરકારા તથા ચેન્નાઈ (મદ્રાસ) ખાતે. ઉચ્ચશિક્ષણ માટે ઇન્દોર ખાતેની ડેલી કૉલેજમાં દાખલ થયા.
ત્યાંથી જ ભારતીય લશ્કરમાં અધિકારી થવા માટે પસંદગી પામ્યા અને પ્રશિક્ષણ પછી સેકન્ડ લેફ્ટનંટના દરજ્જા સાથે ભરતી થયા. ખૂબ જ નાની વયે દેશવિદેશમાં ભારતીય લશ્કરની કાર્યવહીમાં ભાગ લીધો; દા.ત., 1920-21માં ઇરાક ખાતે, 1922-25 તથા 1928-30માં વાયવ્ય સરહદ પ્રાંતમાં કામગીરી કરી અને ઉચ્ચ ક્ષમતા ધરાવતા કુશળ અધિકારી તરીકે નામના મેળવી. બીજા વિયુદ્ધ દરમિયાન 1941-42માં ઇરાક, સીરિયા તથા ઈરાન વિસ્તારના યુદ્ધ-મોરચા પર તથા 1943-44માં બ્રહ્મદેશના આરાકાન પ્રદેશમાં લશ્કરી કાર્યવહીમાં ભાગ લીધો. 1947માં લંડનની ઇમ્પીરિયલ સ્ટાફ કૉલેજમાં પ્રશિક્ષણ લીધું. 1949માં ભારતીય લશ્કરના સરસેનાપતિ તરીકે નિમાયા.
નિવૃત્તિ પછી, ઑસ્ટ્રેલિયા તથા ન્યૂઝીલૅન્ડ ખાતે ભારતના એલચી (high commissioner) તરીકે સેવા આપી (1953-56). કિંગ્ઝ કમિશન મેળવનારા તથા ક્વેટા ખાતેની મિલિટરી સ્ટાફ કૉલેજમાં પ્રવેશ મેળવનારા તે પ્રથમ ભારતીય અધિકારી છે. 1962માં ભારત પર ચીને આક્રમણ કર્યું તે પછીના ગાળામાં દેશના સંરક્ષણ પરત્વે ભારતીય પ્રજામાં સભાનતા વધે તથા ભારતના યુવાનો લશ્કરમાં જોડાય તે માટે તેમને પ્રોત્સાહિત કરવા માટે ફિલ્ડ-માર્શલ કરીઅપ્પાએ આખા દેશનો પ્રવાસ ખેડ્યો હતો. 1970માં લોકસભાની ચૂંટણીમાં તેમણે મુંબઈ શહેરની એક બેઠક પરથી ઉમેદવારી કરી હતી, પરંતુ તેમાં તેમને સફળતા મળી ન હતી. 1977માં મૈસૂર વિશ્વવિદ્યાલયે તેમને ડી.એસસી.ની માનદ ઉપાધિથી સન્માન્યા હતા. લશ્કરના એક ઉમદા સેનાપતિ તરીકે દેશવિદેશમાં તેમને સન્માનવામાં આવેલા 1949માં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ હૅરી ટ્રુમને તેમને લિજિયન ઑવ્ મેરિટ તથા ચીફ કમાન્ડરની ઉપાધિ એનાયત કરી હતી. 1952માં નેપાળના રાજાએ તેમને નેપાળની સેનાના માનદ જનરલના હોદ્દાથી નવાજ્યા હતા. 1986માં ભારત સરકારે તેમને ભારતીય લશ્કરના ફિલ્ડ-માર્શલના અલંકરણથી સન્માન્યા આ સન્માન પ્રાપ્ત કરનારા તેઓ બીજા ભારતીય સેનાપતિ છે. તે રમતગમતની અનેક સંસ્થાઓ તથા લશ્કરના નિવૃત્ત જવાનોના કલ્યાણ માટેની સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. એક અત્યંત બાહોશ, કાર્યકુશળ તથા સફળ સેના-અધિકારી તરીકે તેમણે નામના મેળવી હતી.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે