કરિશ્મા : કુદરતી બક્ષિસરૂપે વ્યક્તિને મળેલી અસાધારણ કે વિશિષ્ટ શક્તિ. ‘કરિશ્મા’ શબ્દ મૂળ લૅટિન છે. તેનો ઉલ્લેખ ન્યૂ ટેસ્ટામેન્ટમાં મળે છે. ‘કરિશ’નો અર્થ અનુગ્રહ કે કૃપા થાય છે અને ધર્મ કે ઈશ્વર સંબંધી વિચારણામાં એનો ઉપયોગ થયેલો છે.

દૈવીકૃપા રૂપે પ્રાપ્ત થયેલ ગુણને કારણે વ્યક્તિમાં દિવ્યતાનું આરોપણ થતું હોય છે. વ્યક્તિને વિશાળ જનસમુદાયનું નેતૃત્વ મળે છે. વ્યક્તિ કે સમૂહ પર સ્વૈચ્છિક સત્તાદોર કાયદાની સત્તાથી ભિન્ન છે. નેતાના અસાધારણ વ્યક્તિત્વને લીધે સત્તાનો સ્વીકાર થાય છે. એથી વિચારોના પ્રભાવ અને સત્તાના અમલ માટે બીજી વ્યક્તિઓ પર ભાવાત્મક દબાણ થતું હોય છે.

જર્મન સમાજશાસ્ત્રી અને ચિંતક મૅક્સ વેબરે સત્તાના ત્રણ પ્રકારો ગણાવ્યા છે : (1) પરંપરાગત સત્તા, (2) બૌદ્ધિક સત્તા અને (3) વિભૂતિમત્ સત્તા. વ્યક્તિગત કરિશ્માનું નિર્માણ વૈયક્તિક ગુણોથી થતું હોય છે. હોદ્દા કે પદ સાથે સંકળાયેલ કરિશ્મા સ્થાનને કારણે પ્રાપ્ત થતો અધિકાર તેમજ માનમરતબો મેળવી આપે છે.

વ્યક્તિના પ્રભાવમાં કરિશ્માને મહત્વ મળ્યું તેથી તે શક્તિવિશેષ બક્ષિસ ગણાઈ. અનુયાયીઓ અને શિષ્યો દ્વારા નેતામાં તેનું આરોપણ પણ થતું રહ્યું. વર્તમાન સમાજશાસ્ત્રમાં વ્યક્તિના અનન્યસાધારણ વ્યક્તિત્વથી ઉદભવતી સત્તાને કરિશ્મા ગણવામાં આવે છે. તેને પરંપરા કે બૌદ્ધિક તત્વોનો આધાર નથી હોતો. પરંપરા સામેના વિદ્રોહથી ઉદભવતી કરિશ્મા સામાજિક પરિવર્તનનું ક્રાન્તિકારી પરિબળ બને છે. કાયદાની કે સંસ્થાગત સત્તા સમાજરચનામાં વ્યક્ત થતી હોય છે. તેમાં પરંપરા, સંસ્કૃતિ, વિશિષ્ટ જ્ઞાન અને સમાજના નિયંત્રણ માટે કાયદાથી મળેલી સત્તા ઉપરાંત દબાણ અને બળનો ઉપયોગ કરતી સત્તા પણ હોય છે. જરૂર પડ્યે વિશિષ્ટ વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિઓ જ જડ અને અપ્રસ્તુત બનેલી સત્તાને પડકારી શકે છે. અનુયાયીઓ ઉપર નવી ર્દષ્ટિ અને ગતિશીલ વિચારોનો પ્રભાવ કરિશ્માજન્ય સત્તા (authority charismatic) જીવંત અસર પાડે છે. વ્યક્તિની કરિશ્માને કારણે સંઘર્ષ દ્વારા પરંપરાગત સમાજનું બૌદ્ધિક, ઔદ્યોગિક અને કાનૂની સમાજમાં પરિવર્તન થયેલું છે. તેનાથી નવી આચારસંહિતા અને નૂતન જીવનશૈલી અપનાવાયાં છે.

મનોવિજ્ઞાનમાં કરિશ્માને સંસ્થા કે સામાજિક પરંપરાથી ભિન્ન પ્રકારની સત્તા ગણી છે. સમાજલક્ષી મનોવિજ્ઞાનમાં તેનો અર્થ વ્યક્તિની માન્યતા અને આચરણની સમૂહ પર થતી અસર એવો કરેલો છે.

આ ખ્યાલને રાજકીય સંદર્ભમાં સમજીએ તો નેપોલિયન, હિટલર, સ્ટૅલિન, ગાંધીજી, જવાહરલાલ નેહરુ કે ઇન્દિરા ગાંધી વગેરેમાં ઉપર્યુક્ત વ્યક્તિવિશિષ્ટ શક્તિ રહેલી જોઈ શકાય છે. નવોદિત રાષ્ટ્રોમાં આવી વ્યક્તિઓનાં વિચારો અને વક્તવ્યોમાં સત્તાના સ્રોત રહેલા છે. પત્રકારત્વ પણ વ્યક્તિની કરિશ્માને ઉપસાવી જનમાનસમાં અહોભાવ ઉત્પન્ન કરી શકે છે. નેતાના મૃત્યુ પછી કરિશ્માની અસર પરંપરા બની જાય છે. કરિશ્માનો પ્રભાવ અસ્થિર અને અલ્પકાલીન પણ બની જતો હોય છે.

ગિરા માંકડ