કરમરકર વિનાયક પાંડુરંગ

January, 2006

કરમરકર, વિનાયક પાંડુરંગ (જ. 2 ઑક્ટોબર 1891, સાસવને, જિલ્લો કોલાબા, મહારાષ્ટ્ર; અ. 13 જૂન 1967, મુંબઈ) : ભારતના વિખ્યાત શિલ્પકાર. બાલ્યાવસ્થામાં જ શિલ્પકલા પ્રત્યે અભિરુચિ પેદા થઈ. સુપ્રસિદ્ધ જર્મન શિલ્પકાર ઑટો રૉશફિલ્ડની કલાથી પ્રભાવિત થયા અને તેમની પાસેથી શિલ્પકાર થવાની પ્રેરણા મળી. શરૂઆતનું શિક્ષણ વતનમાં પૂરું કર્યા પછી મુંબઈ આવ્યા અને 1931માં ત્યાંની જાણીતી સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટ સંસ્થામાંથી જી. ડી. આર્ટની પદવી ઉચ્ચ ગુણવત્તા સાથે પ્રાપ્ત કરી. ત્યારબાદ લંડનની રૉયલ અકાદમી ઑવ્ આર્ટ્સમાંથી શિલ્પકલાનું ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું. 1916માં કોલકાતા ખાતે કારકિર્દીની શરૂઆત કરી અને મુંબઈમાં સ્થાયી થયા તે પૂર્વે સૌરાષ્ટ્રની ગોંડલ રિયાસતમાં તથા વડોદરા રિયાસતમાં થોડોક સમય કામ કર્યું. શિલ્પ અંગેના ઉચ્ચ અભ્યાસાર્થે તથા વ્યાવસાયિક હેતુ માટે ઇંગ્લૅન્ડ ઉપરાંત અમેરિકા, ફ્રાન્સ, ઇટાલી તથા હંગેરી જેવા દેશોની મુલાકાત લીધી. 1928માં પુણે નગરમાં તેમણે બનાવેલ તથા શિવાજી પ્રિપરેટરી મિલિટરી સ્કૂલના વિસ્તારમાં મૂકવામાં આવેલ છત્રપતિ શિવાજી મહારાજની અત્યંત આકર્ષક બ્રાન્ઝ પ્રતિમાને કારણે તેમને ખૂબ લોકચાહના પ્રાપ્ત થઈ. તેમણે લોકમાન્ય ટિળક, મહાત્મા ગાંધી, રવીન્દ્રનાથ ટાગોર, ચિત્તરંજન દાસ, વિઠ્ઠલભાઈ પટેલ જેવા દિગ્ગજોનાં વ્યક્તિ-શિલ્પો તૈયાર કર્યાં છે જે જુદાં જુદાં નગરોનાં જાહેર સ્થળોમાં મૂકવામાં આવ્યાં છે. તેમનાં અન્ય જાણીતાં શિલ્પોમાં પ્રવાસી માણસ, બકરીને ઘાસચારો ખવડાવતી સ્ત્રી, હાથ જોડીને પ્રણામ કરતી વ્યક્તિ, ગોવાળણ, ઘેટાનું બચ્ચું, આરામની સ્થિતિમાં બેઠેલ વ્યક્તિ વગેરે ઉલ્લેખનીય છે. સજીવતા એ તેમનાં શિલ્પોની લાક્ષણિકતા ગણાય છે.

શિલ્પકલા સાથે સંકળાયેલી ઘણી સંસ્થાઓમાં તેમણે મહત્વનાં પદો પર કામ કર્યું છે; દા.ત., અખિલ ભારતીય શિલ્પકાર સંઘના સંસ્થાપક-પ્રમુખ, આર્ટ સોસાયટી ઑવ્ ઇન્ડિયાના અધ્યક્ષ, બૉમ્બે આર્ટ સોસાયટીના ઉપપ્રમુખ વગેરે. લોકસભાની ઇમારતને સુશોભિત કરવા માટે આઝાદી પછી ભારત સરકારે ખાસ નિમાયેલ સમિતિમાં પણ તેમને નીમવામાં આવ્યા હતા. 1964માં તેમને ‘પદ્મશ્રી’નો ખિતાબ એનાયત કરવામાં આવ્યો હતો.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે