કરકંડચરિઉ (કરકંડુચરિત્ર)

January, 2006

કરકંડચરિઉ (કરકંડુચરિત્ર) (ઈ. સ. 1009 આશરે) : અપભ્રંશ ભાષામાં રચાયેલું ધાર્મિક ચરિતકાવ્ય. લેખક મુનિ કનકામર. તે ચન્દ્રર્ષિગોત્રીય બ્રાહ્મણ હતા. ‘બુધ-મંગલદેવ’ તેમના ગુરુ હતા. વૈરાગ્ય ઉત્પન્ન થવાને લીધે કનકામર દિગંબર મુનિ બન્યા હતા. ‘કરકંડચરિઉ’ની રચના ‘આસાઈ’ (બુંદેલખંડ ?) નગરીમાં કરવામાં આવી હતી. તે 10 સંધિઓમાં વિભાજિત 198 કડવકોનું બનેલું છે. કરકંડ = કરકંડુની મૂળ કથાના ઉલ્લેખો આગમકાળથી મળી આવે છે. સૌથી પ્રાચીન ઉલ્લેખ ઉત્તરાધ્યયનસૂત્રમાં છે. ઉત્તરાધ્યયન અને આવશ્યક નિર્યુક્તિઓમાં આર્ય મહાગિરિ અને સુહસ્તી, સ્થૂલભદ્ર, ધર્મઘોષ તેમજ કરકંડુ પ્રભૃતિ કેટલાક બુદ્ધો(ગુરુદીક્ષા વગર સ્વયંજ્ઞાન પ્રાપ્ત કરનાર અર્હત્)ના વૃત્તાંત આવે છે. ઉત્તરાધ્યયન(18.45)માં કરકંડુ, દુમ્મુહ, નમી તેમજ નરગઈ – આ ચાર બુદ્ધોનાં નામ આવે છે, જે પાલિમાં કુંભકાર જાતકમાં પણ ઉલ્લિખિત છે. ‘કરકંડચરિઉ’માં કરકંડુ દ્વારા ‘તેરાપુર’(‘તેર’ જિલ્લો – ઉસ્માનાબાદ, હૈદરાબાદ)માં મળી આવતા, ઐતિહાસિક જૈન ગુફાઓના નિર્માણ અને પુનરુદ્ધારનું સવિસ્તર વર્ણન તેમજ અન્ય ઉપલબ્ધ પુરાવા અનુસાર, કરકંડુ ઈ. પૂ. 800થી 500ના મધ્ય પાર્શ્વનાથ યુગમાં થઈ ગયેલી ઐતિહાસિક વ્યક્તિ જણાય છે. મૂળકથાની પોષક 9 અંત:કથાઓ ગ્રંથની રોચકતા તેમજ કાવ્યાત્મકતાને વધારે છે. શૃંગારરસાલંકૃત વીર અને શાંતરસોની પ્રધાનતા, ભાવાનુરૂપ છંદ, શૈલી, અલંકાર તેમજ શબ્દયોજના અને પ્રસંગાનુકૂળ પ્રકૃતિવર્ણન વગેરે કાવ્યગુણોથી સમૃદ્ધ કાવ્યકૃતિ છે.

વિમલપ્રકાશ જૈન