કરંજ : દ્વિદળી વર્ગમાં આવેલા પેપિલિયોનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Pongomia pinnata Pierre syn. P. glabra Vent; Derris indica Bennet. (સં., મ., ગુ. કરંજ; હિં. કંજા, કટકરંજા; તે. ગાનુગા, પુંગુ; તા. પોંગા, પોંગમ; મલ. પુંગુ, પુન્નુ; અં. પોંગમ ઑઇલ ટ્રી, ઇંડિયન બીચ) છે. તે મધ્યમ કદનું, 18 મી. જેટલું કે કેટલીક વાર તેથી ઊંચું, અરોમિલ (glabrous) વૃક્ષ છે. તેનું મુખ્ય થડ ટૂંકું હોય છે. તેનો ઘેરાવો આશરે 6.5 મી. જેટલો હોય છે. પર્ણમુકુટ (crown) ફેલાતો હોય છે. તે સમગ્ર ભારતમાં 1200 મી.ની ઊંચાઈ સુધી થાય છે. તે દક્ષિણ-પૂર્વ એશિયા અને ઑસ્ટ્રેલિયાના દરિયા- કાંઠા(littoral)ના પ્રદેશોમાં જોવા મળે છે. સદાહરિત રહેતું આ વૃક્ષ તળાવ કે નદીકિનારે મળી આવે છે, કારણ કે તેને ભેજવાળું વાતાવરણ અનુકૂળ આવે છે. કેટલીક વાર તેને રસ્તાની બંને બાજુએ ઉગાડવામાં આવે છે. તેની છાલ ભૂખરી લીલી કે બદામી, લીસી કે ગાંઠો વડે આવરિત હોય છે. પર્ણો અયુગ્મ એકપીંછાકાર (imparipinnate) સંયુક્ત અને સંમુખ હોય છે. પ્રત્યેક પર્ણ 5-7 અંડાકાર કે ઉપવલયાકાર (elliptic) પર્ણિકાઓ ધરાવે છે. પુષ્પો નીલવર્ણી (liliac) અથવા ગુલાબી કે જાંબલી અને સફેદ છાંટવાળાં હોય છે અને કક્ષીય કલગી (raceme) સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. પુષ્પનિર્માણ ફેબ્રુઆરીથી જૂન સુધીમાં થાય છે. જૂનથી ઑક્ટોબર સુધીમાં ચપટી, કાષ્ઠમય અસ્ફોટી (indehiscent), પાકે ત્યારે પીળી-ભૂખરી, ઉપવલયી કે લંબચોરસ કે ગોળાકાર, 4.0 સેમી.થી 7.5 સેમી. લાંબી અને 1.7 સેમી.થી 3.2 સેમી. પહોળી શિંગો બેસે છે. ફળનો છેડો ટૂંકી, વાંકી ચાંચ જેવો હોય છે અને તે મોટે ભાગે 1 કે ભાગ્યે જ 2, ઉપવલયી કે મૂત્રપિંડ આકારનાં 1.7 સેમી.થી 2.0 સેમી. લાંબાં અને 1.2 સેમી.થી 1.8 સેમી. પહોળાં, કરચલીયુક્ત અને રતાશ પડતા બદામી ચર્મિલ બીજાવરણવાળાં બીજ ધરાવે છે.

કરંજની પુષ્પીય શાખા અને ફળ

આ વૃક્ષ પશ્ચિમઘાટનું વતની હોવાનું મનાય છે. તેની મૃદા અને આબોહવાકીય જરૂરિયાતો બાબતે અત્યંત સહિષ્ણુ છે. તે શુષ્ક પ્રદેશમાં પણ ઊગે છે અને શુષ્કતાનો સારી રીતે પ્રતિકાર કરે છે. તે હિમ-સહિષ્ણુ (frost-hardy) અને લવણતા-સહિષ્ણુ (salinity-tolerant) છે. તે છાયા આપતું વૃક્ષ છે અને ઘાસનાં મેદાનોમાં ઉગાડાય છે, કારણ કે કેટલીક ઘાસની જાતિઓ છાંયડામાં સારી રીતે થાય છે. આ વૃક્ષનો વનીકરણ (afforestion) માટે ખાસ કરીને જલવિભાજકો (watersheds) અને દેશના શુષ્ક પ્રદેશોમાં ઉપયોગ થાય છે.

નૈસર્ગિક પ્રસર્જન બીજ દ્વારા કે મૂલ અંત:ભૂસ્તારી (root sucker) દ્વારા થાય છે. કૃત્રિમ પ્રસર્જન મૂળના કે પ્રકાંડના ટુકડાઓ દ્વારા કરી શકાય છે. તે ઝડપથી વૃદ્ધિ પામતી જાતિ છે અને ઝાડીવન (coppice) માટે સારું વૃક્ષ ગણાય છે. પશ્ચિમ બંગાળમાં બળતણ માટે અને દક્ષિણ ભારતમાં ચારા અને લીલા ખાતર માટે ઉગાડાય છે. તેના પર કીટકો અને થોડીક ફૂગની જાતિઓ આક્રમણ કરે છે. તે લાખના કીટકને પોષનારું (host) છે.

કરંજ ઉગાડ્યા પછી 4–7 વર્ષમાં તેના પર ફળ બેસે છે. દેશના જુદા જુદા ભાગોમાં તેની લણણી જુદા જુદા સમયે થાય છે. લણણીની ઋતુ નવેમ્બર-ડિસેમ્બરથી મે-જૂન સુધીની છે. શિંગો એકત્રિત કરી હાથ વડે તેનાં ફોતરાં કાઢી નાખવામાં આવે છે. બીજનું પ્રતિ વૃક્ષ ઉત્પાદન 9.0 કિગ્રા.થી માંડી 90.0 કિગ્રા. સુધીનું થાય છે. સમગ્ર ભારતમાં તેનું બીજ-ઉત્પાદન 97,000 ટન જેટલું થવા જાય છે, પરંતુ ચોખ્ખું એકત્રીકરણ માત્ર 11,500 ટન જેટલું જ થાય છે.

બીજ (સરેરાશ વજન, આશરે 1.0 ગ્રા.) 5 % ભાગ કવચ અને 95 % ભાગ મીંજ ધરાવે છે. વાયુ-શુષ્ક મીંજનું રાસાયણિક બંધારણ આ પ્રમાણે છે : પાણી 19.0 %, ચરબીજન્ય તેલ 27.5 %, પ્રોટીન 17.4 %, સ્ટાર્ચ 6.6 %, અશુદ્ધ રેસો 7.3 %, અને ભસ્મ 2.4 % બીજમાં શ્લેષ્મ 13.5 % અને અત્યંત અલ્પ પ્રમાણમાં બાષ્પશીલ તેલ તથા ગ્લેબ્રિન નામનો ઍમિનોઍસિડનો સંકુલ હોય છે. ચાર ફ્યુરેનોફ્લેવોનકરંજિન (C18H12O4), પોંગેપિન (C19H12O6), કંજોન (C18H12O4) અને પોંગેગ્લેબ્રોન  અને પોંગેમોલ (C18H14O4) નામનો ડાઇકિટોન હોય છે. ઑસ્ટ્રેલિયામાંથી પ્રાપ્ત કરેલાં બીજમાં માત્ર પોંગેપિન કરંજિન અને પોંગેમોલ હોય છે; જેઓ તેલના ગ્લિસરાઇડરહિત ઘટક સાથે જોડાયેલા હોય છે. તેનો સ્વાદ કડવો હોય છે. બીજમાં અલ્પરક્તદાબી (hypotensive) ઘટક અને સૂત્રની સાંદ્રતા વધારતા પદાર્થની હાજરી નોંધાઈ છે. ઑસ્ટ્રેલિયાનાં બીજ અને અપરિપક્વ ફળમાં આલ્કેલૉઇડો હોય છે.

કરંજનું તેલ ઔદ્યોગિક અને ઔષધીય ર્દષ્ટિએ ઘણું ઉપયોગી છે. બીજનું ચૂર્ણ જ્વરહર (febrifuge) અને બલ્ય છે; અને તેનો ઉપયોગ શ્વસનીશોથ (bronchitis) અને ઊંટાંટિયામાં થાય છે. ફળની છાલનો પણ તે રીતે ઉપયોગ કરવામાં આવે છે. તેલ ચામડીના રોગો, ખંજવાળ, હર્પિસ, સફેદ ડાઘ અને વાસ મારતા પરસેવા માટે અને સંધિવામાં માલીશ તરીકે ઉપયોગી છે. વળી, કૃમિ, મંદાગ્નિ, અજીર્ણ, વાતદોષ, રતવાગ્રંથિ, વિસર્પ એટલે કે ગૂમડાને પકાવીને ફોડી નાખવામાં ઉપયોગી છે. આચાર્ય શોઢલે મુખશુદ્ધિ માટે કરંજનો દાતણ તરીકે ઉપયોગ સૂચવ્યો છે. બીજનો ઉપયોગ મત્સ્યવિષ તરીકે થાય છે. તેનો અજીર્ણ(dyspepsia)માં ક્ષુધાપ્રેરક (stomachic), અને પિત્તરેચક (cholagogue) તરીકે કરવામાં આવે છે. તે લીંબુના રસ કે ચૂનાના પાણી સાથે સંધિવાની ચિકિત્સામાં ઉપયોગી છે.

આયુર્વેદ અનુસાર કરંજ – પાક વખતે તીખું, નેત્ર્ય, ઉષ્ણ, રસકાળે કડવું અને તૂરું છે; અને ઉદાવર્ત વાયુ, યોનિદોષ, વાતગુલ્મ, અર્શ, વ્રણ, કંડૂ, કફ, વિષ, વિચર્ચિકા, પિત્ત, કૃમિ, ત્વગ્દોષ, ઉદરરોગ, પ્રમેહ અને પ્લીહાનો નાશ કરે છે. તેનાં પર્ણો ભેદી, પાકકાળે કડવાં, ઉષ્ણવીર્ય, પિત્તકર્તા અને હલકાં હોય છે. તે કફવાત, હરસ, પ્રમેહ, કૃમિ અને કોઢનો નાશ કરે છે. તેનાં ફળ ઉષ્ણ અને લઘુ હોય છે અને મસ્તકરોગ, વાયુ, કફ, કૃમિ, કુષ્ઠ, અર્શ અને પ્રમેહનો નાશ કરે છે. તેનું તેલ વાતનાશક, કૃમિનાશક અને અતિસ્નિગ્ધ છે. તે દીવો બાળવા માટે ઠંડું છે. તે કડુ, ઉષ્ણ, ગૂમડાને ભરનાર; અને નેત્રરોગ, વિચર્ચિકા, વાયુ, કુષ્ઠ, વ્રણ, કંડૂ, ગુલ્મ, ઉદાવર્ત, યોનિદોષ અને અર્શ રોગનો નાશ કરે છે. તેના લેપથી અનેક ત્વગ્દોષોનો નાશ થાય છે. તેનો ઉંદરના વિષ ઉપર, ખસ ઉપર, અંડવૃદ્ધિ અને ગંડમાળા ઉપર; હાથેપગે ખાલી ચઢે છે તે ઉપર; પિત્ત પાડવા માટે; નેત્રમાંના ફૂલ – માંસવૃદ્ધિ, છાયા વગેરે ઉપર, આધાશીશી, ખોડો, ઉરુસ્તંભ અને ઊલટી મટાડવા માટે ઉપયોગ થાય છે.

કરંજનું તેલ ચર્મશોધન, સાબુની બનાવટમાં, ઊંજણ અને પ્રદીપ્તિ (illumination) માટે ઉપયોગી છે. તેલ અને તેનું કરંજિન ઘટક કીટનાશક અને જીવાણુનાશક ગુણધર્મો ધરાવે છે. કરંજિન માછલીઓ માટે અત્યંત વિષાળુ છે. પોંગોમોલ પ્રમાણમાં મંદ વિષ છે. તેલનો આલ્કોહૉલીય નિષ્કર્ષ Micrococcus pyogenes var. aureus, M. pyogenes var. albus, M. pyogenes var. citreus, Bacillus subtilis, Corynibacterium diphtheriae, Salmonella typhosa, S. paratyphi A and B, અને Escherichia coli જેવા ગ્રામ-ધનાત્મક અને ગ્રામ-ઋણાત્મક બૅક્ટેરિયાનો નાશ કરે છે. કરંજિન Mycobacterium tuberculosis H37Rv.ની વૃદ્ધિને અવરોધે છે.

બીજનો ખોળ કડવો હોય છે અને ઢોરો માટે ખોરાક તરીકે અનુપયોગી છે. તેમાં નાઇટ્રોજન દ્રવ્યનું વધારે પ્રમાણ હોય છે, જેનો શેરડી અને કૉફીનાં ખેતરોમાં ખાતર તરીકે ઉપયોગ થાય છે. Meloidogyne Javanica નામના કીટક દ્વારા ટમેટાંના મૂળને થતા ગાંઠના રોગની માત્રામાં તે ઘટાડો કરે છે. ખોળ મૃદાનું નાઇટ્રીકરણ (nitrification) કહે છે. ખોળના એક નમૂનાનું રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : પાણી 9.7 %, તેલ 7.8 %, પ્રોટીન 31.9 %, કાર્બોદિત 39.8 %, રેસી 3.7 % અને ભસ્મ 7.1 %. ખાતરની ર્દષ્ટિએ તેનું મૂલ્ય આ પ્રમાણે છે : નાઇટ્રોજન 5.1 %, ફૉસ્ફોરસ (P2O5) 1.1 %, સોડિયમ (Na2O) 0.8 % અને પોટૅશિયમ (K2O) 1.3 %. બીજના ખોળમાં ગ્લેબ્રિન અને ઍરેકિડિક, લિગ્નોસેરિક અને બેહેનિક જેવાં મુક્ત ઍસિડો મળી આવે છે.

બીજનો ખોળ અને સોડિયમ કાર્બોનેટ મિશ્ર કરી મેળવેલા પ્રોટીનનો કૅસિનની અવેજીમાં આસંજન(adhesive)-ઉદ્યોગમાં ઉપયોગ થાય છે અને વધારાની નીપજ તરીકે સારું કાર્બનિક ખાતર પ્રાપ્ત થાય છે. આ પ્રોટીનનો બંધક તરીકે ઉપયોગ કરી બનાવવામાં આવેલા પાણીમાં વપરાતા રંગો સારી ગુણવત્તા ધરાવે છે. કીટનાશક સ્પ્રે માટે પ્રોટીન સારા પ્રસારક આસંજક (spreader adhesive) તરીકે વપરાય છે.

કરંજનું કાષ્ઠ સફેદ, કેટલેક અંશે ચળકતું, સમય જતાં આછા પીળા રંગનું અને ઝાંખું બને છે. તે અનિયમિત કે અંતર્ગ્રથિત દાણાદાર (interlocked-grained), મધ્યમસરના બરછટ ગઠનવાળું અને મધ્યમસરનું સખત, મજબૂત અને હલકાથી માંડી ભારે (વિ. ગુ. 0.0747 : વજન 593 કિગ્રા.-865 કિગ્રા./ઘમી.) હોય છે. તેનું સંશોષણ (seasoning) સારી રીતે ન થયું હોય તો તે ટકાઉ હોતું નથી અને કીટકો તેના પર સહેલાઈથી આક્રમણ કરી શકે છે. સાગના ગુણધર્મો સાથે ટકાવારીમાં દર્શાવવામાં આવેલ તુલનાત્મક ઉપયુક્તતા આ પ્રમાણે છે : વજન 110, પાટડા તરીકેની મજબૂતાઈ 80, પાટડાની દુર્નમ્યતા (stiffness) 85, સ્તંભ તરીકેની ઉપયુક્તતા 75, આઘાત-અવરોધક-ક્ષમતા 125, આકારની જાળવણી 60, અપરૂપણ (shear) 110 અને ઢતા (hardness) 100. કાષ્ઠને કેટલીક ફૂગ ચેપ લગાડે છે.

કાષ્ઠનો ઉપયોગ ગાડાની ધૂંસરી, પૈડાં, હળ, ઝૂંપડીના વળા (rafters), ફર્નિચર, ખરાદીકામનાં નાનાં ઓજારો વગેરે બનાવવામાં અને બળતણ તરીકે થાય છે.

પર્ણોનો ચારા તરીકે ઉપયોગ થાય છે અને તે સ્તન્યવર્ધક (galactagogue) ગુણધર્મ ધરાવે છે. તેમાં પુષ્કળ પ્રમાણમાં નાઇટ્રોજન અને કૅરોટિન (7.19 મિગ્રા./100 ગ્રા.) હોય છે. તેનો ડાંગરનાં ખેતરો સોપારી અને કૉફીના બગીચાઓમાં લીલા ખાતર તરીકે ઉપયોગ થાય છે. પર્ણોનો રસ આમવાત (flatulence), અજીર્ણ, અતિસાર અને કફમાં વપરાય છે. તે કુષ્ઠ (leprosy) અને પરમિયા-(gonorrhoea)ની સારવારમાં ઉપયોગી છે. પર્ણોનો ગરમ કાઢો સંધિવાનાં દર્દોમાં, ચાંદામાં અને વ્રણમાં ઉપયોગમાં લેવામાં આવે છે.

મૂળની છાલમાં બે ગાઢ રીતે સંબંધિત વ્યુત્પન્નો-કેનુજિન (C19H16O7) અને ડીમિયૉક્સિ-કેનુજિન હોય છે. પ્રકાંડની છાલમાં તે અલ્પ પ્રમાણમાં હોય છે. કેનુજિન માછલી માટે મંદ વિષ છે. ઑસ્ટ્રેલિયાની મૂળની છાલમાં કરંજિન (0.08 %) અને પોંગેપિન (0.08 %) અને અલ્પ પ્રમાણમાં બે ફ્યુરેનોફ્લેવિન, પિન્નેટિન અને ગેમેટિન હોય છે; જેઓ અનુક્રમે કરંજિન અને પોંગેપિનના સમઘટકો (isomer) છે. પ્રકાંડની છાલ માત્ર મીણ ધરાવે છે.

પ્રકાંડની છાલ રેસાવાળી હોય છે અને દોરડાં બનાવવામાં વપરાય છે. તેનો અંદરના દૂઝતા હરસમાં ઉપયોગ થાય છે. તેનો આસવ બેરીબેરીમાં ઉપયોગી છે. પુષ્પોના આસવનો ડાયાબિટીસમાં તૃષા છિપાવવામાં ઉપયોગ કરવામાં આવે છે.

કરંજ અને કણઝી (Holoptelia) બંને જુદી વનસ્પતિઓ છે.

બળદેવભાઈ પટેલ

મ. ઝ. શાહ

પ્રાગજી મો. રાઠોડ

મધુકાન્ત ભગવાનજી પંડ્યા