કરંજિયા આર. કે.

January, 2006

કરંજિયા આર. કે. (જ. 15 સપ્ટેમ્બર 1912, ક્યૂટા, પાકિસ્તાન; અ. 1 ફેબ્રુઆરી 2008, મુંબઈ) : જાણીતા ભારતીય પત્રકાર તથા ‘બ્લિટ્ઝ’ સાપ્તાહિકના તંત્રી. શિક્ષણ મુંબઈ ખાતે. મુંબઈ યુનિવર્સિટીના સ્નાતક (1932). કૉલેજની કારકિર્દી દરમિયાન નિબંધ તથા વક્તૃત્વની સ્પર્ધાઓમાં અનેક પારિતોષિકો મેળવ્યાં હતાં. મુંબઈનાં અંગ્રેજી દૈનિકોમાં પ્રકાશિત છૂટક લેખોને મળેલી લોકપ્રિયતાથી પત્રકારત્વ તરફ આકર્ષાયા. ‘સન્ડે સ્ટાન્ડર્ડ’ તથા ‘મૉર્નિંગ સ્ટાન્ડર્ડ’ના સંપાદક તરીકે કાર્ય કર્યા પછી 1941માં ‘બ્લિટ્ઝ’ નામનું ભારતનું સર્વપ્રથમ અંગ્રેજી લઘુ સમાચારપત્ર શરૂ કર્યું. સમયાંતરે તે સાપ્તાહિકરૂપે અંગ્રેજી ઉપરાંત હિંદી તથા ઉર્દૂમાં પણ પ્રકાશિત થયું હતું. ‘સિને બ્લિટ્ઝ’ નામના દૈનિકના તંત્રી તરીકે પણ તેમણે નામના મેળવી હતી.

સ્વતંત્ર ભારતના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુની સર્વસામાન્ય રાજકીય તથા આર્થિક નીતિ તથા બિનજોડાણવાદી વિદેશનીતિના તેઓ સમર્થક રહ્યા. નેહરુ ઉપરાંત વિશ્વના બિનજોડાણવાદી નીતિના એક વખતના અગ્રણી નેતાઓ યુગોસ્લાવિયાના માર્શલ ટીટો, ઇજિપ્તના ગમાલ નાસર તથા ઇન્ડોનેશિયાના સુકર્ણો સાથે તે અંગત સંપર્ક ધરાવતા. ભારતની આંતરિક નીતિની બાબતમાં તેમનું વલણ ડાબેરી વિચારસરણીને અનુરૂપ રહેલું.

તેમણે લખેલા ગ્રંથોમાં ‘ધ માઇન્ડ ઑવ્ મિ. નેહરુ’, ‘ધ ફિલૉસૉફી ઑવ્ મિ. નેહરુ’, ‘ચાઇના સ્ટૅન્ડ્ઝ અપ’, ‘ડૅગર ઑવ્ ઇઝરાયલ’, ‘આરબ ડૉન ! ડૉન ઑર ડાર્કનેસ’, ‘હાઉ અધર્સ સી અસ’, ‘સીઆટો’ સિક્યુરિટી ઑર મિનેસ’ વિશેષ નોંધપાત્ર છે.

ભારતની આઝાદીના અગ્રણી સેનાની, ભારતના અગ્રણી રાજનીતિજ્ઞ તથા લોકસભાના એક વખતના સભ્ય આચાર્ય કૃપાલાની વિશે ‘બ્લિટ્ઝ’ સાપ્તાહિકમાં તેમણે લખેલા એક કટાક્ષપૂર્ણ અગ્રલેખને બદનક્ષીપૂર્ણ ગણાવી લોકસભાએ તેમને રૂબરૂમાં બોલાવીને ઠપકો આપ્યો હતો, જે સ્વતંત્ર ભારતની લોકસભાના ઇતિહાસમાં એ પ્રકારનો પ્રથમ બનાવ હતો.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે