કરા (hails) : આકાશમાંથી પડતા કુદરતી બરફના ટુકડા. ઠરેલા પાણી  નરમ – તુષારહિમ (rime) અને બરફથી રચાતા સખત કણો અથવા ગોળીઓ(pellets)ના સ્વરૂપે પૃથ્વીપટ ઉપર થતી વાતાવરણીય વર્ષા. કરાનો વ્યાસ 5 મિમી.થી લઈને કેટલાક વિશિષ્ટ કિસ્સામાં 10થી 12 સેમી. જેટલો હોય છે. હવામાનશાસ્ત્રીઓ 5 મિમી.થી નાના વ્યાસના કરાનું હિમગોળીઓ (snow pellets) અથવા બરફગોળીઓ તરીકે વર્ગીકરણ કરે છે. સામાન્યત: કરાની રચના સ્ફટિકમય અને આકાર ષટ્કોણી કે ત્રિજ્યારૂપ (radial) હોય છે. તુષારહિમને કારણે નાના કરાનો મધ્યભાગ નરમ અને બહારનું પડ સખત બરફનું બનેલું હોય છે. મોટા કરામાં તુષારહિમ તથા બરફનાં વારાફરતી રચાતાં, ડુંગળીના દડા જેવાં અનેક પડ હોય છે.

મોટા કરા બનવા માટે, હવામાનની નીચે મુજબની પરિસ્થિતિ અનુકૂળ ગણાય છે :

(1) વાતાવરણના નીચલા સ્તરોમાં ભેજવાળી, ગરમ હવાની હાજરી; (2) આશરે 3 કિમી. ઊંચાઈએથી પાણીના ઠારણ માટે જરૂરી બનતા નીચા તાપમાનની શરૂઆત; અને (3) ગાજવીજનાં તોફાનો માટે કારણભૂત મનાતાં ઢગજલવાદળ (cumulonimbus cloud) ખૂબ ઊંચે સુધી પહોંચવાં; હવાના પ્રક્ષુબ્ધ પ્રવાહની આશરે 16 કિમી.ની ઊંચાઈ સુધીની હાજરી : આ હકીકત ધ્યાનમાં લઈને અનુભવી માણસો એમ કહેશે કે ખૂબ ઊંચાઈ સુધી પહોંચતાં ઢગજલવાદળની હાજરી હોય, મોટાં ફોરાંવાળી વર્ષા થાય અને ગાજવીજના તોફાનનો સાથ મળે, તેવે સમયે કરા પડવાની શક્યતા વધી જાય છે. બપોરના 3થી 4 દરમિયાન અથવા ત્યારબાદ કરા પડવાની સંભાવના વધારે હોય છે. તે વખતે આવી અનુકૂળ સ્થિતિ હોય છે.

30o-50o ઉ. અક્ષાંશ વૃત્તના પટ્ટામાં ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધીના સમયને કરાની મોસમ કહેવામાં આવે છે; ઉષ્ણકટિબંધ(tropics)માં કરા ક્વચિત જ પડે છે. ઉત્તર ભારતના મેદાની પ્રદેશોમાં કરા પડવાની સંભાવના વધારે હોય છે. સામાન્યત: કરાની વર્ષા લગભગ 15 મિનિટ જેટલી ચાલે છે. વળી 30 કિમી. લંબાઈ અને 1-2 કિમી. પહોળાઈ સુધીના વિસ્તાર પૂરતી તે મર્યાદિત રહે છે. ખૂબ મોટા કરા ઘણુંખરું 3-4 મીટરના અંતરે પડતા જોવામાં આવે છે. 6 જુલાઈ, 1928ના રોજ નેબ્રાસ્કાના પોટર ખાતે પડેલા મોટામાં મોટા કરાનો વ્યાસ 14 સેમી. અને વજન 700 ગ્રામ નોંધાયું છે. 17 માર્ચ, 1939ના રોજ ભારતમાં હૈદરાબાદ રાજ્યમાંના આદિલાબાદ જિલ્લાના નિર્મલ તાલુકામાં પડેલા મોટા કરાનું વજન લગભગ 3 કિલોગ્રામ અંદાજવામાં આવેલું છે. ભારતમાં 27 મે, 1959ના દિવસે દિલ્હી ઉપર ઊડતા વાઇકાઉન્ટ વિમાન ઉપર પડેલા ગોબાના અભ્યાસથી મોટામાં મોટા કરાનો વ્યાસ 20 સેમી.થી વધુ જણાયો છે. ભારત ઉપરાંત ચીન અને આફ્રિકામાં પણ આવા વજનદાર કરા પડ્યાનું જાણવા મળે છે. 30 એપ્રિલ, 1888ના રોજ મુરાદાબાદ અને બેહરી જિલ્લાઓમાં પડેલા કરાએ ખૂબ મોટો વિનાશ સર્જ્યો હતો. 246 માણસો, લગભગ 1600 ઢોર તેમજ અગણિત નાનાં પ્રાણીઓ અને પંખીઓ મૃત્યુ પામ્યાં હતાં. કુદરતનું આ વિનાશક તાંડવ પ્રત્યક્ષ જોનાર જે. એસ. મૅકિન્ટૉશ જણાવે છે કે કરાના આ તોફાને મુરાદાબાદ શહેરથી 10 કિમી. સુધીના સમગ્ર વિસ્તારમાં ભયાનક ખાનાખરાબી સર્જી હતી.

મોટાં વાવાઝોડાંની જેમ જ કરાનાં તોફાનોએ પણ ઇતિહાસમાં નિર્ણાયક ભાગ ભજવ્યો છે. 1360ના મે માસમાં ઇંગ્લૅન્ડનો રાજા એડ્વર્ડ ત્રીજો ફ્રાન્સ પર ચઢાઈ કરવા માટે પોતાના સૈન્ય સાથે પૅરિસ અને શારત્રેની વચ્ચે આવી પહોંચ્યો હતો. યુદ્ધ જાહેર થાય તે પહેલાં 8 મેના રોજ કરાનું એક ભયંકર તોફાન ત્રાટક્યું. તે સમયના પ્રસિદ્ધ અખબારનવેશ સર જ્હૉન ફ્રોઈસાર્ટે નોંધ્યું છે કે ‘‘એમ લાગતું હતું કે જાણે પ્રલય થવા બેઠો છે. મોટા કરા પડવાથી સૈનિકો અને ઘોડા મૃત્યુ પામ્યા અને ભલભલા હિંમતવાન પણ ભયભીત થઈ ગયા હતા.’’ આની ગંભીર અસર રાજા ઉપર પણ થઈ. તેણે સુલેહ કરવા માટે ઈશ્વર સમક્ષ પણ લીધું અને પરિણામે બ્રેટિગ્નીની સંધિ થઈ. રૂઠેલી કુદરતની દૂરગામી અસરોથી ઇતિહાસની રૂખ પણ બદલાઈ ગઈ હોય તેવું ફ્રાન્સની રાજ્યક્રાંતિ અંગે બન્યું છે. 13 જુલાઈ, 1788ની સવારે ફ્રાન્સના નૈર્ઋત્ય ખૂણામાં એકબીજાથી લગભગ 20 કિમી.ના અંતરે કરાનાં મોટાં તોફાન થયાં. સમય સાથે એકધારી ગતિએ તેમણે સમાંતર માર્ગ લીધો અને ઈશાન ખૂણામાં લગભગ 800 કિમી. જેટલું અંતર કાપ્યું. માર્ગમાં આવેલા 1,039 સંકુલોને તેમની સીધી અસર થઈ. એ વિનાશના પટ્ટામાં આવેલાં ખેતર અને વાડીઓમાંના ઊભા પાકને પારાવાર નુકસાન થયું. તેને પરિણામે ભયંકર દુષ્કાળ પડ્યો. ત્યાર પછીના વર્ષે થયેલી ફ્રેન્ચ રાજ્યક્રાંતિમાં આ દુષ્કાળ પ્રત્યક્ષ નિમિત્ત બન્યો એ જગપ્રસિદ્ધ છે.

પ્ર. દી. અંગ્રેજી