કમ્મપયડી (કર્મપ્રકૃતિ)

January, 2006

કમ્મપયડી (કર્મપ્રકૃતિ) : જૈન કર્મસિદ્ધાંતનો પ્રાકૃત ભાષાનો પ્રાચીન ગ્રંથ. એના રચયિતા શિવશર્મસૂરિ છે. તે એક પ્રતિભાસંપન્ન અને બહુશ્રુત વિદ્વાન હતા. એમનું કર્મ વિષયનું જ્ઞાન અત્યંત ગહન હતું. ‘કર્મપ્રકૃતિ’ ઉપરાંત કર્મગ્રંથ ‘શતક’ પણ એમની જ કૃતિ મનાય છે.

‘કર્મપ્રકૃતિ’માં 475 ગાથાઓ છે. આ ગાથાઓ અગ્રાયણીય નામક દ્વિતીય પર્વના આધારે સંકલિત કરાઈ છે. આ ગ્રંથમાં આચાર્યે કર્મસંબંધી બંધનકરણ, સંક્રમણકરણ, ઉદ્વર્તનાકરણ, અપવર્તનાકરણ, ઉદીરણાકરણ, ઉપશમનાકરણ, નિધત્તિકરણ અને નિકાચનાકરણ એ આઠ કરણો અને ઉદય તથા સત્તા એ બે અવસ્થાઓનું તેમજ કર્માષ્ટનાં આઠ કરણો, કર્મની આઠ મૂલ પ્રકૃતિઓનું અને ઉત્તર પ્રકૃતિઓનું અત્યન્ત સૂક્ષ્મ વિવેચન કર્યું છે. જૈન કર્મવાદસમ્મત કર્મની વિવિધ અવસ્થાઓનું વિવરણ કરતો આ મહત્વનો ગ્રંથ છે.

કર્મપ્રકૃતિની ત્રણ વ્યાખ્યાઓ પ્રકાશિત થઈ ગઈ છે. તેમાંની એક પ્રાકૃતચૂર્ણિ છે અને બે સંસ્કૃત ટીકાઓ છે. ચૂર્ણિકારનું નામ અજ્ઞાત છે. સંસ્કૃત ટીકાઓમાં એક સુપ્રસિદ્ધ ટીકાકાર મલયગિરિકૃત વૃત્તિ છે તે આઠ હજાર શ્લોકોની છે. બીજી ટીકા ન્યાયાચાર્ય યશોવિજયજીની છે તે તેર હજાર શ્લોકોની છે.

રૂપેન્દ્રકુમાર પગારિયા