કબજિયાત (constipation) : મળત્યાગ ન થવો અથવા શ્રમપૂર્વક પણ અપૂરતો મળત્યાગ થવો તે. અઠવાડિયામાં ત્રણથી ઓછી વખત, ધીમા દુખાવા સાથે, વિશેષ શ્રમપૂર્વક અથવા અપૂરતો મળત્યાગ થાય ત્યારે વ્યક્તિ કબજિયાતની ફરિયાદ કરે છે. કબજિયાત બે પ્રકારની હોય છે : ઉગ્ર (acute) અથવા ટૂંકા ગાળામાં ઉદભવતી તથા દીર્ઘકાલી (chronic) અથવા લાંબા સમયની. શરીરમાં પાણી ઘટી જાય ત્યારે થતું નિર્જલન (dehydration), અચાનક આવી જતી મોટી માંદગી, આંતરડામાં થતો ઉગ્ર અવરોધ અથવા અટકાવ (જુઓ આંત્રરોધ), ઍપેન્ડિસાઇટિસનો ઉગ્ર હુમલો વગેરે તરત કબજિયાત કરે છે. મૂળ રોગની સારવાર કરવાથી કબજિયાતનો ઉપચાર થાય છે. આંત્રરોધના દર્દીમાં જ્યારે ફક્ત મળત્યાગ ન થતો હોય ત્યારે તેને કબજિયાત કહે છે, પરંતુ જ્યારે પૂર્ણ અવરોધને કારણે મળત્યાગ તથા વાછૂટ પણ અટકે છે ત્યારે તેને પૂર્ણ કબજિયાત (obstipation) કહે છે.
દીર્ઘકાલી કબજિયાતનાં વિવિધ કારણો હોય છે :
સારણી : દીર્ઘકાલી કબજિયાતનાં મુખ્ય કારણો
ક. અલ્પક્રિયાશીલતાજન્ય અથવા સાદી કબજિયાત : (1) રેસા વગરનો તથા અલ્પ શેષ(low residue)વાળો ખોરાક, (2) અપૂરતા મળત્યાગની ટેવ, (3) ઉદવેગાંત્ર સંલક્ષણ(irritable bowel syndrome)ના એક પ્રકારરૂપ આકુંચિત સ્થિરાંત્રતા (spastic colon), (4) તીવ્ર મનોવિકાર (psychosis) તથા માનસિક અલ્પક્રિયાશીલતા, (5) વૃદ્ધાવસ્થા, (6) અનહદ શારીરિક અશક્તિ.
ખ. મોટા આંતરડાના તથા મળાશયના રોગો : (1) ગાંઠ, (2) કૅન્સર, (3) સંકીર્ણન (stricture), (4) વ્રણકારી મળાશયશોથ (ulcerative proctitis), (5) કૉલેજન રોગો, (6) મળાશયી શ્લેષ્મકલાનો અપભ્રંશ (prolapsed rectal mucosa), (7) મળાશયી કોષ્ઠ (rectocoele), (8) ગુદા પાસેના પીડાકારક રોગો; દા.ત., ચેપયુક્ત મસા, હરસ વગેરે. ગ. ચેતાતંત્રીય (neurological) રોગો : (1) હર્શસ્પૃંગ(Hirschsprung)નો રોગ – જન્મજાત અતિફૂલેલું મોટું આંતરડું (megacolon), (2) ચેતાકંદીય ચેતાર્બુદતા (ganglioneuromatosis), (3) ચગાસ(Chagas)નો રોગ, (4) કરોડરજ્જુને ઈજા અથવા તેના રોગો, (5) પાર્કિન્સનનો રોગ અથવા અલ્પચલનશીલ કંપવા, (6) મોટા મગજના રુધિરાભિસરણના રોગો તથા મોટા મગજની ગાંઠ, (7) બેભાન અવસ્થા, (8) ઘેન કરતી દવાઓનું અતિસેવન. ઘ. ચયાપચયી (metabolic) રોગો : (1) પોર્ફાયરિયા, (2) અલ્પ-ગલગ્રંથિતા (hypothyroidism), (3) અતિકૅલ્શિયમરુધિરતા (hypercalcaemia), (4) ધૂલિરંજક કોષાર્બુદ (pheochromocytoma), (5) મૂત્રપિંડની નિષ્ફળતા. ચ. ઔષધો : (1) પીડાનાશક, (2) કૅલ્શિયમ કે ઍલ્યુમિનિયમના સંયોજનવાળા પ્રત્યામ્લો (antacids), (3) ચૂંકરોધકો; દા.ત., એટ્રોપિન, (4) આંચકીરોધકો (anticonvulsants), (5) ખિન્નતારોધક (antidepressants), ભારે ધાતુઓનું ઝેર વગેરે. |
અલ્પક્રિયાશીલતાજન્ય અથવા સાદી કબજિયાતના કેટલાક દર્દીઓ સામાન્ય મળત્યાગથી સંતુષ્ટ ન હોય ત્યારે કાલ્પનિક કબજિયાતથી પીડાય છે. કેટલાક સાદી કબજિયાતવાળા દર્દીમાં મળથી ભરેલું, પરંતુ અક્રિયાશીલ મળાશય હોય છે. તેને દુર્મલોત્સર્ગ (dyschezia) કહે છે. આકુંચિત સ્થિરાંત્રતા એક માનસિક વિકાર છે, તેનો દર્દી શ્રમપૂર્વક અને ધીમા દુખાવા સાથે કઠણ અને સફેદી(શ્લેષ્મ, mucus)યુક્ત અપૂરતા મળનો ત્યાગ કરે છે. ગુદાદ્વાર પાસેના પીડાજનક ચેપયુક્ત મસા અથવા હરસના દર્દીઓ દુખાવાને કારણે અપૂરતો મળત્યાગ કરે છે. સાદી કબજિયાતના મોટાભાગના દર્દીઓમાં રેસા વગરનો કે ઓછી શેષ (residue) ઉત્પન્ન કરતો ખોરાક અને મોટા આંતરડામાંથી મળનું ધીમું વહન કારણભૂત હોય છે.
સાદી કબજિયાતવાળા દર્દીની ઘણી શારીરિક તકલીફો કબજિયાતને કારણે હોતી નથી; દા.ત., મોંમાં દુર્ગંધ, પેટ ફૂલવું, ઊબકા, અતિશય વાછૂટ, પેટમાં ‘ગરબડ’, માથું દુખવું, માનસિક ઉશ્કેરાટ વગેરે. આંત્રરોધના દર્દીમાં ઘણી વખતે ખોટા-ઝાડા અથવા છદ્મતિસાર (spurious diarrhoea) થાય છે. મળત્યાગની હાજતમાં થતો ફેરફાર ઘણી વખત મોટા આંતરડાના ગાંઠ કે કૅન્સર જેવા જોખમી રોગનું પ્રથમ લક્ષણ હોય છે.
સારવાર : મટાડી શકાય એવી કબજિયાતનાં કારણોને શોધીને તેમની સારવાર કરાય છે. સાદી કબજિયાતના દર્દીને મોટા આંતરડાની ક્રિયા નિયમિત બને માટે યોગ્ય ટેવ પાડવાનું સૂચવાય છે. નિયમિતપણે હાજતે જવાની ટેવ, રેસાવાળો અને શેષ વધે એવો ખોરાક (દા. ત., લીલાં શાકભાજી, અનાજ, ફળો વગેરે) તથા દળવર્ધક જલગ્રાહી કલિલ પદાર્થો(hydrophilic colloids)નો ઉપયોગ સાદી કબજિયાતને દૂર કરવા વપરાય છે. જલગ્રાહી કલિલ પદાર્થો(દા.ત., મેટામ્યુસિલ)ને જુલાબ ગણવામાં આવતા નથી. જલદ જુલાબ લાંબા સમય સુધી લેવાનું સલાહભર્યું ગણાતું નથી. સુકાઈ ગયેલો મળ જામી જાય (impaction) ત્યારે બસ્તી (enema) અથવા અભિસ્થાની ઔષધ(suppository)ને ગુદામાર્ગે મળાશયમાં મૂકીને કઠણ સુકાયેલો મળ દૂર કરાય છે. ક્યારેક તેને આંગળી વડે દૂર કરવો પડે છે.
ઔષધીય રેસા સેલ્યુલોઝ, અર્ધસેલ્યુલોઝ, પેક્ટિન અને લિગ્નિનના બનેલા હોય છે. તે મોટા આંતરડામાં મળનું દળ (bulk) અને વહન વધારે છે. તેને પૂરતા પ્રમાણમાં પચાવી શકાતા નથી તથા તેમના અર્ધપચન દ્વારા હાઇડ્રોજન, કાર્બન ડાયૉક્સાઇડ (અંગારવાયુ) તથા મિથેન નામના વાયુઓ અને કેટલાંક ઑર્ગેનિક આયનો ઉત્પન્ન થાય છે. અર્ધપચિત રેસા, પાણી અને આયનોનો સંગ્રહ કરે છે અને મળત્યાગ સરળ કરે છે. આહારીય રેસાની ઊણપથી સાદી કબજિયાત ઉપરાંત સ્થિરાંત્રીય અંધનાલિશોથ (diverticulitis), મસા તથા મોટા આંતરડાનું કૅન્સર ઉદભવે છે એમ મનાય છે.
જુલાબ (laxatives) 4 પ્રકારના છે : (1) આસૃતિજન્ય (osmotic). આ જુલાબો જલગ્રાહી પદાર્થોના બનેલા છે; દા.ત., સલ્ફેટ્સ, ફૉસ્ફેટ્સ, મૅગ્નેશિયમ, ગ્લિસરોલ વગેરે. તે મોટા આંતરડાના પોલાણમાં પાણીનું પ્રમાણ વધારી મળને પાતળો કરે છે તથા તેનું વહન વધારે છે. (2) મળ-મૃદુકારક (stool softener) પદાર્થો મોટા આંતરડાની દીવાલ દ્વારા પ્રવાહીનો સ્રાવ (secretion) વધારીને મળને પાતળો તથા સુવહનશીલ બનાવે છે; દા.ત., ડાયોક્ટિલ સોડિયમ સલ્ફોસક્સિનેટ. હાલ તેનો ઘણો વપરાશ છે. (3) ઉત્તેજક (stimulant) જુલાબોને મળક્ષેપી (purgative) અથવા આંત્રચેતાઘ્ની મળક્ષેપી (cathatric) પદાર્થો પણ કહે છે. તે મંદ તથા તીવ્ર ક્રિયાશીલતાવાળા હોય છે. તે મોટા આંતરડામાં પ્રવાહીનો પુષ્કળ સ્રાવ તથા ઉત્તેજિત આંતરડાનું અતિશય ચલન (motility) કરાવે છે. તેનાં મહત્ત્વનાં ઉદાહરણોમાં ફિનોફ્થેલિન, સેના (senna), બાઇગ્વેનાઇડ્સ અને દિવેલનો સમાવેશ થાય છે. આંત્રચેતાઘ્ની મળક્ષેપી જુલાબો આંતરડાની દીવાલમાં આવેલી ચેતાજાળ(nerve plexus)ને નુકસાન કરે છે. આવું નુકસાન પામેલું મોટું આંતરડું એક નળા જેવું પહોળું અને સપાટ દીવાલનું બને છે. અતિશય જુલાબ ક્યારેક વીજ-આયનોનું અસંતુલન, મેદયુક્ત ઝાડા તથા પ્રોટીનત્યાગી આંત્રરોગિતા (protein-losing enteropathy) કરે છે. (4) આહારીય રેસા જેવા ફક્ત દળવર્ધક (bulking) પદાર્થોને બિનહાનિકારક જુલાબ ગણવામાં આવે છે.
શિલીન નં. શુક્લ