કફકેતુરસ : આયુર્વેદિક ઔષધિ.

ઔષધદ્રવ્યો અને નિર્માણવિધિ : ફુલાવેલો ટંકણખાર, લીંડીપીપર, શંખભસ્મ અને શુદ્ધ વછનાગ. આ ચારેય દ્રવ્યો ખરલમાં સરખા ભાગે એકત્ર કરી, તેને આદુંના રસમાં ત્રણ દિવસ સુધી સતત ઘૂંટીને, તેની 1/4થી 1 રતીની માત્રાની ગોળીઓ બનાવાય છે. માત્રા : 1થી 2 ગોળી આદુંના રસ અથવા નાગરવેલના પાનના અથવા તુલસીપત્રના રસ તથા મધ સાથે સવાર-સાંજ બે વાર આપવામાં આવે છે. નાનાં બાળકોને 1 રતી જેટલી એ ઔષધિ અપાય છે.

ઉપયોગ : આ કફકેતુરસનો મુખ્યત્વે કફદોષપ્રધાન તાવો તથા કફ-વિકારનાં દર્દોમાં ખાસ ઉપયોગ થાય છે. આ રસ-ઔષધિ શરદી, સળેખમ, ખાંસી, પીનસ (જૂની શરદી), શ્વાસ, ગલરોગ, ગલગ્રહ, દંતરોગ, કર્ણરોગ, નેત્રરોગ અને સન્નિપાત જેવા રોગોમાં ખાસ વપરાય છે. કફજ્વરમાં ફેફસાં અને શ્વાસનળીઓ જ્યારે કફથી ભરાઈ જાય અને કંઠમાંથી કફની ઘરઘરાટીનો અવાજ સંભળાય, ફેફસાં ભારે અને પીડાયુક્ત થાય, બેચેની કે શ્વાસકષ્ટ માલૂમ પડે, ચત્તા કે દૂષિત પડખાં પર ઊંઘવામાં વધુ કષ્ટ થાય, એવી અવસ્થામાં આ ઔષધિ આશ્ચર્યકારક ફાયદો કરે છે.

કફજ્વર ઉપરાંત આ રસ વાતજ્વર, વાત-કફજ્વર અને પિત્તકફજ્વરમાં કફદોષને દૂર કરવા અને નવા કફની ઉત્પત્તિ રોકવા, આમવિષને ઓગાળવા, રોગના જંતુઓનો નાશ કરવા તથા તાવ શાંત કરવામાં સફળતા અપાવે છે. આ ઉપરાંત ન્યુમોનિયા, ઇન્ફ્લુએન્ઝા, કંઠરોહિણી (ડિફ્થેરિયા), આમવાતિક (કફપ્રધાન) તાવ, અને વિષમજ્વરના કેટલાક રોગીઓમાં અનુપાન-ભેદથી આ રસ સારું કામ કરે છે. કફપ્રધાન સન્નિપાત જ્વરમાં મળાવરોધ દૂર કર્યા બાદ આ રસ સારો લાભ કરે છે. તડકામાં ફરવાથી કે ઠંડી લાગવાથી અને વરસાદમાં ભીંજાવાથી થતી શરદી અને નાકમાં સોજો, છીંકો, મંદાગ્નિ, ભારેપણું, મળાવરોધ, શિરમાં ભારેપણું, અંગ જકડાટ અને મંદજ્વરનાં લક્ષણોમાં આ દવા સારો ફાયદો કરે છે. કફદોષપ્રધાન ઉધરસ અને શ્વાસ રોગમાં કફ બહાર કાઢવા અને કફની ઉત્પત્તિ ઓછી કરવા, પરેજી સાથે આ દવા આદાના રસ અને મધ સાથે લેવી લાભપ્રદ છે.

સૂચના : આ દવામાં વછનાગ એક ઝેરી ઔષધિ છે. તેથી તેનો ઉપયોગ ખૂબ સંભાળપૂર્વક કરવો જરૂરી છે. હૃદયરોગ કે કિડનીના દર્દીને વૈદ્યની સલાહથી જ દવા આપવી. આંતરડાનાં દર્દોમાં અન્ય ઔષધોના અભાવમાં કફકેતુરસ અજમાના ફાંટ, અર્ક કે કુમાર્યાસવ સાથે આપવી લાભપ્રદ બને છે.

બળદેવપ્રસાદ પનારા