કપ-રકાબી વેલ : દ્વિદળી વર્ગમાં આવેલા વર્બિનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Holmskioldia Sanguinea Rets. (અં. કપ-સોસર ક્લાઇમ્બર, ચાઇનિઝ-હૅટ-પ્લાન્ટ) છે. તે આફ્રિકા, માડાગાસ્કર, ભારત અને મ્યાનમારમાં થાય છે. તે હિમાલયમાં 1,500 મી.ની ઊંચાઈ સુધી અને આસામ તેમજ બિહારમાં થાય છે. તેના સહસભ્યોમાં ઇન્દ્રધનુ, રતવેલિયો, શેવન, નગોડ, અરણી વગેરેનો સમાવેશ થાય છે.

તે એક કાષ્ઠમય આરોહી કે અનિયમસ્તારી (scrambling) ક્ષુપ છે અને તેની શાખાઓ નીચેની તરફ ઢળતી હોય છે. તેનાં પર્ણો સાદાં, સંમુખ, અંડાકાર, દંતુર (serrate) પર્ણકિનારીવાળાં, અણીદાર પર્ણાગ્ર ધરાવતાં અને અનુપપર્ણીય (exstipulate) હોય છે. પુષ્પનિર્માણ નવેમ્બરથી ફેબ્રુઆરીમાં થાય છે. પુષ્પો અગ્રસ્થ લઘુપુષ્પગુચ્છ (panicle) અથવા કક્ષીય ટૂંકી કલગી(raceme)સ્વરૂપે ગોઠવાયેલાં અને કપ-રકાબી આકારનાં હોય છે. વજ્ર દલાભ (petaloid) અને રકાબીની જેમ ગોળાકાર હોય છે. તે રતાશ પડતા કે નારંગી રંગનું હોય છે અને અંતે ફળમાં તે બદામી રંગનું બને છે. દલપુંજ નલિકાકાર, વક્ર, દ્વિઓષ્ઠીય અને ઈંટ જેવા લાલ રંગથી માંડી નારંગી રંગનો હોય છે અને પાંચ યુક્ત દલપત્રો ધરાવે છે. પુંકેસરો 4, દ્વિદીર્ઘક અને બહિર્ભૂત (exerted) હોય છે. બીજાશય ચતુષ્કોટરીય ઊર્ધ્વસ્થ અને દ્વિયુક્તસ્ત્રીકેસરી હોય છે. પ્રત્યેક કોટરમાં એક અંડક હોય છે. પરાગવાહિની પાતળી અને લાંબી હોય છે. પરાગાસન દ્વિખંડી હોય છે. ફળ અષ્ઠિલ પ્રકારનું, પ્રતિઅંડાકાર અને ચતુષ્ખંડી હોય છે અને દીર્ઘસ્થાયી વિસ્તૃત વજ્રમાં ખૂંપેલું હોય છે.

પુષ્પનિર્માણ પછી છોડની શાખાઓની સાધારણ છાંટણી કરવામાં આવે તો બીજા ઉનાળે થોડી જગામાં ઘણાં વધારે પુષ્પો દેખાય છે. તે ઉદ્યાનોમાં તેનાં સુંદર પુષ્પો માટે ઉછેરવામાં આવે છે. તેનું પ્રસર્જન બીજ, કટકારોપણ (cutting) કે દાબ (layering) પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે. તે ઓછી કાળજી સાથે ખુલ્લા સૂર્યપ્રકાશમાં પણ સારી રીતે ઊગે છે.

ઘેટાં-બકરાં તેને ચારા તરીકે ખાય છે. તેનું કાષ્ઠ (690 કિગ્રા./ઘમી.) આછા લાલ રંગનું અને મધ્યમસરનું કઠણ હોય છે.

મ. ઝ. શાહ

બળદેવભાઈ પટેલ