કપૂર શાહિદ પંકજ (જ. 25 ફેબ્રુઆરી 1981, ન્યૂ દિલ્હી) : ફિલ્મ અભિનેતા.

શાહિદ કપૂર જાણીતા અભિનેતા પંકજ કપૂર અને કથક નૃત્યાંગના અને અભિનેત્રી નીલિમા અઝીઝનો પુત્ર છે. શાહિદનાં માતા-પિતા તેની ત્રણ વર્ષની ઉંમરે અલગ થઈ ગયાં હતાં. શાહિદનો ઉછેર તેની માતા પાસે થયો છે. શાહિદ દસ વર્ષનો હતો ત્યારે તેની માતા સાથે તે મુંબઈ રહેવા આવ્યો. માતાએ અન્ય સાથે લગ્ન કરી લીધાં હોવા છતાં અભિનયની કારકિર્દી જ્યારે કરી ત્યારે શાહિદ એના પિતાની અટક કપૂરને પોતાના નામ સાથે જોડી રાખી. એ પહેલાં માતાના બીજા પતિની અટક ખટ્ટર લખતો હતો. શાહિદે દિલ્હીની જ્ઞાનભારતી સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. મુંબઈ આવ્યા બાદ શાહિદનો અભ્યાસ રાજહંસ વિદ્યાલયમાં થયો અને ત્યારબાદ મીઠીબાઈ કૉલેજમાં અભ્યાસ કર્યો.

શાહિદ પંકજ કપૂર

મુંબઈમાં તે શીઆમક દાવરની નૃત્ય એકૅડેમીમાં દાખલ થયો. અને 1990ના સમયની કેટલીક ફિલ્મોમાં તેણે પાર્શ્વ નૃત્યકાર તરીકે કામ કર્યું. આ ફિલ્મોમાં ખાસ ઉલ્લેખનીય તેવી ‘દિલ તો પાગલ હૈ’ અને ‘તાલ’ને યાદ કરી શકાય. અભિનયની તાલીમ લેવા માટે શાહિદે અભિનેતો નસિરૂદ્દીન શાહ અને સત્યદેવ દૂબેની કાર્યશાળામાં જોડાયો હતો. ફિલ્મમાં પ્રવેશ્યા પહેલા તેણે કેટલીક જાહેરાતો માટે પણ કામ કર્યું હતું. એક અભિનેતા તરીકેની શાહિદની પહેલી ફિલ્મ ‘ઇશ્ક વીશ્ક’ 2003માં રજૂઆત પામી. પ્રારંભમાં નબળો પ્રતિસાદ મળે છે પણ પછીથી ફિલ્મ ખૂબ સફળ થાય છે. શાહિદને તેની કારકિર્દીનો પ્રથમ ફિલ્મફેર ડેબ્યુનો ઍવૉર્ડ મળ્યો. આ પછી કેટલીક અત્યંત નિષ્ફળ ફિલ્મમાં આવ્યા બાદ 2006માં તે સૂરજ બરજાત્યાની ફિલ્મ ‘વિવાહ’માં સફળ અભિનેતા તરીકે જોવા મળે છે.

શાહિદ કપૂરે અત્યાર સુધીમાં બત્રીસ જેટલી ફિલ્મો અને આઠ જેટલાં મ્યુઝિકલ આલબમોમાં અભિનય કરેલો છે. આ ફિલ્મોમાં ખાસ ઉલ્લેખનીય તેવી ‘યે દિલ માંગે મોર’ (2004), ‘જબ વી મેટ’(2007), કમીને (2009) ‘હૈદર’ (શેક્સપિયરના નાટક હેમલેટ પર આધારિત – 2014), ‘ઊડતા પંજાબ’ (2016) ‘પદ્માવત’ (2018) ‘કબીરસિંહ’ (2019) મુખ્યત્વે છે. આ ફિલ્મમાંથી ‘હૈદર’ના અભિનય માટે તેને શ્રેષ્ઠ અભિનેતાનો ફિલ્મફેર ઍવૉર્ડ અને ‘ઊડતા પંજાબ’ના અભિનય માટે ફિલ્મફેર ક્રિટિક્સ ઍવૉર્ડ મળેલા છે.

શાહિદ કપૂર આહારમાં ચુસ્ત શાકાહારી છે અને શાકાહારી આહારને પ્રોત્સાહન આપતા પ્રકલ્પો સાથે સંકળાયેલ છે.

અભિજિત વ્યાસ