કપૂર, શશી (જ. 1938; અ. 2017) : હિંદી ચલચિત્રજગતના અભિનેતા, દિગ્દર્શક અને નિર્માતા. વિખ્યાત અભિનેતા પૃથ્વીરાજ કપૂર(1906-72)ના પુત્ર તથા રાજ કપૂર અને શમ્મી કપૂરના લઘુબંધુ. પિતા દ્વારા નિર્મિત શકુન્તલા (1944) નાટકમાં છ વર્ષની ઉંમરે અભિનય કર્યો અને આ રીતે કારકિર્દીની શરૂઆત કરી. ત્યારબાદ ‘રાજ’, ‘આગ’ અને ‘આવારા’ ચલચિત્રોમાં બાળઅભિનેતા તરીકે કામ કર્યું. અભ્યાસને તિલાંજલી આપી પિતાના પૃથ્વી થીએટર્સમાં જોડાયા. 1957માં જૉસેફ કૅન્ડાલની ફરતી નાટ્યમંડળી સાથે સંપર્ક થતાં તેમાં બૅંગલોર ખાતે જોડાયા અને તેના અંગ્રેજી નાટક ‘શેક્સપિયર’માં અભિનય કર્યો. થોડાક સમય પછી જૉસેફનાં પુત્રી જેનિફર કૅન્ડાલ સાથે 1958માં વીસ વર્ષની વયે લગ્નગ્રંથિથી જોડાયા. 1960માં હિંદી ચલચિત્રજગતમાં પ્રવેશ કર્યો, 1961માં નિર્મિત ચલચિત્ર ‘ચાર દીવારી’માં નાયકની ભૂમિકા પ્રથમ વખત ભજવી અને ત્યારબાદ અને અત્યાર સુધી (2004) તેમાં અભિનેતા ઉપરાંત દિગ્દર્શક અને નિર્માતા તરીકે જ્વલંત કારકિર્દી હાંસલ કરી. 1963માં મર્ચન્ટ-આઇવરી પ્રૉડક્શન્સ દ્વારા નિર્મિત ‘ધ હાઉસ હોલ્ડર’ ચલચિત્રમાં અભિનય કર્યો. પાશ્ચાત્ય ચલચિત્રજગતમાં પ્રશંસા પ્રાપ્ત કરી, જે કૉનરાડ રૂક દ્વારા નિર્મિત ‘સિદ્ધાર્થ’માં કરેલ અભિનયથી આસમાને ચઢી. આશા પારેખ અને શર્મિલા ટાગોર જેવી ભારતીય ચલચિત્રજગતની તે જમાનાની અગ્રણી નાયિકાઓ સાથે નાયક તરીકે અભિનય કરવાની તક મળતી ગઈ. ‘કભી કભી’, ‘દીવાર’, ‘ત્રિશૂલ’, ‘કાલા પત્થર’ જેવાં લોકપ્રિય બનેલાં ચલચિત્રોમાં અમિતાભ બચ્ચન સાથે અભિનય કર્યો. ત્યારપછી તરત જ પોતાની ફિલ્મ વિતરણ કંપની ‘ફિલ્મ-વાલા’ની સ્થાપના કરી. 1978માં ચલચિત્ર નિર્મિતિની શરૂઆત કરી અને તેમાં પણ સફળતા મેળવી; દા.ત., શ્યામ બેનેગલના ‘ઝનૂન’ અને ‘કલયુગ’, અપર્ણા સેનનું ‘36 ચૌરંગી લેન’ (1981) અને ગિરીશ કર્નાડના ચલચિત્ર ‘ઉત્સવ’ની નિર્મિતિ દ્વારા પ્રશંસા મેળવી. સાથોસાથ બ્રિટનમાં નિર્માણ થયેલ કેટલાંક ચલચિત્રોમાં અભિનય કરતા રહ્યા. ભારત અને સોવિયત સંઘનું સંયુક્ત સાહસ ‘અજૂબા’નું દિગ્દર્શન કર્યું. જેમાં અમિતાભ બચ્ચને અભિનય કરેલો. થોડાક સમય ચલચિત્ર જગતમાંથી બહાર રહ્યા પછી ઇસ્માઇલ મર્ચન્ટ દ્વારા નિર્મિત ‘ઇન કસ્ટડી’ ચલચિત્ર દ્વારા તેમાં પુન: પ્રવેશ કર્યો.

શશી કપૂર

હિંદી ચલચિત્ર જગતમાં અભિનયક્ષેત્રે એક હળવી પ્રકૃતિના, અમુક અંશે બીજાને કુમાર્ગે દોરી જનાર વ્યક્તિ તરીકે રૂપેરી પડદા પર તેમની છાપ રહી છે.

કલાજગતમાં શશી કપૂરનું મુખ્ય પ્રદાન તો પિતા દ્વારા સ્થાપિત પૃથ્વી થિયેટર્સને પુનરુજ્જીવિત કરવામાં તેમણે ઉઠાવેલ જહેમત ગણાય. હવે આ સંસ્થાનું સંચાલન તેમના માર્ગદર્શન હેઠળ તેમની પુત્રી સંજના કપૂર દ્વારા કરવામાં આવી રહ્યું છે.

તેમના દ્વારા અભિનીત મહત્વનાં ચલચિત્રોમાં ‘આગ’ (1948), ‘સંગ્રામ’ (1950), ‘આવારા’ (1951), ‘ધર્મપુત્ર’ (1961), ‘જબ જબ ફૂલ ખિલે’ અને ‘વક્ત’ (1965), ‘હસીના માન જાયેગી’ (1968), ‘શર્મિલી’ (1971), ‘ચોરી ચોરી’ (1973), ‘દીવાર’ (1974) તથા ‘પાપ ઔર પુણ્ય’ (1974), ‘કભી કભી’ (1976), ‘સત્યમ્ શિવમ્ સુન્દરમ્’, ‘ત્રિશૂલ’, ‘ઝનૂન’, ‘સિદ્ધાર્થ’, ‘36 ચૌરંગી લેન’ (1978), ‘કાલા પત્થર’ (1979), ‘કલયુગ’ (1980), ‘સિલસિલા’ (1981), ‘ઉત્સવ’ (1984), ‘ન્યૂ દિલ્હી ટાઇમ્સ’ (1986), ‘અજૂબા’ (1991), ‘અને ઇન કસ્ટડી’(1993)નો સમાવેશ થાય છે.

તેમણે લગભગ 100 ચલચિત્રોમાં અભિનય કર્યો છે. તેમના દ્વારા અભિનીત અંગ્રેજી ચલચિત્રોમાં ‘હાઉસહોલ્ડર’, ‘હીટ ઍન્ડ ડસ્ટ’, ‘સિદ્ધાર્થ’, ‘સૅમી ઍન્ડ રોઝી ગેટ લેડ’, ‘પ્રેટી પૉલી’, ‘બૉમ્બે ટૉકી’ અને ‘ઇન કસ્ટડી’નો સમાવેશ થાય છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે