કપૂર, શમ્મી (જ. 21 ઑક્ટોબર 1931, મુંબઈ; અ. 14 ઑગસ્ટ 2011, મુંબઈ) : હિંદી ચલચિત્રજગતના અગ્રણી અભિનેતા. તેઓ પૃથ્વીરાજ કપૂર(1906-72)ના વચલા પુત્ર તથા રાજ કપૂર(1924-88)ના નાના ભાઈ. મૂળ નામ શમશેર રાજ, પરંતુ ચલચિત્રમાં શમ્મી નામથી વધુ પ્રચલિત. ન્યૂ ઈરા સ્કૂલ તથા મુંબઈની રૂઈયા કૉલેજમાં શિક્ષણ. ત્યારબાદ 17 વર્ષની વયે પિતાના ‘પૃથ્વી થિયેટર્સ’માં જુનિઅર આર્ટિસ્ટ તરીકે પ્રવેશ કર્યો. બાવીસ વર્ષની વયે ચલચિત્રક્ષેત્રે પ્રવેશ કર્યો. 1953-93ના ચાર દાયકા દરમિયાન તેમણે કુલ 112 હિંદી ચલચિત્રોમાં અભિનય કર્યો છે. ‘જીવન જ્યોતિ’(1952) ચલચિત્રથી તેમણે કારકિર્દીની શરૂઆત કરી હતી; પરંતુ તેમની શરૂઆતની 18 ફિલ્મો બૉક્સ ઑફિસ પર સફળ નીવડી ન હતી. આમાંથી કેટલાંક ચલચિત્રોમાં તેમણે મધુબાલા (‘રેલ કા ડિબ્બા’), સુરૈયા (‘શમા પરવાના’) તથા નલિની જયવંત (‘હમ સબ ચોર હૈ’) જેવી તે જમાનાની અત્યંત લોકપ્રિય અભિનેત્રીઓના નાયક તરીકે રૂપેરી પડદા પર અભિનય કર્યો હતો. તે દરમિયાન તેમણે તે જમાનાની વિખ્યાત અભિનેત્રી ગીતા બાલી સાથે લગ્ન કર્યાં હોવાથી પરિવારની વિસ્તરતી જવાબદારીના સંદર્ભમાં અભિનેતા તરીકે સફળ થવું તેમના માટે અનિવાર્ય બન્યું હતું; તેથી તેમણે હૉલિવુડના લોકપ્રિય અભિનેતા એલ્વિસ પ્રેસ્લી તથા જેમ્સ ડીનનું અનુકરણ કરવાની શરૂઆત કરી અને ત્યારબાદ ‘તુમસા નહીં દેખા’(1957)માં તેમને એકાએક નોંધપાત્ર સફળતા મળી હતી, જેના પછીનાં તેમનાં ઘણાં ચલચિત્રો રૂપેરી પડદા પર ‘હિટ’ થયાં હતાં; એટલું જ નહિ, પરંતુ તે જમાનાની યુવાપેઢી માટે તેઓ નમૂનારૂપ અભિનેતા સાબિત થયા હતા.

શમ્મી કપૂર

વીસમી સદીના છઠ્ઠા દાયકામાં ‘ફિલ્મિસ્તાન’ કંપની દ્વારા નિર્મિત ઘણાં ચલચિત્રોમાં તેમના અભિનયની પ્રશંસા થવા લાગી. તેમની મોટાભાગની ભૂમિકાઓમાં તેઓ ધનિક કુટુંબના પંપાળેલા અને તેથી જીવનમાં ખોટે રસ્તે ચઢી ગયેલા નબીરા તરીકે અને ગુનાઇત માનસ ધરાવતા રખડુ ટોળકીઓના સરદાર તરીકે તેમની છબી ઊપસવા લાગી. જાણીતા પાર્શ્વગાયક મહમ્મદ રફી(1924-80)ના કંઠે ગાયેલા, પરંતુ રૂપેરી પડદા પર શમ્મી કપૂરે નાયક તરીકે ગાયેલાં કેટલાંક ગીતો યુવાપેઢીના જીભે ચઢ્યાં હતાં અને તેમાંનાં કેટલાંક ગીતો તો આજે પણ યુવાનો દ્વારા ગવાતાં હોય છે; દા.ત., ફિલ્મ ‘જાનવર’ (1961)નું ગીત ‘મેરી મહોબ્બત જવાં રહેગી, સદા રહી હૈ, સદા રહેગી’, ‘જંગલી’ (1961) ફિલ્મનું ગીત ‘યા….. હુ…. ચાહે કોઈ મુઝે જંગલી કહે’ તથા ‘આઈ આઈ યા કરું મૈં ક્યા સુકુ સુકુ’ (1961), ‘કાશ્મીર કી કલી’ ફિલ્મનું ગીત ‘ઇશારો ઇશારો મે દિલ દેને વાલે…..’ તથા ફિલ્મ ‘બ્રહ્મચારી’નું ગીત ‘ચક્કે પે ચક્કા, ચક્કે પે ગાડી, થોડે અઘાડી, થોડી પિછાડી’ વગેરે. એવું કહેવાય છે કે રજત પડદા પર તેમના વાંદરવેડા પરથી નિર્માતાઓ તેમનાં ચલચિત્રોનાં શીર્ષકો નક્કી કરતા હતા. ‘જંગલી’, ‘જાનવર’, ‘બ્લફ માસ્ટર’ તથા ‘પગલા કહીં કા’ આ ચલચિત્રોનાં શીર્ષકો શમ્મી કપૂરની અભિનયશૈલી પરથી નક્કી થયાં હતાં એવી માન્યતા છે. તેમ છતાં ‘તીસરી મંઝિલ’ (1968) અને ‘બ્રહ્મચારી’ (1968) ચલચિત્રોમાં તેમનો અભિનય તદ્દન જુદા પ્રકારનો હતો, જેને કારણે તેમના ટીકાકારોનાં મોં બંધ થઈ ગયાં હતાં.

તેમનાં પત્ની ગીતા બાલી(1930-65)ના અવસાન પછી તેમણે ભાવનગરના મહારાજાનાં પુત્રી નીલા દેવી સાથે બીજી વારનાં લગ્ન કર્યાં હતાં, જોકે હવે ચલચિત્ર-અભિનયમાંથી તેમનો રસ ઊડી ગયો હતો અને તેઓ 1985 પછીના ગાળામાં પોતાનો મોટાભાગનો સમય આધ્યાત્મિક પ્રવૃત્તિમાં, ધ્યાનયોગમાં અથવા કમ્પ્યૂટર જોડે ગાળતા હતા. વીસમી સદીના આઠમા દાયકા પછી તેમણે જે જે ચલચિત્રોમાં અભિનય કર્યો હતો તે દરેકમાં મધ્યમ વયની વ્યક્તિને છાજે એવી જ ભૂમિકા તેમણે ભજવી હતી.

તેમના અભિનયવાળાં નોંધપાત્ર ચલચિત્રો : ‘તુમસા નહિ દેખા’ (1957), ‘દિલ દેકે દેખો’ (1959), ‘જંગલી’ (1961), ‘ચાઇના ટાઉન’ (1962), ‘બ્લફ માસ્ટર’ (1963), ‘કાશ્મીર કી કલી’ અને ‘રાજકુમાર’ (1964), ‘તીસરી મંઝિલ’ (1966), ‘ઍન ઇવનિંગ ઇન પૅરિસ’ તથા ‘બ્રહ્મચારી’ (1968), ‘અંદાઝ’ (1971), ‘નસીબ’ (1981), ‘હીરો’ (1983) અને ‘બટવારા’ (1991). ફ્રેન્ચ ફિલ્મ ‘ઈર્મા લા ડૂઝે’ના હિંદી સંસ્કરણ ‘મનોરંજન’નું તેમણે દિગ્દર્શન કર્યું હતું. ‘બંડલબાઝ’ શીર્ષક ધરાવતા હિંદી ચલચિત્રનું દિગ્દર્શન પણ તેમણે કર્યું હતું.

‘વિધાતા’ (1982) ચલચિત્રમાંની તેમની ભૂમિકા માટે તેમને ‘બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટર’ તરીકેનો ‘ફિલ્મ ફૅર એવૉર્ડ’ તથા 2005માં મહારાષ્ટ્ર સરકારે તેમને ‘રાજકપૂર જીવન ગૌરવ પુરસ્કાર’ એનાયત કર્યો હતો. આ ઉપરાંત, તેમને ‘ફિલ્મ ફૅર લાઇફ ટાઇમ ઍચિવમેન્ટ એવૉર્ડ’થી પણ નવાજવામાં આવ્યા હતા.

એમણે છેલ્લાં વર્ષોમાં કેટલીક ફિલ્મોમાં પીઢ પાત્રને શોભાવતા પાઠ ભજવ્યા હતા. તેમાં ફિલ્મ ‘પ્રેમરોગ’ અને ‘ઇઝાજત’ અત્યંત મહત્ત્વની અને ઉલ્લેખનીય ફિલ્મો ગણાય છે.

ગળામાં રુદ્રાક્ષની માળા, કપાળ પર ચંદન અને મધ્યમ કદની દાઢી એ શમ્મી કપૂરની કાયમી ઓળખાણ હતી.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે