કપૂર, પૃથ્વીરાજ (જ. 3 નવેમ્બર 1906, પેશાવર; અ. 29 મે 1972, મુંબઈ) : ભારતના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા, ચિત્રપટ તથા રંગમંચના અભિનેતા અને દિગ્દર્શક. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પંજાબમાં લીધા પછી પેશાવરની એડવર્ડ કૉલેજમાંથી સ્નાતક થયા. ચલચિત્રવ્યવસાયમાં મુંબઈની ઇમ્પીરિયલ ફિલ્મ કંપની દ્વારા અભિનયકારકિર્દીની શરૂઆત કરી. 1929-32ના ગાળામાં તેમણે 9 મૂક ચલચિત્રોમાં કામ કર્યું. 1931માં નિર્મિત ભારતના પ્રથમ બોલપટ ‘આલમઆરા’માં તેમણે માસ્ટર વિઠ્ઠલ અને ઝુબેદા સાથે ભૂમિકા કરી હતી. 1934માં નિર્મિત ‘સીતા’ ચલચિત્રમાં પણ તેમણે ભૂમિકા ભજવેલી હતી. તે ચલચિત્રને ખૂબ લોકપ્રિયતા સાંપડી હતી અને તે વેનિસ ચિત્રપટ મહોત્સવમાં પ્રદર્શિત થયેલું. 1934-39 દરમિયાન તે કોલકાતાની ન્યૂ થિયેટર્સ કંપની સાથે જોડાયા હતા અને તે ગાળામાં તેમણે 12 ચલચિત્રોમાં ભૂમિકા ભજવી હતી. ત્યારપછી મુંબઈ ખાતેના રણજિત સ્ટુડિયોમાં તે જોડાયા અને તેને ઉપક્રમે અનેક ચલચિત્રોમાં મહત્ત્વની ભૂમિકા ભજવીને ચિત્રપટજગતના એક સમર્થ કલાકાર તરીકે નામના મેળવી. 1939માં ‘સિકંદર’ ફિલ્મમાં તેમણે ભજવેલી સિકંદરની મુખ્ય ભૂમિકા તથા 1960માં નિર્મિત ‘મુઘલે આઝમ’ ચિત્રપટમાં બાદશાહ અકબરની મુખ્ય ભૂમિકા યાદગાર બની રહેશે. તેમની ભૂમિકા ધરાવતાં અન્ય ચિત્રપટોમાં ‘વિદ્યાપતિ’, ‘પાગલ’, ‘મહલ’, ‘મિલાપ’, ‘મંઝિલ’, ‘સપેરા’, ‘ઉજાલા’, ‘વિક્રમાદિત્ય’, ‘મહારથી કર્ણ’, ‘પૃથ્વીરાજ-સંયુક્તા’, ‘વાલ્મીકિ’, ‘દહેજ’, ‘આવારા’, ‘આસ્માન’ અને ‘આનંદમઠ’ ઉલ્લેખનીય છે. ‘આસ્માન’ અને ‘મહલ’ ચલચિત્રોમાં તેમના અભિનય માટે ચેકોસ્લોવૅકિયાની અકાદમી ઑવ્ આર્ટ્સ ઍન્ડ મ્યૂઝિક દ્વારા તેમને વિશિષ્ટ રીતે પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. તે ‘સોહરાબ રુસ્તમ’, ‘આસ્માન’ અને ‘મહલ’ એ ત્રણ ચિત્રપટોના દિગ્દર્શક તથા ‘પૈસા’ ચલચિત્રના નિર્માતા હતા.
નેવું કલાકારોના આગવા જૂથ સાથે પૃથ્વીરાજ કપૂરે સ્થાપેલ ‘પૃથ્વી થિયેટર્સ’ દ્વારા રંગમંચની જે સેવા કરી છે તે તેમનું કલાજગતને માતબર યોગદાન ગણવામાં આવે છે. આ સંસ્થાએ તેમના માર્ગદર્શન અને દિગ્દર્શન હેઠળ ‘દીવાર’, ‘પઠાણ’, ‘આહુતિ’, ‘કલાકાર’ અને ‘પૈસા’ જેવાં રાષ્ટ્રપ્રેમ, ભાઈચારો, માનવતા અને ત્યાગના ગુણો પર પ્રકાશ પાડતાં નાટકો રજૂ કર્યાં અને રંગમંચના અસરકારક માધ્યમનો લોકશિક્ષણ અને લોકજાગૃતિ માટે ઉપયોગ કર્યો. આ સંસ્થા રંગમંચ અને ચલચિત્રજગતના ઘણા ઊગતા કલાકારો માટે તાલીમશાળા બની રહી. હાલ તેનું સંચાલન તેમનાં પૌત્રી સંજના કપૂર કરે છે. ભારતના ભાગલા પડ્યા પછી પાકિસ્તાનના પ્રદેશમાંથી નિર્વાસિત તરીકે ભારતમાં દાખલ થયેલા શરણાર્થીઓને રાહત પહોંચાડવાના હેતુથી પૃથ્વી થિયેટર્સે પોતાના રંગમંચના માધ્યમથી ભંડોળ એકત્રિત કર્યું હતું. પૃથ્વીરાજ કપૂરના ત્રણે પુત્રો રાજ કપૂર, શમ્મી કપૂર અને શશી કપૂર ચલચિત્રજગતના પ્રથમ હરોળના કલાકાર તરીકે પ્રખ્યાત છે.
પૃથ્વીરાજ કપૂરની ભારતના રાષ્ટ્રપતિએ 1952માં રાજ્યસભાના નિયુક્ત સભ્ય તરીકે વરણી કરી હતી, જ્યાં તેમના કાર્યકાળ દરમિયાન તે ખૂબ સક્રિય રહ્યા હતા. તેમણે 1955માં ભારત સરકારના સાંસ્કૃતિક પ્રતિનિધિમંડળના સભ્ય તરીકે ચીનની મુલાકાત લીધી હતી. સંગીત નાટક અકાદમીના પણ તેઓ ફેલો હતા. અત્યંત પ્રભાવશાળી વ્યક્તિત્વ ઉપરાંત રંગમંચ અને ચલચિત્રકળાની આગવી સૂઝ ધરાવતા આ કલાકારને ભારતીય ચલચિત્ર ક્ષેત્રના સર્વોચ્ચ અલંકરણરૂપ 1971નો દાદાસાહેબ ફાળકે એવૉર્ડ 1972માં મરણોત્તર એનાયત થયો હતો.
નલિન શાહ
બાળકૃષ્ણ માધવરાવ મૂળે