કપૂર, રણબીર ઋષિ (જ. 28 સપ્ટેમ્બર 1982) : ફિલ્મ અભિનેતા.

કપૂર એટલે ભારતીય સિનેમાનું પ્રથમ કુટુંબ. એ કુટુંબની એક વિશિષ્ટ ઓળખ ભારતીય સિનેમા જગતમાં છે. અને અભિનેતા રણબીર કપૂર આ કુટુંબની પાંચમી પેઢીનું પ્રતિનિધિત્વ ભારતીય સિનેમામાં કરી રહ્યા છે. આ જ કુટુંબના રણબીર કપૂરના દાદા રાજ કપૂર, પરદાદા પૃથ્વીરાજ કપૂર અને કાકાદાદા શશી કપૂર ભારતીય સિનેમાના સર્વોચ્ચ પારિતોષિક દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડથી સન્માનિત થયેલા છે. એવા કુટુંબની અભિનયની પરંપરાને તેઓ પાંચમી પેઢીના પ્રતિનિધિ તરીકે આગળ લઈ જઈ રહ્યા છે.

રણબીર ઋષિ કપૂર

રણબીર કપૂર અભિનેતા અને અભિનેત્રી દંપતી ઋષિ કપૂર અન નીતુસિંહના પુત્ર છે. મુંબઈની એચ. આર. કૉલેજનો અભ્યાસ પૂર્ણ કરીને ફિલ્મ સર્જક અને અભિનયની તાલીમ તેણે પહેલા સ્કૂલ ઑફ વિઝ્યુઅલ આર્ટ્સ () અને પછી લી સ્ટ્રેસબર્ગ થિયેટર ઍન્ડ ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ માં લીધી છે. અલબત્ત રણબીર આ અનુભવને બિનજરૂરી ગણાવે છે. અમેરિકાના ન્યૂયૉર્કમાં ગાળેલા એકલતાના દિવસોમાં તેણે બે શૉર્ટ ફિલ્મનું દિગ્દર્શન અને અભિનય કરી સર્જન કર્યું હતું.

2005માં દિગ્દર્શક સંજય લીલા ભણસાલીની ફિલ્મ બ્લૅકમાં રણબીર કપૂરે સહાયક દિગ્દર્શક તરીકે કાર્ય શરૂ કર્યું.  અભિનેતા તરીકે તેની પહેલી ફિલ્મ પણ સંજય લીલા ભણસાલી દિગ્દર્શિત સાંવરીયા (2007) થઈ. એ ધારી સફળતા ન મેળવી શકી. આ ફિલ્મ પછી બે વર્ષ બાદ તેની ચોથી ફિલ્મ વેક અપ સીડ (2009) ખૂબ સફળ થઈ.

રણબીર કપૂરે 2007થી અત્યાર સુધીમાં કુલ 24 ફિલ્મો કરી છે. જેમાંથી તેને 6 ફિલ્મો માટે ફિલ્મફેર ઍવૉર્ડ મળ્યા છે. આ ઉપરાંત પણ તેને અન્ય કેટલાક ઍવૉર્ડ મળ્યા છે. ફિલ્મ બરફીમા રણબીર કપૂરના બહેરા-મૂંગાના રોલની પ્રશંસા થઈ છે. તેવી જ રીતે મહાભારતથી પ્રેરિત પ્રકાશ ઝા દિગ્દર્શિત ફિલ્મ રાજનીતિ માંના તેના અભિનયની સાથે તેને ફિલ્મફેર  શ્રેષ્ઠ અભિનેતાનું નોમીનેશન મળ્યું. તો સંજય દત્તના જીવન ઉપરથી સર્જાયેલી સંજુ (2019) દેશની સૌથી સફળ ફિલ્મ ગણાય છે. ફોર્બસ ઇન્ડિયાસ સેલેબ્રિટી 100ની યાદીમાં આ 2012થી સ્થાન ધરાવે છે.

રણબીર કપૂરને નાનપણથી જ ફૂટબૉલ રમવાનો શોખ રહ્યો છે. ઇન્ડિયન સુપર લીગની એક ફૂટબૉલ ટીમની સાથે પણ તે સક્રિય રીતે સંકળાયેલો છે. અને તે દ્વારા તે અનેક પ્રકારની ચૅરિટી પણ કરી રહ્યો છે.

રણબીર એના અભ્યાસ દરમિયાન એકલો રહેલો. અમેરિકાના અભ્યાસ અને વસવાટ દરમિયાન પણ એકલો રહેલો. તેમ અહીં આવ્યા બાદ તેનાં માતા-પિતાની સાથે ન રહેતા એકલો જ રહે છે. આ રીતે રહેવું એને પસંદ છે.

અભિજિત વ્યાસ