કપાસ

સુતરાઉ કાપડ માટેનું રૂ આપતો છોડ. કપાસનો ઉદભવ ક્યારે થતો અને માનવજાતે તેનો ઉપયોગ ક્યારથી શરૂ કર્યો તેની માહિતી કાળના પ્રવાહમાં ડૂબી ગયેલ છે. પ્રાચીન ઋષિમુનિઓ વલ્કલ શરીરઆવરણ માટે વાપરતા. વિનોબાજીએ તેમના ‘જીવનર્દષ્ટિ’ નામના પુસ્તકમાં ઉલ્લેખ કરેલ છે કે આશરે વીસેક હજાર વર્ષ પહેલાં ગૃત્સમદ નામના વૈદિક ઋષિએ નર્મદા-ગોદાવરી વચ્ચેના કોઈ પ્રદેશમાં કપાસ પકવ્યો હતો.

સંસ્કૃત શબ્દ कार्पास ઉપરથી કપાસ શબ્દ બન્યાનું લાગે છે. ગ્રીકમાં ‘કર્પોસાસ’ તથા લૅટિનમાં ‘કર્બાસસ’ શબ્દો છે. ગુજરાતી ‘કપાસ’ના સમાનાર્થી શબ્દો હિન્દીમાં કપાસ; પંજાબી, સિંધીમાં કપાહ, કુટી; મરાઠીમાં કાપુસ; કાનડીમાં હટ્ટી, અસલે; તમિળ તથા મલયાળમમાં પાન્યુ; તેલુગુમાં પટ્ટી, દોરણી; બંગાળીમાં તુલા; પ્રાકૃતમાં સેદુગા; ફ્રેન્ચમાં લાકોતન; સ્પૅનિશમાં આલગોડોન; ચીનીમાં કુતુન, કુદ્રુમ; રુમાનિયનમાં કોતુનિયા; રશિયનમાં કોત્ન્જા; હિબ્રૂમાં કારબાસ અને પર્શિયનમાં પખ્તા છે.

વેદોમાં કપાસના ઉલ્લેખ બાબતે મતમતાંતર છે. પાંચેક હજાર વર્ષ પુરાણા મોહેં-જો-દડોના અવશેષોમાંથી મળેલ કાપડના જીર્ણ ટુકડાના તાંતણા આરબોરિયમ જાતિના કપાસના તંતુને મળતા છે. પેરુ દેશના લગભગ 4,400 વર્ષ પહેલાંના અવશેષોમાં સૂતરની દોરીનો અંશ મળેલ છે. ઈ. પૂ. લગભગ 800 વર્ષે રચાયેલ મનુસ્મૃતિમાં યજ્ઞોપવીત કપાસમાંથી જ બનવું જોઈએ તેવો ઉલ્લેખ છે. હેરોડોટ્સે (ઈ. પૂ. 449) ભારતમાં ઊન આપતા છોડ (એટલે કપાસ) થતા હોવાનો ઉલ્લેખ કરેલ છે. મહાન સિકંદરના સેનાપતિ જાઆસકસે (ઈ. પૂ. 327) તેમજ થિયૉફ્રાસ્ટસે (ઈ. પૂ. 300) પણ આવા ઉલ્લેખ કરેલા છે.

કપાસનો છોડ

વૈજ્ઞાનિક ર્દષ્ટિએ કપાસના છોડનું જન્મસ્થાન પાશ્ચાત્ય પ્રદેશમાં હોવા છતાં તેના ઉપયોગની શરૂઆત ભારતમાં થયાના ઉલ્લેખો છે. ભારતમાં છોડ ઉપર ઘેટાં પાકતાં હોવાની પાશ્ચાત્ય દેશોમાં કેટલીક દંતકથાઓ પણ છે ! ઈ. પૂ. 600માં ઇજિપ્તમાં સુતરાઉ કાપડ ભારતમાંથી લવાતું હોવાના ઉલ્લેખ છે. બુદ્ધકાલીન સમયમાં ઢાકા તથા મછલીપટ્ટમ્ની મલમલની પરદેશમાં નિકાસ થતી હતી. ઈ. સ.ની શરૂઆતનાં વર્ષોમાં (ઈ. સ. 63) ભારતના કપાસના વેપાર અંગે નીચે પ્રમાણે નોંધ છે : ‘‘રૂ તેમજ કાપડ, પતિયાળા, એઆરકે તથા બારીગાઝા(હાલનું ભરૂચ)થી રાતા સમુદ્રમાં થઈને આરબો અડુબી (હાલનું મસોવાહ) લઈ જતા હતા.’’

પાક તરીકે કપાસ ચીન, ઈરાન, અરબસ્તાન, ઇજિપ્ત અને ત્યારબાદ પશ્ચિમ આફ્રિકામાં હિન્દુસ્તાનમાંથી ગયેલ છે. સ્પેનમાં અગિયારમા સૈકામાં તેનું વાવેતર શરૂ થયું. સ્પેનમાંથી સોળમા સૈકામાં કપાસ માન્ચેસ્ટર જતો હતો. ઈ. સ. 1783થી મોટા જથ્થામાં રૂ હિન્દમાંથી વિલાયત જવા માંડ્યું હતું. ઈ. સ. 1864માં માન્ચેસ્ટરમાં પહેલી કાપડમિલ સ્થપાઈ.

કોલંબસે અમેરિકા ખંડની શોધ કરી ત્યારે ત્યાં બ્રાઝિલ, મેક્સિકો વગેરેમાં કપાસ વપરાશમાં હતો. ઈ. સ. 1640માં વર્જિનિયામાં તે ઠીકઠીક પ્રમાણમાં વવાતો હતો. ત્યાંથી યુનાઇટેડ સ્ટેટ્સમાં તેનું મોટા પ્રમાણમાં વાવેતર શરૂ થયું.

પૂર્ણ વિકસિત કપાસના છોડને સુવિકસિત 2થી 6 મીટર ઊંડું મુખ્ય મૂળ તથા ઘણા મોટા પ્રમાણમાં પાર્શ્ચીય મૂળ હોય છે. છોડને ઊંચે જતું, અગ્રકલિકાથી વધતું એક નાનું થડ હોય છે. સામાન્ય રીતે તે ગોળાકાર હોય છે. ક્વચિત્ તે વિવિધ પ્રકારનું કે ચપટું પણ હોઈ શકે. છોડની ઊંચાઈ 20થી 25 સેમી.થી માંડી બે-એક મીટર હોય છે. તેના ઉપર બે પ્રકારની ડાળીઓ આવે છે : વાનસ્પતિક (monopodial) અને ફળાઉ (sympodial), વાનસ્પતિક ડાળીઓ થડના જેવી જ હોય છે. ફળાઉ ડાળીઓનો ઉદભવ અને ઉગાવો અલગ પ્રકારનો હોય છે.

પાંદડાં લગભગ ખાંચા વગરનાંથી માંડી ઊંડા ખાંચાવાળાં હોય છે. ખાંચાથી બનતા વિભાગોની સંખ્યામાં પણ તફાવત હોય છે. છોડ તથા ડાળીઓ પરના પાંદડાંની ગોઠવણીને phyllotaxi કહેવાય છે. થડ તેમજ વાનસ્પતિક ડાળીઓ પર પાંદડાં વર્તુળમાં કમાન આકારે 1/8 પ્રમાણે ગોઠવાયેલાં હોય છે. 1/8 ઉપરાંત 1/3, 2/5, 5/13 જેવી ગોઠવણી પણ જોવા મળે છે. દેશી (એશિયાની) જાતોમાં 1/3 ગોઠવણી વધુ હોય છે. આવી ગોઠવણી જમણેરી કે ડાબેરી હોઈ શકે. ફળાઉ ડાળીઓ પર પાંદડાંની ગોઠવણી વારાફરતી હોય છે. પાંદડાં જાડાં કે પાતળાં અને તદ્દન લીસાંથી માંડી ઘણી રુવાંટીવાળાં હોય છે. તેની ઉપર ત્રણથી પાંચ મોટી નસો હોય છે. નસો ઉપર ગ્રંથિ (nectaries) હોય છે. તેની સંખ્યામાં ઘણા તફાવતો જોવા મળે છે. પાંદડાંની સપાટી ઉપર વાયુરંધ્રો (stomata) હોય છે. ઉપલી કરતાં નીચલી સપાટી ઉપર તેની સંખ્યા વધારે હોય છે.

દરેક પાંદડાના કક્ષમાં એક મધ્યમાં અને બીજી બાજુ પર એમ બે કલિકાઓ હોય છે. મધ્યમાંની કલિકામાંથી વાનસ્પતિક ડાળીઓ જ વિકસે છે, જ્યારે બાજુની કલિકામાંથી મોટે ભાગે ફળાઉ ડાળીઓ વિકસે છે. જોકે કોઈ ખાસ સંજોગોમાં તેવી ડાળીઓ પણ વાનસ્પતિક ડાળીઓ થઈ શકે. વાનસ્પતિક ડાળીઓ અગ્રકલિકાથી વધે છે. તેની સંખ્યા 0થી માંડી 40 કે 50 જેટલી હોઈ શકે. તેના ઉપર ફળાઉ ભાગો આવતા નથી. તેના ઉપર ફળાઉ ડાળીઓ આવી શકે. ફળાઉ ડાળીઓ બાજુની કલિકામાંથી ઉદભવીને, થોડી લંબાઈ સુધી વધી છેવટે ફળાઉ ભાગ, ચાપવા(square)માં પરિણમે છે અને ફરી પાનની કક્ષમાંની બાજુની કલિકામાંથી નવી ડાળી ઉદભવે છે. આમ તે કટકે કટકે વધે છે. તે પ્રાથમિક એટલે થડ ઉપર આવતી, બીજા દરજ્જાની એટલે વાનસ્પતિક ડાળી ઉપર આવતી, ત્રીજા દરજ્જાની એટલે અન્ય ડાળી ઉપર આવતી વગેરે હોઈ શકે છે.

ફળાઉ ભાગો સૌપહેલાં ચાપવા તરીકે દેખા દે છે. તેમાંથી અનુક્રમે કળી, ફૂલ અને જીંડવું બને છે. સામાન્ય રીતે બીજ-સ્ફુરણથી જીંડવા થવાના વિવિધ તબક્કા માટેનો સમય, જાત અને પરિસ્થિતિ મુજબ નીચે પ્રમાણે હોય છે :

બીજ-સ્ફુરણથી ર્દશ્ય ચાપવું : 20થી 25 દિવસ

શ્ય ચાપવાથી ઊઘડતું ફૂલ : 30થી 45 દિવસ

ફૂલથી ખુલ્લું જીંડવું : 35થી 55 કે તેથી વધારે દિવસ

ફૂલ ઊઘડવાની પ્રક્રિયા વલયાકાર, અગ્રાભિસારી અને કેન્દ્રોત્સારી (centrifugal) ક્રમાનુસાર હોય છે. છોડની નીચેના ભાગની ડાળી ઉપર આવેલું થડની નજીકનું ફૂલ સૌથી પહેલું ખૂલે છે. એક ડાળી ઉપર નજીક નજીક આવેલાં બે ફૂલો ખીલવા વચ્ચે 5થી 7 દિવસનો ગાળો હોય છે. નજીક નજીકની બે ડાળીઓના તે જ ક્રમ ઉપર આવેલાં બે ફૂલો ખીલવા વચ્ચે ત્રણેક દિવસનો ગાળો હોય છે.

ફૂલ મોટું, આકર્ષક અને સફેદ, પીળા કે રાતા રંગની વિવિધ છાંટવાળું હોય છે. તેને ત્રણ ત્રિકોણાકાર ઉપપુષ્પપત્ર (bracts), એક ગોળાકાર વજ્ર (calix), પાંચ પાંદડીઓવાળાં પુષ્પપત્ર (corolla), એક નલિકાકાર પુંકેસર (androecium) અને એક દાંડીસહ સ્ત્રીકેસર (gynoecium) હોય છે. આ દરેક ભાગના માપમાં ઘણા તફાવતો હોય છે. ફૂલ ઊઘડવાના સમયે પરાગનયન થાય છે. સામાન્યત: તે સવારે નવ-દસ વાગ્યે બને છે. હવામાન, વાદળ વગેરેને કારણે સમયમાં થોડોઘણો ફેરફાર પડે. પરાગનયન બાદ થોડા કલાકોમાં ફલીનીકરણ થાય છે. ત્યારબાદ જીંડવું બંધાવાની શરૂઆત થાય છે. જીંડવાની વધ લગભગ 18થી 21 દિવસમાં પૂરી થાય છે. ત્યારપછીનો જીંડવું ખૂલવા સુધીનો સમય પાકવામાં જાય છે. બીજ જોડકામાં ગોઠવાયેલ હોય છે. તેની સંખ્યા 7થી 17 જેટલી કે ઓછી-વધુ પણ હોઈ શકે. બી પરના પ્રત્યેક રેસાનો વિકાસ એક એક કોષમાંથી થાય છે. ફલીનીકરણથી લગભગ 18 દિવસ સુધી રેસા લંબાઈમાં વધે છે. આ રેસા તે જ રૂ છે.

વાતાવરણ પ્રમાણે દેહધાર્મિક કે જીવાત-ઉપદ્રવના આધારે ફળાઉ ભાગોનું વિવિધ પ્રમાણમાં ખરણ થતું હોય છે. છોડ આવા ખરણની કેટલેક અંશે ક્ષતિપૂર્તિ (compensation) કરી શકે છે. આવી ક્ષતિપૂર્તિ વધુ ફળાઉ ભાગો આવવાથી, તેના વધુ પ્રમાણમાં ટકવાથી અથવા બંને રીતે થાય છે.

ખડતલતા અને સૂર્યપ્રકાશઅવધિ તથા ગરમીની પરિસ્થિતિ સામેની પ્રતિક્રિયામાં પણ જાતવાર ઘણા તફાવતો હોય છે. છોડ ઉપરનાં પાંદડાંના વિસ્તાર અને છોડથી આવરી લેવાયેલી જમીનના ક્ષેત્રફળના સંબંધને ‘લીફએરિયા ઇન્ડેક્સ’ તરીકે ઓળખાવાય છે. આવા ઇન્ડેક્સમાં પણ જાત અને પરિસ્થિતિ અન્વયે ઘણા તફાવતો હોય છે. સામાન્યત: લીફએરિયા ઇન્ડેક્સ 2થી 3 હોય છે.

સૂકો પદાર્થ એકત્રિત થવામાં પાંદડાંના વિસ્તાર ઉપરાંત ખોરાક તૈયાર થવાની વાસ્તવિક ગતિ પણ અગત્યની છે. પૂર્ણ સૂર્યપ્રકાશ અને અન્ય વિશેષ અનુકૂળ સંજોગોમાં પાંદડાંના એક ચોરસ ડેસીમિટર વિસ્તારમાં દર કલાકે 18થી 25 મિગ્રા. સૂકો પદાર્થ બની શકે છે. આવો સૂકો પદાર્થ આર્થિક રીતે ઉપયોગી ઉત્પાદન બને તેમાં જાત તથા કૃષિ પરિસ્થિતિનાં ઘણાં બળો અસર કરે છે. આ ગુણકને ફસલઆંક (harvest index) કહે છે. ઘણી ફળાઉ ટૂંકી ડાળીઓવાળા છોડમાં તે 0.5 હોઈ શકે. ઘણી વાનસ્પતિક લાંબી ડાળીઓવાળા ઘટાદાર છોડમાં તે 0.2 જેટલી નીચી પણ હોય. જીંડવામાંથી કપાસ મળે છે. કપાસમાં રૂ અને બીજના વજનના પ્રમાણને રૂની ટકાવારી કહેવાય છે. રૂની ટકાવારી જાત પ્રમાણે 15થી 45 ટકા કે તેથી પણ ઓછી કે વધુ હોય છે. બીમાં પ્રોટીન, તેલ અને ક્ષારો હોય છે. હાલમાં ઉપલબ્ધ જાતોમાં તેલની ટકાવારી 13થી 25 ટકા જેટલી હોય છે. બીજ ઉપરના રેસા મુખ્યત્વે સેલ્યુલોઝના હોય છે. તેમાંના ઊલટાસૂલટી વળાંકો (convolutions) તેને અન્ય પ્રકારના રેસાથી અલગ કક્ષામાં મૂકે છે. તેની લંબાઈ, કુમાશ, પક્વતા, સરખાઈ, તાકાત, કાંતણઆંકક્ષમતા વગેરે જાતવાર ઘણા તફાવત હોય છે.

પાંદડાંમાં 90થી 95 ટકા પાણી હોય છે. કુમાશદાર વધતાં છોડ, ડાળી અને મૂળમાં પણ 50 ટકા કરતાં વધુ પાણી હોય છે. છોડ કાર્બન ડાયૉક્સાઇડ સિવાયનાં બાકીનાં બધાં જ પોષક દ્રવ્યો/તત્ત્વો પાણીના માધ્યમ દ્વારા જમીનમાંથી મેળવે છે. આવી રીતે લીધેલું મોટાભાગનું પાણી જલવમન(transpiration)થી ઊડી જાય છે. સામાન્ય સંજોગોમાં દરરોજ હેક્ટરદીઠ આશરે 125 ટન જેટલું પાણી આ રીતે ગુમાવાય છે. સામાન્ય રીતે 1 કિગ્રા. સૂકો પદાર્થ બનવામાં 500થી 1000 લિટર પાણી વપરાય છે, જોકે તેમાંથી નજીવો ભાગ જ સૂકા પદાર્થના બંધારણમાં વપરાય છે.

સામાન્ય સંજોગોમાં છોડમાં વિવિધ ભાગોનું રાસાયણિક બંધારણ નીચે મુજબ હોય છે :

કપાસના છોડનું વિશ્લેષણ

ભાગ સૂકું પ્રમાણ (સૂકા વજન પરના ટકામાં)
વજન

ટકામાં

રાખ નાઇટ્રો-જન ફૉસ્ફ-રસ પોટાશ કૅલ્શિ-યમ મૅગ્ને-શિયમ
મૂળ 9 4.50 0.92 0.49 1.28 0.64 0.41
થડ 23 4.00 1.46 0.59 1.41 0.97 0.42
પાંદડાં 20 13.11 3.21 1.19 1.80 4.44 0.97
ઠાલિયાં 14 9.93 1.08 0.48 2.66 1.00 0.43
બી 23 3.78 3.13 1.27 1.17 0.25 0.45
રેસા 11 1.37 0.34 0.10 0.46 0.19 0.08

કપાસ જાતિનો ઉદભવ : કપાસના મૂળ પૂર્વજો નાગામીલૅન્ડ અને દક્ષિણ આફ્રિકાના કોઈ સ્થળે ઉદભવ્યા હશે. તેમાંથી જૂની દુનિયાની વાવેતરયોગ્ય જાતિ ગોસિપિયમ હરબેશિયમ ઉત્પન્ન થઈ હશે. તેમાં કાળક્રમે ફેરફાર થતાં ગો. આરબોરિયમ તૈયાર થઈ. જૂની દુનિયાની વાવેતરમાંની જાતિ અને નવી દુનિયાની જંગલી જાતિ ગો. રાયમોન્ડિના સંબંધથી નવી દુનિયાની વાવેતરમાંની જાતિ ગો. બારબાન્ડેસી ઉત્પન્ન થઈ અને તેમાં ફેરફાર થતાં ગો. હિરર્સુટમ જાતિ તૈયાર થયાના સંકેતો મળે છે. જૂની દુનિયાની વાવેતરમાંની બંને જાતિઓ ડિપ્લૉઇડ (2n = 26) છે અને નવી દુનિયાની વાવેતરમાંની બંને જાતિઓ ટેટ્રાપ્લૉઇડ (2n = 52) છે.

કપાસ સંવૃત બીજધારી સપુષ્પ દ્વિદળ વનસ્પતિ છે. વર્ગીકરણમાં તે માલવેઇલ્સ પેટાવિભાગના માલ્વેસી કુળ અને હિબીસ્સી ઉપકુળની ગોસિપિયમ પ્રજાતિમાં આવે છે. તેમાં રેસા વગરની બીજવાળી ત્રીસથી વધુ જંગલી જાતિઓ અને રેસા ધરાવતી બીજવાળી પાંચ જાતિઓ છે. તે પૈકી ઉપર દર્શાવેલી ચાર જાતિઓના રેસાઓમાં ખાસ પ્રકારના ઊલટાસૂલટી વળાંકોના પરિણામે તે કાંતણયોગ્ય હોવાથી વાવેતરમાં છે. આ જાતિઓના હજારો પ્રકાર છે.

કપાસનો વિકાસ મુખ્ય ત્રણ તબક્કામાં વિચારી શકાય : (1) જંગલીપણામાંથી વાવેતરયોગ્યતા, (2) બહુવર્ષાયુ વૃક્ષપણામાંથી વર્ષાયુ છોડમાં રૂપાંતર, (3) વર્ષાયુ છોડની જાતોમાં ઉત્પાદકતા અને ગુણવત્તાની સુધારણા.

ગોસિપિયમ પ્રજાતિના છોડ વન્યસ્થિતિમાં મૂળભૂત રીતે રેસા વિનાના બીજવાળા હશે. કુદરતી આકસ્મિક પરિવર્તન(natural mutation)થી રેસાવાળાં બીજ અને રેસામાં ખાસ ઊલટાસૂલટી વળાંકોનો ઉદભવ થયો હશે. કપાસની આ મોટામાં મોટી સુધારણા અને મહત્વનો વિકાસ ગણી શકાય. તેને લીધે તેનો તાંતણો કાંતણયોગ્ય બની શક્યો. વિકાસનું આ પાયાનું અને પ્રથમ પગલું મુખ્યત્વે કુદરતનિર્મિત છે.

કપાસનાં જૂનાં વર્ણનો મુખ્યત્વે બહુવર્ષાયુ વૃક્ષ તરીકેનાં છે. માર્કો પોલો (ઈ.સ. 1290) અને રેવરન્ડ ઈ. ટેરી (ઈ. સ. 1615) વગેરેએ ગુજરાતમાં કપાસને ત્રણ-ચાર વર્ષથી વીસેક વર્ષ જૂના વૃક્ષ તરીકે જોયાનો ઉલ્લેખ છે. કપાસની એકવર્ષાયુ છોડ તરીકેની ખેતી બહુ જૂની નથી. આજે પણ રોઝી, નાદમ જેવી કપાસની બહુવર્ષાયુ જાતો ભારતમાં વિવિધ સ્થળોએ અવશિષ્ટ વૃક્ષો તરીકે જોવા મળે છે. ઘનિષ્ઠ વાવેતર, તારની એકધારી ગુણવત્તા મેળવવી, ઉત્તરોત્તર વધતા જતા રોગ અને કીટકોનો જીવનક્રમ તોડવો વગેરે જરૂરિયાતોને અનુલક્ષીને કપાસનું બહુવર્ષાયુ છોડમાંથી એકવર્ષાયુ છોડની કક્ષામાં પરિવર્તનના વિકાસનું બીજું પગલું કુદરતનિર્મિત હોવા ઉપરાંત તેમાં મનુષ્યપ્રયત્ને પણ ઘણો ભાગ ભજવેલો છે.

કપાસની ઉત્પાદકતા અને ગુણવત્તા : વિકાસનું ત્રીજું પગલું માનવજરૂરિયાતોને અનુલક્ષીને મુખ્યત્વે માનવપ્રયત્નને આભારી છે. આમાં કપાસની વિવિધ જાતિઓમાં વિવિધ દેશોમાં અનેક કેન્દ્રો ઉપર ઘણી પ્રગતિ થયેલી છે.

સંશોધનકાર્ય : સામાન્યત: કપાસની ઉત્પાદકતા, રૂનો ઉતારો, પાકવાનો સમયગાળો, તંતુની વિશિષ્ટતાઓ જેવી કે તારની લંબાઈ, કુમાશ, પક્વતા, તાકાત, સમાનતા, કાંતણઆંકક્ષમતા, બીજમાં તેલનું પ્રમાણ, છોડનો પ્રકાર વગેરે અનેક ગુણોને સુધારવાનું ધ્યેય સંશોધનમાં રખાય છે. ભારતમાં પહેલવહેલું કપાસ સંશોધન કેન્દ્ર ઈ. સ. 1896માં સુરત મુકામે સ્થપાયેલું. હવે કપાસ પકવતાં રાજ્યોમાં તથા દુનિયાના વિવિધ દેશોમાં પણ ઘણાં કેન્દ્રો ઉપર અનેક યોજનાઓ દ્વારા ઘણું સંકલિત સંશોધનકાર્ય ચાલે છે. પાક-સંવર્ધન (plant breeding), ક્ષેત્રવિદ્યા (agronomy), પાક-સંરક્ષણ (plant protection), તંતુપ્રક્રિયા (fibre technology) આદિ વિવિધ બાબતો માટે ઘણા ઘનિષ્ઠ પ્રયાસો થાય છે અને ગણનાપાત્ર સિદ્ધિઓ પણ હાંસલ થયેલી છે.

વાવેતરનો વિસ્તાર અને પેદાશ : દુનિયામાં લગભગ 306.1 લાખ હેક્ટર (200-203) વિસ્તારમાં દર વર્ષે કપાસ વવાય છે. છોડમાંથી કપાસ મળે છે. તેને લોઢીને કપાસિયા અને રૂ જુદાં પડાય છે. તેના પ્રમાણમાં ઘણી વિવિધતાઓ હોય છે. દુનિયામાં રૂનું સરેરાશ ઉત્પાદન હેક્ટરે 621 કિગ્રા. છે. રૂની ગાંસડી બંધાય છે અને વ્યવહારમાં રૂનું ઉત્પાદન ગાંસડીમાં દર્શાવાય છે. દુનિયામાં દર વર્ષે 170 કિગ્રા. રૂની એક એવી લગભગ 1,129 લાખ ગાંસડી (200-203) રૂ પાકે છે.

કપાસનો છોડ ઉષ્ણ પ્રદેશનો હોવા છતાં તે ખૂબ પરિવર્તન પામેલ છે. તેની ખેતી ઉત્તર ગોળાર્ધમાં લગભગ 40 અંશ અક્ષાંશ સુધી અને દક્ષિણ ગોળાર્ધમાં 28 અંશ સુધી વિસ્તરેલી છે. દુનિયાના ઘણા દેશોમાં કપાસ વવાય છે. કપાસ પકવતા અગત્યના દેશોની માહિતી કોઠામાં દર્શાવેલ છે:

દુનિયાના વિવિધ દેશોમાં કપાસનો વિસ્તાર, ઉત્પાદન અને ઉત્પાદકતા

અ. નં. દેશ વાવેતર

વિસ્તાર

લાખ

હેક્ટર

ઉત્પાદન

લાખ

ગાંસડી રૂ

(218

કિલોગ્રામની)

ઉત્પાદન રૂ

હેક્ટરે/

કિલોગ્રામ

 1. ભારત 80.54 118.59 321
 2. ચીન 39.85 205.10 1122
 3. યુ.એસ. 52.21 189.20 790
 4. રશિયા 1.80 5.24 635
 5. પાકિસ્તાન 29.50 88.50 654
 6. બ્રાઝિલ 8.48 43.37 1115
 7. તુર્કી 6.59 44.47 1471
 8. આર્જેન્ટિના 3.80 8.45 485
 9. ઇજિપ્ત 5.00 23.67 1032
 10. નાઇજિરિયા 3.46 3.79 239
 11. ગ્રીસ 4.05 21.48 1156
 12. ઝિમ્બાબ્વે 2.89 3.86 291
 13. ઑસ્ટ્રેલિયા 4.94 35.55 1569
 14. ઈરાન 2.55 7.98 682
 15. મેક્સિકો 2.62 13.51 1124
 16. સુદાન 1.67 3.71 484
 17. અન્ય 63.06 152.71
કુલ 313.01 969.18 675

કપાસ વાવેતરનો સૌથી વધુ વિસ્તાર ભારતમાં 80.54 લાખ હેક્ટર છે. સૌથી વધુ ઉત્પાદન ચીનમાં 1,122 લાખ ગાંસડી રૂ છે. ખૂબ ઓછો વાવેતર વિસ્તાર હોવા છતાં સૌથી વધુ ઉત્પાદકતા ઇઝરાયલમાં 1,849 કિગ્રા. રૂ/હે. છે.

ઘણો મોટો બિનપિયત વિસ્તાર, વરસાદની અછત અને અનિયમિતતા, હલકી જમીનમાં બહોળું વાવેતર વગેરે મુખ્ય કારણોથી ભારતમાં રૂની ઉત્પાદકતા ઘણી નીચી છે. ઉત્પાદનમાં ઘણી પ્રગતિ પણ થયેલી છે. 1947માં આઝાદી મળી ત્યારે ભારતમાં વર્ષે 22 લાખ ગાંસડી રૂ પાકતું હતું. તે વધીને હવે લગભગ 175 લાખ ગાંસડી રૂ થયું છે. (ભારતમાં રૂની ગાંસડી 170 કિલોગ્રામની હોય છે.)

પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તમિલનાડુ ભારતનાં કપાસ પકવતાં અગત્યનાં રાજ્યો છે.

ગુજરાતમાં કપાસ ખૂબ અગત્યનો રોકડિયો પાક છે. એકાદ દાયકા પહેલાં લગભગ 16થી 17 લાખ હેક્ટરમાં તેનું વાવેતર થતું હતું અને લગભગ તેટલી ગાંસડી રૂ પાકતું હતું. છેલ્લા દાયકામાં રોગ તથા જીવાતના ઘણા મોટા ઉપદ્રવ, અન્ય પાકોની હરીફાઈ, છેલ્લાં બે-એક વર્ષોને બાદ કરતાં રૂના અનિયમિત અને નીચા ભાવો વગેરેને કારણે તેનો વાવેતર વિસ્તાર ઘટેલ છે. હાલમાં (2002-03) લગભગ 16થી 17 લાખ હેક્ટરમાં કપાસ વવાય છે અને 30થી 35 લાખ ગાંસડી રૂ પાકે છે.

ગુજરાતમાં કપાસ અંગેનું કૃષિસંશોધન માળખું સારી રીતે ગોઠવાયેલું છે. તેમાંથી નોંધપાત્ર સિદ્ધિઓ પણ મળેલી છે. દુનિયાની સૌથી પહેલી કપાસની સફળ સંકર જાત સંકર4 1971માં સૂરત કેન્દ્ર ઉપરથી આપવામાં આવી હતી. તેવી જ રીતે સૌ પહેલી દેશી કપાસની સંકર જાત, ગુજરાત કપાસ દેશી સંકર-7 પણ 1984માં સૂરતથી જ આપવામાં આવી હતી. ત્યારબાદ લંબતારી દેશી સંકરની જાત ગુજરાત કપાસ દેશી સંકર-9 પણ 1989માં સૂરતથી બહાર પાડવામાં આવી હતી. રાજ્યમાં દેશી કપાસની પહેલી નરવંધ્યતા આધારિત દેશી સંકરની ગુજરાત કપાસ એમડીએચ11 જાત 2002માં સૂરત કેન્દ્ર પરથી આપવામાં આવેલ છે.

હાલમાં રાજ્યમાં વવાતી કપાસની સુધારેલી જાતો પૈકી દેશી જાતોમાં દિગ્વિજય, વી-797, ગુજરાત કપાસ-13, ગુજરાત કપાસ-21 તથા ગુજરાત કપાસ-23 મુખ્ય છે. અમેરિકન જાતોમાં દેવીરાજ, ગુજરાત કપાસ-10, ગુજરાત કપાસ-12 તથા ગુજરાત કપાસ-16 અને સંકર જાતોમાં સંકર-4, ગુજરાત કપાસ સંકર-6, ગુજરાત કપાસ સંકર-8 તથા ગુજરાત કપાસ સંકર-10 મુખ્ય છે. આ વર્ષે(2004)માં હીરસુટમ પ્રકારની કપાસની નવી સંકર જાત ગુજરાત કપાસ સંકર12 પણ મંજૂર કરવામાં આવેલ છે.

બીટી (Bt) કપાસ : વધુ ઉત્પાદન આપતી કપાસની – ખાસ કરીને સંકર જાતો અને કૃષિકારકો – કૃષિનિવેશો(agro-inputs)ના વધતા જતા વપરાશથી દેશમાં કપાસનું ઉત્પાદન બહોળા પ્રમાણમાં વધ્યું છે. ઈ.સ. 1947માં સ્વાતંત્ર્ય મળ્યું ત્યારે વર્ષે પાકતી રૂની 22 લાખ ગાંસડી સામે હવે 170થી 175 લાખ ગાંસડી રૂ પાકે છે. આમ રૂ ઉત્પાદન 7થી 8 ગણું વધ્યું છે. અગાઉ દેશ રૂની જરૂરિયાત સામે અનહદ ખેંચ અનુભવતો હતો તે હવે સ્વનિર્ભર થવા ઉપરાંત નિકાસ કરવાની સ્થિતિએ પહોંચ્યો છે.

દરેક વિકાસ અને પ્રગતિ સાથે તેને લગતા કેટલાક અણગમતા પ્રશ્નો પણ ઉદભવતા હોય છે. અન્ય કૃષિપાકોની જેમ કપાસમાં પણ તેમજ થયું છે. વધુ ઉત્પાદન આપતી જાતો સામાન્યત: વધુ કુમળી અને વધુ રોગ / જીવાતગ્રાહ્ય હોય છે. વધુ ને વધુ કૃષિકારકોના વપરાશથી રોગ-જીવાત ઉપદ્રવની તીવ્રતા વધે છે, જેના નિયંત્રણ માટે વધુ ને વધુ કીટનાશક ઝેરી દવાઓનો વપરાશ કરવો પડે છે. તેનાથી પાક-ઉત્પાદનખર્ચ વધવાના અને પર્યાવરણ પ્રદૂષણના પ્રશ્નો વધુ તીવ્ર બને છે. ઉપરાંત નુકસાનકારક જીવાતોમાં નિયંત્રણ કરનાર દવાઓ સામે પ્રતિકારકતા સર્જાતા તેનું નિયંત્રણ વધુ ને વધુ અઘરું બને છે. આને લીધે કેટલેક સ્થળે કપાસ નામશેષ થવા લાગ્યો છે.

બેસિલસ થુરીજીએનસીસ (Bt) નામના સૂક્ષ્મ જીવો – બૅક્ટેરિયા દુનિયામાં બધે જ જમીનમાં વિપુલ પ્રમાણમાં હોય છે. તે એક પ્રકારનું પ્રોટીન-નત્રવાયુ યુક્ત પદાર્થ-ક્રાપ-1 બનાવે છે, જે ખાસ પ્રકારની ઇયળોના જૂથ – જેમ કે, કપાસની લીલી ઇયળ, ગુલાબી ઇયળ વગેરે સામે જૈવિક ઝેર તરીકે કામ કરી તેનું નિયંત્રણ કરે છે. આવો ઝેરી પાઉડર કીટનાશક તરીકે દાયકાઓથી વપરાશમાં છે.

મૉલેક્યુલર બાયૉલૉજી (અતિ સૂક્ષ્મ જીવશાસ્ત્ર) તથા જિનેટિક એંજિનિયરિંગ (જનીન ઇજનેરી) જેવી તરકીબો – તકનીકોનો વિકાસ થતા ઉક્ત બૅક્ટેરિયાના ક્રાપ-1 પ્રોટીન બનાવનાર જનીનનું કપાસના – તેમજ અન્ય પણ – છોડના કોષોમાંના રંગસૂત્ર ઉપર આરોપણ કરી તેવા છોડમાં જ આવું કીટનાશક ઝેર પેઢી દર પેઢી બનતું રહે તે માટેના વૈજ્ઞાનિક સંશોધનો એંશીના દાયકાથી શરૂ થયેલ. તેને સફળતા પણ મળી અને ઈ. સ. 1996માં આવા જનીન ધરાવતી – જિનેટિકલી મૉડીફાઇડ ઑરગેનિઝમ – જી. એમ.ઓ. કપાસની જાતને અમેરિકામાં વાવેતર માટે માન્ય કરવામાં આવી. કપાસને ખૂબ જ નુકસાન કરતી કેટલીક જીવાતોનું તેનાથી સ્વનિયંત્રણ થતું હોવાથી આવી જાતોનો વિસ્તાર કૂદકે ને ભૂસકે વધ્યો. વિવિધ રીતોથી તૈયાર કરાયેલ આવી કીટક સ્વનિયંત્રણ કરનારી અનેક જાતો તૈયાર થવા લાગી અને ચીન, બ્રાઝિલ અને બીજા પણ ઘણા દેશોમાં તેનો ખૂબ ઝડપથી બહોળો ફેલાવો થયો છે. આવી જાતો બીટી કપાસ જાતો કહેવાય છે. બીજા સંખ્યાબંધ પાકોમાં પણ આવી સિદ્ધિ મેળવાઈ છે.

આવી નવી શરૂઆતમાં રહેલ પર્યાવરણ પ્રદૂષણ અને અસમતુલનના ભયો, જીવાતોમાં શક્યત: પ્રતિકારકતાનો ઉદભવ, બાયૉડાયવર્સિટી સંકુચન, આકસ્મિક પરાગનયનથી અન્ય જાતોમાં જનીનવહનથી અણધારેલ નીંદણ આદિના આક્રમણ વગેરે અનેક વાસ્તવિક અને કાલ્પનિક ભયોને લીધે, ભારતમાં સરકારી બંધન અને ડખલગીરીથી આવી જાતોનું આગમન વિલંબાયું. સામાન્યત: પાકોની જાતોનો વિકાસ કૃષિખાતાની રાહબરીમાં આવે. પરંતુ જનીનિક ઇજનેરી કાર્યથી તૈયાર થનાર જાતોનું નિયંત્રણ પર્યાવરણખાતાની જિનેટિક એન્જિનિયરિંગ એપ્રૂવલ કમિટીને સોંપાયેલ. વધુ પડતી સાવચેતીના ભાગ રૂપે દેશમાં બીટી કપાસ વાવેતર મંજૂરી ઘણી વિલંબાયેલ અને તેનાથી મળનાર લાભોથી ખેડૂતો અને દેશ વંચિત રહ્યા. છેલ્લે ઈ. સ. 2003માં, પરદેશી પાર્ટીના સહયોગવાળી બીજ પેઢીની ત્રણેક જાતોને મર્યાદિત પ્રમાણમાં વાવેતર માન્યતા આપવામાં આવી, પણ આ માન્ય થયેલ જાતોનું પરિણામ ધાર્યા કરતાં નબળું રહ્યું.

આ સમય દરમિયાન ગુજરાતની એક નાની સ્વદેશી પેઢીએ પણ સ્વપ્રયત્નોથી, કીટક સ્વનિયંત્રણ કરનાર કપાસની સંકર જાત તૈયાર કરી. આ જાતની સંવર્ધન ક્રિયા સમયે તેના બ્રીડિંગ મટીરિયલમાં બીટી જેવું જિનેટિકલી મૉડિફાઇડ જનીન હોવાનું કે તે ઉપર વૈજ્ઞાનિક સંશોધનકાર્ય કરવા માટે અગાઉથી કોઈ સત્તા – અને ખાસ કરીને ભારતના પર્યાવરણખાતાની મંજૂરી મેળવવાની જરૂરિયાતની ભાગ્યે જ કોઈને જાણ હતી. સંદર્ભમાંની બીજી પેઢીને તો તે ન જ હતી. આ પેઢીએ નવભારત 151 નામની જાત આપી. જેમાં અણધારી રીતે બીટી જનીન હોવાનું ઘણાં વર્ષો પછી માલૂમ પડ્યું. ત્યારે બીટી હોવા – ન હોવાની વૈજ્ઞાનિક ચકાસણી માટે કોઈ પ્રયોગાત્મક સુવિધા ઉપલબ્ધ ન હતી. આ જાત ખેડૂતોને ખૂબ જ માફક આવતાં તે ટૂંકા સમયગાળામાં બહોળા વિસ્તાર – લાખો હેક્ટર – માં ફેલાઈ. ઈ. સ. 2003માં તેણે ગુજરાતના સંકર કપાસનો લગભગ 90 %થી પણ વધુ વિસ્તાર આવરેલ હોવાનું અંદાજાયેલ છે. દક્ષિણ ગુજરાત, જે વર્ષો પહેલાં ઘણો સારો કપાસ પકવતો પ્રદેશ હતો, પણ છેલ્લાં કેટલાંક વર્ષોથી ત્યાં કપાસ નામશેષ થયેલ ત્યાં પણ નવભારત 151 જાત મળતાં ફરી કપાસનું વાવેતર અને બંધ થયેલ જિનો ચાલુ થયેલ છે. પંજાબ જેવાં બીજાં ઘણાં રાજ્યોમાં પણ આ જાત ખૂબ અનુકૂળ જણાયેલ છે. અગાઉથી મંજૂરી મેળવેલ ન હતી કે તેવા બહાના હેઠળ સરકારે તેના ઉપર પ્રતિબંધ મૂકેલ છે અને તેના નિકંદન માટે કેટલાંય કડક પગલાં લીધેલ છે છતાં ખેડૂતોને તે એટલી માફક અને આર્થિક રીતે ઉપયોગી લાગેલ છે કે તેને છોડવા તૈયાર નથી. લોક- જુવાળ જોતાં સરકાર ગમે તેવી કડકાઈથી પણ તે બંધ કરાવી શકે તેમ નથી. સરકારી પ્રતિબંધને કારણે શુદ્ધબીજની જાળવણી અને ઉપસ્થિત વિરોધ જોતાં ખેડૂતો અને દેશને આખરે નુકસાનકારક છે.

ઈ. સ. 2004-05માં દેશમાં કપાસનું ઘણું મોટું – 205 લાખ ગાંસડી રૂનું ઉત્પાદન થવાની શક્યતાઓ અંદાજાયેલ છે, જેમાં ગુજરાતનો ફાળો 62 લાખ ગાંસડી હશે (ગુ. સ. 9 જૂન 2004). કપાસના બહોળા પાયા પરના વાવેતરમાં અને આવા ઉચ્ચ ઉત્પાદન વધવાની અપેક્ષામાં બીટી કપાસનો ગણનાપાત્ર ફાળો હશે. ટૂંક સમયમાં જ કપાસની ઘણી બીટી જાતો તૈયાર થઈ વાવેતરમાં આવશે અને આવતા કેટલાંય વર્ષોમાં આવી બીટી જાતોનું પ્રભુત્વ રહેશે. કપાસ સહિત અન્ય બીજા પાકોમાં બીટી ઉપરાંત અન્ય કેટલાય ગુણો જિનેટિક એંજિનિયરિંગથી વિકસાવાયેલ છે અને ભવિષ્યમાં ઘણી મોટી સિદ્ધિઓ મળશે.

ખેતપદ્ધતિ : કપાસના સારા વિકાસ અને ઉત્પાદન માટે નીચેની પરિસ્થિતિ મહત્વની છે : (1) હિમમુક્ત ઋતુ, (2) વિકાસક્રમ દરમિયાન પૂરતો વરસાદ અને ભેજ-ઉપલબ્ધિની અન્ય સુવિધા, (3) વધુ પડતા વરસાદનો અભાવ, (4) ફૂલ અને જીંડવાં બેસે ત્યારે સૂકું, વાદળ વિનાનું હવામાન, (5) જમીનની ઊંચી ફળદ્રૂપતા તથા છોડને ભરપૂર પોષણ મળી રહે તે માટે જરૂરી કારકો(inputs)ની ઉપલબ્ધિ, (6) વીણી વખતે વરસાદની ગેરહાજરી – રાત્રે ઝાકળ, દિવસે તાપ.

ફળદ્રૂપ, પાણીના સારા નિતારવાળી જમીનની પસંદગી, તેની યોગ્ય તૈયારી, પાકની ફેરબદલી, સેન્દ્રિય ખાતરોની વપરાશ, વિસ્તાર અને આનુષંગિક બાબતો પર આધારિત જાતની પસંદગી, ઉચ્ચ કક્ષાનાં બીજ અને તેની માવજત, સમયસરનું વાવેતર, જાત પ્રમાણે વાવેતર, આંતરખેડ, નીંદામણ અને નીંદણનાશક દવાઓના વપરાશથી નીંદણમુક્ત ખેતરો, પાકના જીવન-તબક્કા અનુસાર હપ્તાવાર જરૂરી ખાતરોની ઉપલબ્ધિ વગેરે પગલાં પાકના સારા ઉત્પાદન માટે આવશ્યક છે. છોડને જરૂરી સોળેક તત્વો પૈકી નાઇટ્રોજન, ફૉસ્ફરસ, પોટાશ, કૅલ્શિયમ, મૅગ્નેશિયમ, ગંધક, સોડિયમ, મોલિબ્ડેનમ વગેરે વધુ અગત્યનાં છે. તે પૈકી નાઇટ્રોજન, ફૉસ્ફરસ અને પોટાશ વધુ વપરાતાં મુખ્ય તત્ત્વો છે. વધુ વપરાશ તથા વનસ્પતિ વાપરી શકે તેવા સ્વરૂપની જમીનમાં તેની અછતને લીધે નાઇટ્રોજનયુક્ત ખાતરો પાકના સારા ઉત્પાદન માટે આપવાં જરૂરી બને છે. સામાન્ય સંજોગોમાં ફૉસ્ફરસ, પોટાશ સહિત અન્ય જરૂરી તત્વો કપાસ માટે પૂરતા પ્રમાણમાં ગુજરાતની મોટાભાગની જમીનમાંથી મળી રહેતાં હોવાથી તે ઉમેરવાં જરૂરી બનતાં નથી. આમ છતાં કેટલાક ખાસ સંજોગોમાં તેવો ઉમેરો પણ ઉપયોગી બને છે. કપાસ-ઉત્પાદનમાં વપરાતાં કેટલાંક તત્વોની માહિતી નીચેના કોઠામાં દર્શાવેલ છે :

એક હેક્ટરમાંથી 560 કિગ્રા. જેટલું રૂનું ઉત્પન્ન લેવા માટે જરૂરી પોષક દ્રવ્યો

છોડનો પ્રમાણ સૂકું વપરાશ કિલોગ્રામમાં
ભાગ ટકામાં વજન

કિગ્રા.

હે.

 

નાઇટ્રો-

જન

 

ફૉસ્ફ-

રસ

 

પોટાશ

 

મૅગ્ને-

શિયમ

 

કૅલ્શિ-

યમ

વાનસ્પ-

તિક

 

66

 

3,530

 

66

 

36

 

63

 

20

 

20

કપા-

સિયા

અને રૂ

 

 

34

 

 

1,784

 

 

41

 

 

16

 

 

17

 

 

7

 

 

5

કુલ 100 5314 107 52 80 27 82

પાકસંરક્ષણ : લગભગ 130 જેટલી જીવાતો કપાસના પાક ઉપર નભે છે. તેમાંથી પંદરેક જીવાતો ગણનાપાત્ર નુકસાન કરે છે. કપાસને કેટલાક રોગો પણ થાય છે. રોગ-જીવાત ઉપદ્રવથી 20થી 70 ટકા કે તેથી પણ વધુ નુકસાન થાય છે. નુકસાન કરતા કીટકોને બે વિભાગમાં વહેંચી શકાય : (1) પાન તથા થડને નુકસાન કરતાં તડતડિયાં, મશીમોલો, થ્રિપ્સ, લાલકથીરી, લશ્કરી ઇયળ, કાતરા, ઘોડિયા ઇયળ, થડવેધક વગેરે. (2) ફળાઉ ભાગોને નુકસાન કરતી ટપકાંવાળી ઇયળ, ગુલાબી ઇયળ, લીલી ઇયળ, રાતાં ચૂસિયાં, રૂપલાં વગેરે. મૂળનો સુકારો, મૂળખાઈ, કાંઠલાનો કોહવારો, ખૂણિયાં ટપકાં, ઑલ્ટરનેરિયાથી થતો ઝાળ રોગ, જીંડવાંનો સડો અને નાના પાનનો રોગ (stenosis) તે મુખ્ય રોગો છે.વિવિધ દ્રવ્યો કેટલા પ્રમાણમાં ઉમેરવાં પડે તે, જમીનમાં મૂળ પ્રાપ્ય સ્વરૂપમાં ઉપલબ્ધિ, વિવિધ પ્રક્રિયાઓથી જમીનમાંના તત્વના અપ્રાપ્ય સ્વરૂપમાંથી પ્રાપ્ય સ્વરૂપમાં નિરંતર ફેરબદલી, અપાતા દ્રવ્યની કાર્યસાધકતા વગેરે અનેક બાબતો ઉપર આધાર રાખે છે.

પાકમાંથી પૂરું વળતર મેળવવા માટે ખેતીની સારી પદ્ધતિ ઉપરાંત કાર્યક્ષમ રોગકીટકનિયંત્રણ આવશ્યક છે, તે માટે જંતુનાશક, રોગનાશક દવાઓનો વપરાશ ઘણો ઉપયોગી છે. છતાં તેના આડેધડ ઉપયોગથી પર્યાવરણ-પ્રદૂષણ, પ્રતિકારકતા આદિ અનેક દૂષણો અને સમસ્યાઓ જન્મે છે. આથી દવાનો વિવેકપૂર્વક વપરાશ સાથે ક્ષેત્રસ્વચ્છતા, વૈકલ્પિક યજમાન છોડોનો નાશ, પાકવાવણી સમયે તેમજ પાકસંરક્ષણ પગલાં વગેરેમાં જાણપૂર્વકની કડક શિસ્ત, ઉપયોગી પરજીવી/પરભક્ષી જીવજીવાતોના ધ્વંસના અટકાવ માટે કાળજીપૂર્વક સૌમ્ય દવાઓની પસંદગી, દવા છાંટવામાં ક્ષમ્યમાત્રા અભિગમ (threshold level approach), શક્ય હોય તો પ્રયોગશાળામાં પરજીવી/પરભક્ષી જીવાતોની વૃદ્ધિ કરી ખેતરમાં છોડવી આદિ અનેક પગલાં સહિતનો સંકલિત જીવાત/રોગનિયંત્રણ કાર્યક્રમ અપનાવી વધુ લાભ મેળવી શકાય.

પેદાશ : કપાસના પાકની મુખ્ય ખેતપેદાશ કપાસ મળે છે. ઉત્પાદકતામાં ઘણા તફાવતો હોય છે. ભારતમાં સરેરાશ ઉત્પાદન હેક્ટરે લગભગ 9 ક્વિંટલ કપાસ (3 ક્વિંટલ રૂ) છે. કેટલાક ખાસ સંજોગોમાં અને ખેતીની સારી પદ્ધતિથી હેક્ટરે 100 ક્વિંટલ કપાસ (33 ક્વિંટલ રૂ) જેટલું ઉત્પાદન પણ લઈ શકાય છે. કપાસ લોઢીને મુખ્ય પેદાશ રૂ અને ગૌણ પેદાશ કપાસિયા મળે છે. પાકમાંથી આડપેદાશ તરીકે કરસાંઠી મળે છે. કપાસના છોડમાંથી મળતા વિવિધ ભાગોના ઉપયોગથી ઘણા પ્રકારની ઉપયોગી વસ્તુઓ તૈયાર થઈ શકે છે. કાપડ અને તત્સંબંધી પેદાશો માટે રૂ કાચો માલ બની રહે છે. તે વારંવાર પેદા થતો (renewable resource) સ્રોત છે. કપાસિયામાંથી તેલ, ખાદ્ય પદાર્થો, પશુ-આહાર વગેરે તૈયાર થાય છે. કપાસિયામાંથી તેમજ છોડના અન્ય ભાગોમાંથી ગ્લિસરીન, ફિટિન, વિટામિન, ફુરફુરાલ, સિલિકૉન, વિવિધ આલ્કોહૉલ, વિવિધ ઍસિડ, શર્કરા, ગ્લુકોઝ, લિગ્નાઇટ, લાખ, નાયલૉન, નાઇટ્રોસેલ્યુલોઝ, કાગળ, પાર્ટિકલ બૉર્ડ, હાર્ડબૉર્ડ, ફિલ્મ પ્લાસ્ટિક, કૃત્રિમ ઊન, કૃત્રિમ રેસા, ઇન્સ્યુલેટિંગ ટેપ, ગોસિપોલ, સિન્થેટિક ગુંદર, ફિલ્ટર પેપર, ઍમરી પેપર, પૅકિંગ મટીરિયલ, મિથાઇલ, બળતણ વગેરે અનેક વસ્તુઓ તૈયાર થઈ શકે. આ પૈકી કેટલીક વસ્તુઓ માટે આર્થિક રીતે પોસાઈ શકે તેવી ટેક્નૉલૉજી ઉપલબ્ધ છે.

વ્યાપાર અને ઉદ્યોગ : રૂ-આધારિત બહોળો વ્યાપાર તથા કાપડ ઉદ્યોગ વિકસેલા છે. તેવી જ રીતે ખાદ્ય અને અન્ય તેલઉદ્યોગ પણ વિકસેલા છે. અન્ય આડપેદાશો પણ ઘણા ઉપયોગમાં લેવાય છે.

કપાસસંશોધન કેન્દ્ર, સૂરત : આ કૃષિસંશોધન કેન્દ્રની સ્થાપના 1896માં થઈ હતી અને 1904થી તે કેન્દ્ર પર કપાસ-સંશોધનની શરૂઆત થઈ હતી. ઈ.સ. 1996માં તેની શતાબ્દી ઊજવાઈ. ક્રમે ક્રમે રાજ્યમાં વિવિધ પ્રકારની જમીન અને આબોહવા આવરી લેવા વિભાગીય અને પેટા કેન્દ્રો સ્થાપવામાં આવ્યાં. હાલ આ કેન્દ્રની રાહબરી હેઠળ આવાં 15 કેન્દ્રો કાર્યરત છે.

શરૂઆતમાં મુખ્ય ધ્યેય કપાસની જાત સુધારવાનું હતું. પરંતુ ખાસ કરીને ત્રીજી પંચવર્ષીય યોજનાથી પાકસુધારણાના ભાગ રૂપે સંવર્ધન ઉપરાંત પાકવિજ્ઞાન, કીટકશાસ્ત્ર, રોગશાસ્ત્ર, દેહધર્મવિજ્ઞાન, રસાયણશાસ્ત્ર, તંતુચકાસણી વગેરે બાબતોના અભ્યાસની સુવિધાઓ કરવામાં આવી. સાતમી પંચવર્ષીય યોજનાથી કેટલાંક પાયાનાં સંશોધન હાથ ધરવા માટે કેન્દ્રનો ‘સેન્ટર ઑવ્ એક્સલન્સ’ તરીકે વિકાસ કરવામાં આવ્યો.

અગાઉ તે રાજ્યના ખેતીવાડી ખાતાનો ભાગ હતું. 1972માં ગુજરાત કૃષિ વિશ્વવિદ્યાલયની સ્થાપના થતાં તે તેનો અંતર્ગત ભાગ બનેલ છે.

આ કેન્દ્રે કપાસ-સંશોધનક્ષેત્રે ઘણી નોંધપાત્ર સિદ્ધિઓ મેળવેલી છે. કપાસની ઉત્પાદકતા અને ગુણવત્તાની સુધારણા માટે કેન્દ્રે વિભાગીય અને પેટાકેન્દ્રોના સહયોગથી 44 સુધારેલી જાતો, 48 ખેતપદ્ધતિઓ અને 21 પાકસંરક્ષણપદ્ધતિઓ તૈયાર કરેલ છે. આમાંથી અમેરિકન અને દેશી કપાસની જાતોના સંકરણથી 1951માં આપેલ દેવીરાજ જાત, 1971માં આપેલ સંકર-4 જાત, 1974માં વાવેતરમાંની અને જંગલી જાતોના સંકરણમાંથી તૈયાર કરી આપેલી ગુજરાત
કપાસ-10 નામની અમેરિકન કપાસની જાત વગેરે જેવી ઘણી જાતો દેશની જ નહિ; પરંતુ દુનિયાની પણ તે તે પ્રકારની સૌપ્રથમ સિદ્ધિ જેવી છે.

સંકર કપાસની જાતો તૈયાર કરવાની કેન્દ્રની સિદ્ધિએ, દેશનાં અન્ય કપાસ-સંશોધન કેન્દ્રોને ઉચ્ચ ઉત્પાદકતા ધરાવતી જાતો અને પદ્ધતિઓ તૈયાર કરવાની પ્રેરણા આપી છે. એને પરિણામે મળેલી સુધારેલી જાતો અને ખેતપદ્ધતિઓના બહોળા ફેલાવાથી 1947માં ભારતમાં રૂની જે કારમી અછત હતી તેને બદલે હવે રૂની બાબતમાં દેશ આત્મનિર્ભર અને નિકાસ માટે સક્ષમ બનેલ છે. ડૉ. સી. ટી. પટેલ, ડૉ. એન. પી. મહેતાએ અને ડૉ. યુ. જી. પટેલે આ કેન્દ્રના તાજેતરના વિકાસ પરત્વે મહત્વનો ફાળો આપેલ છે.

નટવરલાલ પુ. મહેતા