કન્નુર (Kannur) : કેરળ રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. તેનું જૂનું નામ કાનાનોર (cannanore) હતું. ભૌગોલિક સ્થાન : તે 11o 40’થી 12o 48′ ઉ. અ. અને 74o 52’થી 75o 56′ પૂ. રે. વચ્ચેનો 2,966 ચો.કિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર અને પૂર્વ તરફ કર્ણાટક રાજ્યની સીમા અને રાજ્યનો કાસારગોડ જિલ્લો, દક્ષિણ તરફ વાયનાડ અને કોઝીકોડ જિલ્લા તેમજ કેન્દ્રશાસિત પોંડિચેરીનો માહે વિભાગ તથા પશ્ચિમે લક્ષદ્વીપ સમુદ્ર આવેલા છે. જિલ્લામથક કન્નુર જિલ્લાના પશ્ચિમ ભાગમાં સમુદ્રકાંઠે આવેલું છે.

કન્નુર જિલ્લો

ભૂપૃષ્ઠજંગલોજળપરિવાહ : આ જિલ્લો પશ્ચિમ ઘાટ અને લક્ષદ્વીપ સમુદ્ર વચ્ચે આવેલો છે. તે અજોડ ભૌગોલિક લક્ષણો ધરાવે છે. આ રમણીય ભૂમિપ્રદેશમાં ગીચ જંગલો, વિસ્તૃત ખીણો, ડાંગરનાં વિશાળ ખેતરો, નાળિયેરીના બગીચા તથા લાંબો કંઠાર રેતપટ આવેલાં છે. અહીં સંખ્યાબંધ નદીઓ, ખાડીસરોવરો તથા કયાલ આવેલાં છે. જિલ્લાનો પહાડી વિભાગ કોડણુ અને નીલગિરિ જિલ્લાની પશ્ચિમ તરફ આવેલો છે. ટેકરીઓ ઘાસથી છવાયેલી રહે છે. દરિયાખેડુઓ માટે ભૂમિચિહન તરીકે અલગ તરી આવતું એલી અથવા એળીમાલા શિખર (ઊંચાઈ : 261 મીટર) લક્ષદ્વીપ સમુદ્રકાંઠે જોવા મળે છે. વન્ય સંપત્તિથી સમૃદ્ધ અનામત જંગલો તેમજ ઉષ્ણકલ્પીય ભેજવાળાં ખરાઉ જંગલો આવેલાં છે. સાગ; રોઝવૂડ અને વાંસનાં વૃક્ષો આ જંગલોમાં જોવા મળે છે. આ ઉપરાંત અહીં અયનવૃત્તીય ભેજવાળાં સદાહરિત તેમજ અર્ધહરિત જંગલો પણ છે. સદાહરિત જંગલો, 1,200 મીટર ઊંચાઈવાળા પહાડી ભાગોમાં, જ્યાં 2,000 મિમી.થી વધુ વરસાદ પડે છે, ત્યાં આવેલાં છે.

જળસંપત્તિની ર્દષ્ટિએ કેરળ રાજ્ય સમૃદ્ધ છે. રાજ્યની 44 નદીઓ પૈકી 19 નદીઓ આ જિલ્લામાં આવેલી છે. તે પૈકીની 14 નદીઓ નૌકાસફર (જળમાર્ગ) માટે અનુકૂળ છે. નાનામાં નાની કાલનાડ નદી 8 કિમી. લાંબી છે, જ્યારે મોટામાં મોટી વાલાપટ્ટનમ્ નદી 113 કિમી. લાંબી છે. જિલ્લાને 152 કિમી. લાંબો દરિયાકિનારો મળેલો છે.

ખેતી : અહીંના કેટલાક પહાડી વિસ્તારોનાં જંગલોને સાફ કરીને ખેડાણયોગ્ય જમીન તૈયાર કરાયેલી છે. જિલ્લામાં રબર, નાળિયેરી, સોપારી, આદું, હળદર, ટેપિયોકા, ડાંગર, કેળાં, શાકભાજી, તાડ, કાજુ, મરી, તમાકુ, લેમનગ્રાસ, કોકો, પાઇનેપલ અને જાયફળની ખેતી થાય છે. જિલ્લાની 19 નદીઓ કાયમી હોવા છતાં બધી નદીઓ પર બંધ તૈયાર કરાયા નથી. વાલપટ્ટનમ્ નદી પરના બૅરેજ ઉપરાંત બીજા કેટલાક આડબંધ બાંધવાનું આયોજન હતું તે પૂરું થઈ ગયું છે. ખેતીમાં સિંચાઈ માટે કૂવા, શારકૂવા, તળાવો તથા નદીજળ ફંટાવીને પાણીનો ઉપયોગ કરાય છે. જિલ્લામાં ઢોર, મરઘાં-બતકાં, ભુંડ અને માછલી ઉછેર થાય છે. 70 ઉપરની સહકારી દૂધમંડળીઓ કાર્યરત છે.

ઉદ્યોગવેપાર : જિલ્લામાં કુદરતી સંપત્તિ પુષ્કળ હોવા છતાં મોટા ઉદ્યોગો વિકસેલા નથી. અહીં માત્ર 14 નાના-મોટા ઉદ્યોગો ચાલે છે. અહીં હાથસાળનો ઉદ્યોગ, હોઝિયરીનું કારખાનું, 200 જેટલા નાના એકમો, બીડી-ઉદ્યોગ, કાથી-ઉદ્યોગ, પ્લાયવૂડ-ઉદ્યોગ, દીવાસળી-ઉદ્યોગ આવેલા છે. આ ઉપરાંત રાચરચીલાના એકમો, વીજાણુ-પુરજા એકમ, ચિનાઈ માટીનો ઉદ્યોગ પણ કાર્યરત છે. હસ્તકારીગરીની ચીજવસ્તુઓ, નેતર અને વાંસનો માલસામાન તથા ભરતકામ પણ થાય છે.

જિલ્લામાં હાથસાળના કાપડનું, કાજુ, કોપરાં, ચોખા, નળિયાં, વીજળીના ગોળા, કાર્ડબૉર્ડ અને પ્લાયવૂડનું ઉત્પાદન લેવાય છે. હાથસાળના કાપડ, કાજુ, કોપરાં, નળિયાં, મરી, માછલી અને યાર્નની નિકાસ થાય છે. સૂતર, મરચાં, સિમેન્ટ, ઘઉં, કેરોસીન તથા ચોખાની આયાત કરવામાં આવે છે.

પરિવહન : જિલ્લામાંથી રાષ્ટ્રીય ધોરી માર્ગ 17 પસાર થાય છે, તે માહે-તાલપાડીને જોડે છે. માહે-મૅંગલોરને સાંકળતી બ્રૉડગેજ રેલવે કિનારાને સમાંતર ચાલી જાય છે. ચાર નાનાં બંદરો આવેલાં છે. અતિરંગમથી હોસદુર્ગ સુધીની નહેર આવેલી છે. અહીંની નદીઓ જળમાર્ગો તરીકે ઉપયોગમાં લેવાય છે. સારો એવો વાહનવ્યવહાર આ જિલ્લામાં થઈને ચાલે છે.

પ્રવાસન : (1) અડૂર : વાયુપુરાણમાં ઇન્દ્રકીલ તરીકે જેનો ઉલ્લેખ છે તે અડૂર તેના મહાશિવલિંગમ્ મંદિર માટે જાણીતું છે અહીં અર્જુન અને કિરાતવેશમાં આવેલા મહાદેવ વચ્ચે કુસ્તી થયેલી. અર્જુન હારેલો, કિરાતના કહેવાથી તેણે રેતીનું શિવલિંગ બનાવી બિલ્વપત્રોથી પૂજા કરેલી, જેટલાં બીલીપત્ર ચડાવેલાં તે બધાં કિરાતના ચરણોમાં જતાં હતાં. શિવે પ્રસન્ન થઈને અર્જુનને અહીં પાશુપતાસ્ત્ર અર્પણ કરેલું. આ મંદિરનું ઐતિહાસિક મહત્વ પણ છે. અહીંના કુમ્બલા રાજાઓએ તેમના રાજ્યાભિષેક વખતે ચડાવેલી 32 જેટલી સુવર્ણતક્તીઓ પણ છે. આ ઉપરાંત અહીં રક્તેશ્વરીનું મંદિર પણ આવેલું છે.

(2) અજનૂર : આ સ્થળ તેના કાષ્ઠકોતરણીવાળા ભદ્રકાળીના મંદિર માટે જાણીતું છે. આ ઉપરાંત અહીં 13 જેટલી મસ્જિદો, એક ચર્ચ તથા મહાન વૈષ્ણવ સંત સ્વામી રામદાસે 1939માં સ્થાપેલો આનંદાશ્રમ આવેલાં છે.

(3) અંજરાકૅન્ડી : ઐતિહાસિક મહત્વ ધરાવતું સ્થળ. 1797માં ઈસ્ટ ઇંડિયા કંપનીએ અહીં 1,000 એકર ભૂમિમાં કૉફી, તજ, મરી, જાયફળ, શેરડી અને ચંદનનાં વૃક્ષોનું વાવેતર કરેલું. 1803માં અહીંના દેશભક્તોએ આ વાડીઓનો નાશ કરેલો; જોકે તેનું વાવેતર તે પછીથી ફરીથી શરૂ કરાયેલું. અહીંનાં સફેદ મરી લંડન સુધી જાય છે. અહીંનું તજનું વાવેતર એશિયાભરમાં મોટામાં મોટું ગણાય છે.

(4) બેકલ : કાસારગોડથી દક્ષિણે 14 કિમી. અંતરે આવેલું સ્થળ. તે તેનાં કુદરતી ર્દશ્યો અને રમણીયતા માટે ખૂબ જાણીતું છે. અહીં ઐતિહાસિક અને પુરાતત્વીય મહત્વ ધરાવતો એક કિલ્લો આવેલો છે. કિલ્લાની સ્થાપના માટે મતમતાંતરો ચાલે છે. 1763માં તે હૈદરઅલીના હાથમાં અને 1799માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના હાથમાં ગયેલો. આજે તેનો વહીવટ ભારત સરકારનું પુરાતત્વખાતું કરે છે. આ ઉપરાંત અહીં સુંદર સમુદ્રકંઠાર-રેતપટ, સ્વાસ્થ્ય માટેનું વિહારધામ, હનુમાનજીનું મંદિર અને ટીપુ સુલતાને બંધાવેલી મસ્જિદ જોવાલાયક છે.

(5) કોટ્ટિયુર : દક્ષિણના વારાણસી તરીકે ઓળખાતું કોટ્ટિયુર યાત્રાધામ તરીકે જાણીતું છે. તે તેલીચેરીથી પૂર્વમાં 65 કિમી.ને અંતરે આવેલું છે. અહીં મહાદેવનું મંદિર છે, દર વર્ષે મે-જૂનમાં અહીં થતા વાર્ષિકોત્સવમાં લાખો યાત્રાળુઓ આવે છે.

(6) તેલીચેરી : દરિયાકિનારા પર કન્નુરથી દક્ષિણે 22 કિમી.ને અંતરે આવેલું મહત્વનું વાણિજ્ય-સ્થળ. અહીં મરી, એલચી અને બીજા તેજાનાનો વેપાર થાય છે. આ સ્થળનું ઐતિહાસિક મહત્વ ઘણું છે. અહીં ફ્રેંચો અને અંગ્રેજો આવ્યા; યુદ્ધો થયાં. અંગ્રેજોએ અહીંથી ફ્રેન્ચોને કાઢી મૂકેલા. 1699માં અંગ્રેજોએ અહીં કારખાનું નાખેલું અને 1708માં કિલ્લો બાંધેલો. આ કિલ્લો દળદાર ભીંતો અને બુરજોવાળો હતો. અહીં કેટલાંક મંદિરો, મસ્જિદો અને ચર્ચ આવેલાં છે.

(7) કન્નુર (શહેર) : જિલ્લામથક. ભારતના પશ્ચિમ કાંઠે આવેલા આ સ્થળનું ઐતિહાસિક મહત્વ ઘણું છે. 13મી સદીમાં અહીં આવેલા જગપ્રવાસી માર્કો પોલોએ કન્નુરનો તેજાનાના વેપારી મથક તરીકે ઉલ્લેખ કરેલો. માર્કો પોલોની સફરથી પ્રેરાઈને 1487 પછીના ગાળામાં જોઆઓ પેરીઝ દ કોવિલ્હાઓ અહીં આવેલો અને કન્નુર ખાતે રોકાયેલો. 1498માં વાસ્કો ડી ગામા કાલિકટ આવેલો પણ તેણે કન્નુર ખાતે ઉતરાણ કરેલું નહિ, પરંતુ બીજી વાર આવ્યો ત્યારે કન્નુર ખાતે વાડ બાંધેલી. ત્યાર પછી પોર્ટુગીઝ, ડચ અને અંગ્રેજો આવ્યા. પોર્ટુગીઝોએ બાંધેલા કિલ્લાનું હસ્તાંતરણ થતું ગયું. આજે તે ભારત સરકારના પુરાતત્વ ખાતાને હસ્તક છે. કેરળના એકમાત્ર મુસ્લિમ શાહી કુટુંબ અરક્કલના અલી રાજાઓનું કન્નુર મુખ્ય મથક રહેલું. તેમણે સમુદ્રકાંઠે બાંધેલો અરક્કલ મહેલ આજે ખંડિયેર બની રહેલો છે.

કેરળમાં સર્વપ્રથમ મ્યુનિસિપાલિટી કન્નુર ખાતે (1867ની 24 જૂન) સ્થપાયેલી. આજની કન્નુરની લશ્કરી છાવણી મ્યુનિસિપાલિટીનો એક ભાગ હતી.

કન્નુરમાં હાઈસ્કૂલો, પ્રાથમિકમાધ્યમિક શાળાઓ, હૉસ્પિટલ, મંદિરો, ચર્ચ, મસ્જિદો આવેલાં છે અહીં સ્પિનિંગ-વીવિંગ મિલો પણ છે. કૅમ્પ બજાર અહીંનું મુખ્ય વાણિજ્ય-મથક ગણાય છે. કન્નુર તેના હાથસાળ-ઉદ્યોગ માટે જાણીતું છે. અહીં સ્વદેશાભિમાની કે. રામકૃષ્ણ પિલ્લા નામના સ્વાતંત્ર્ય-સેનાની અને પત્રકાર થઈ ગયા, તેઓ ત્રાવણકોરના હતા, તેમને દેશવટો મળેલો, તે વખતે તેઓ કન્નુર ખાતે અવસાન પામેલા.

વસ્તી : 2011 મુજબ કન્નુર જિલ્લાની વસ્તી 25,25,637 જેટલી છે, તે પૈકી સ્ત્રી-પુરુષોની વસ્તી સરખી છે. ગ્રામીણ અને શહેરી વસ્તીનું સંખ્યાપ્રમાણ પણ લગભગ સરખું છે. જિલ્લામાં હિન્દુ, મુસ્લિમ અને ખ્રિસ્તી લોકોની વસ્તી વિશેષ છે; જ્યારે શીખ, જૈન અને બૌદ્ધ ધર્મના લોકોની વસ્તી તદ્દન ઓછી છે. જિલ્લામાં મલયાળમ અને તમિળ ભાષાઓ વધુ બોલાય છે. જિલ્લાના દરેક ગામમાં ઓછામાં ઓછી એક પ્રાથમિક શાળા આવેલી છે. કેટલાંક ગામો અને નગરોમાં માધ્યમિક શાળાઓની વ્યવસ્થા છે. જિલ્લામાં નવ જેટલી ઉચ્ચ-શિક્ષણની સંસ્થાઓ આવેલી છે. જિલ્લામાં સાક્ષરતાનું પ્રમાણ 80 % જેટલું છે. વહીવટી સરળતાની ર્દષ્ટિએ જિલ્લાને ત્રણ તાલુકા, 9 સમાજવિકાસ-ઘટકોમાં વહેંચેલો છે. જિલ્લામાં 45 નગરો અને 78 વસ્તીવાળાં ગામડાં આવેલાં છે.

ઇતિહાસ : સંગમયુગ-ઈસુની પહેલી પાંચ સદી દરમિયાન આ વિસ્તાર એઝિમલા રાજ્યના અમલ હેઠળ હતો. તેનું પાટનગર એઝિમલા હતું. નન્માન ત્યાંનો નામાંકિત રાજા થઈ ગયો. તેણે તેના રાજ્યનો વિસ્તાર કર્યો હતો. વંચીના ચેરા વંશના શાસક સાથે તેને સંઘર્ષ થયો અને તેની સાથેની લડાઈમાં તે માર્યો ગયો. ઈ.સ. 1498થી આ પ્રદેશમાં પોર્ટુગીઝો આવ્યા. તેમણે કાનાનોરનો કિલ્લો કબજે કરીને તેને ફોર્ટ સેન્ટ એન્જેલો નામ આપ્યું. ફેબ્રુઆરી 1663માં ડચ લોકોએ તે કિલ્લો કબજે કર્યો. ડચોએ ત્યાંના કોલાથીરી રાજા સાથે સંધિ કરી, તે મુજબ કાનાનોર શહેર ડચોને આપવામાં આવ્યું. ફેબ્રુઆરી 1766માં હૈદરઅલીએ ત્યાં સત્તા મેળવ્યા બાદ, કાલિકટ સુધી સર્વોપરીતા સ્થાપી. હૈદરઅલીના મૃત્યુ બાદ, મલબારના ઇતિહાસમાં ટીપુના વિજયો મહત્વના છે. અંગ્રેજોના લશ્કરે શ્રીરંગપટ્ટમ્ તરફ કૂચ કરવાથી, ટીપુએ કેરળમાંથી મૈસૂર તરફ પીછેહઠ કરી. ઈ.સ. 1792ની શ્રીરંગપટ્ટમની સંધિથી મલબારનો બધો પ્રદેશ અંગ્રેજોને મળ્યો. 1956માં રાજ્યની પુનર્રચના થઈ ત્યારે આ પ્રદેશ કેરળમાં જોડાયો.

ગિરીશભાઈ પંડ્યા

જયકુમાર ર. શુક્લ