કદંબ વંશ : માનવ્ય ગોત્રના અહિચ્છત્રના બ્રાહ્મણ મયૂર શર્માએ સ્થાપેલો વંશ. વેદના વિશેષ અધ્યયન માટે મયૂર શર્મા કાંચીપુરમ્ ગયા હતા. ત્યાં પલ્લવરાજના અધિકારીએ તેમનું અપમાન કરતાં તેમણે શાસ્ત્રો છોડીને શસ્ત્રો ધારણ કર્યાં અને શ્રીપર્વત (શ્રીશૈલ) આસપાસનો જંગલવાળો પ્રદેશ કબજે કરી કદંબ વંશની સ્થાપના કરી. સામનીતિ અપનાવી તથા આક્રમણ કરી તેમણે પશ્ચિમ કિનારાનો મેદાનનો પ્રદેશ હસ્તગત કર્યો. ચંદવલ્લીય અભિલેખ પ્રમાણે આંભીર, ત્રૈકૂટક, પારિયાત્રિક, શકસ્તાન, પુનાટ, મોકરી વગેરે પ્રદેશો તેમણે જીતી લીધા હતા. પણ તાલગુંડના સ્તંભલેખમાં આ ઉલ્લેખ નથી. તેમણે ગુપ્તવંશીય રાજકુમારને પોતાની પુત્રી પરણાવી હતી. બીજા મત પ્રમાણે ચુટિશાતકર્ણીઓને હરાવી કર્ણાટકમાં પલ્લવોની પાડોશમાં શાતવાહનોના પતન પછી તેમણે રાજ્ય સ્થાપ્યું હતું. તે કુંતલ અને ગોવાના શાસનકર્તા હતા. અનુશ્રુતિ પ્રમાણે કદંબના ઝાડ નીચે ત્યજાયેલા આ બાળકને એક વનવાસીએ અપનાવ્યું હતું. આ કારણે તેમના વંશને કદંબ નામ મળ્યું છે. મયૂર શર્માએ ઈ. સ. 340-370 સુધી રાજ્ય કર્યું હતું.
તેમના પુત્ર કંગ વર્માએ બ્રાહ્મણસૂચક શર્મા ત્યાગીને ક્ષત્રિયસૂચક વર્મા ઉપપદ સ્વીકાર્યું હતું. કંગ વર્માનું ધર્મમહારાજાધિરાજ બિરુદ હતું. કંગ વર્મા, ભગીરથ, રઘુ, કાકુત્સ વર્મા, શાંતિ વર્મા, મંગેશ વર્મા અને હરિ વર્મા ઈ. સ. 370થી 547 દરમિયાન થઈ ગયા. હરિ વર્માએ પુલકેશી પ્રથમનું સામંતપણું સ્વીકારતાં તેની સત્તા નષ્ટ થઈ હતી. શાંતિ વર્માના ભાઈ કુમાર વર્માએ બીજી શાખા સ્થાપી. આ વંશના માંધાતૃ વર્મા અને રવિ વર્મા પૈકી છેલ્લા રવિ વર્માના વખતમાં આ શાખા નષ્ટ થઈ (ઈ. સ. 475-497). શાંતિ વર્માના બીજા ભાઈ કૃષ્ણ વર્માએ હળેબીડ કે ત્રિપર્વતમાં 475માં સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું હતું. વિષ્ણુ વર્મા, સિંહ વર્મા, કૃષ્ણ વર્મા બીજા અને અભય વર્મા 495–606 દરમિયાન થઈ ગયા. અજય શર્માએ સ્વતંત્ર થવા પ્રયત્ન કરતાં ચાલુક્ય પુલકેશી બીજાએ તેને હરાવીને આ વંશનો અંત આણ્યો હતો. મયૂર શર્માએ અઢાર અશ્વમેધ યજ્ઞો કરાવ્યા હતા. કૃષ્ણ વર્મા બીજાએ સ્વતંત્ર થયા બાદ અશ્વમેધ યજ્ઞ કરેલો. 300 વર્ષ પછી વનવાસી અને હાંગલની (જિ. ધારવાડ) સંયુક્ત શાખાના કદંબ વંશમાં ઈડિવબેદંગ દવે (967-980) રાજા થયો. છેલ્લા રાજા પુરંદરરાયને 1347માં વિજયનગરે હાર આપતાં આ વંશ નષ્ટ થયો. ગોવાના જયકેશીની કન્યા મીનલદેવી ગુજરાતના કર્ણદેવને પરણી હતી. આ જયકેશી કદંબ વંશની બીજી શાખાના હતા અને તેના પિતા અને દાદા સોમનાથના ભક્ત હતા. ગુજરાતના પ્રશ્નોરા નાગરો અહિચ્છત્રા બ્રાહ્મણ તરીકે ઓળખાય છે તે સૂચક છે.
શિવપ્રસાદ રાજગોર