કદંબ : દ્વિદળી વર્ગમાં આવેલા રુબિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Anthocephalous chinensis (Lam.) A. Richex Walp. syn. A. cadamba (Roxb.) Miq., A. indicus A. Rich. (સં., હિં. કદંબ; મ. કળંબ; તા. કદંબા; તે. કદમચેટુ; ક. કડઉ, કડંવા, કડવાલમર; અં. વાઇલ્ડ સિંકોના) છે. તેના સહસભ્યોમાં હલદરવો, ધારા, પિત્તપાપડો, મીંઢળ, માલણ, ગંધરાજ વગેરેનો સમાવેશ થાય છે. ધારાકદંબ, રાજકદંબ, ધૂલીકદંબ, ભૂમિકદંબ અને કદંબિકા કદંબથી અલગ પ્રકારની વનસ્પતિઓ છે.
તે 37.5 મી.ની ઊંચાઈ અને 2.4 મી.નો ઘેરાવો ધરાવતું, મોટું, પર્ણપાતી વૃક્ષ છે. તેનું મુખ્ય થડ લગભગ 9.0 મી. ઊંચું હોય છે અને શાખાઓ આડી ફેલાતી હોય છે. આ વૃક્ષ ઝડપથી વૃદ્ધિ સાધે છે. તે સમગ્ર ભારતમાં થાય છે. વ્રજભૂમિમાં એક વખતે કદંબનાં ઘણાં વૃક્ષો હતાં. તે જ પ્રમાણે ડીસા-ધાનેરાના રસ્તા પર કદંબ ખૂબ જ ઊગે છે. તેની છાલ ભૂખરા રંગની અને ચિરાયેલી હોય છે. પર્ણો સાદાં, સંમુખ, ચર્મિલ (coriaceous), પહોળાં અંડાકાર કે ઉપવલયી-લંબચોરસ (elliptic-oblong), 7.5-18.0 સેમી. × 4.5-16.0 સેમી. અને ઉપપર્ણીય (stipulate) હોય છે. ઉપપર્ણો આંતરવૃંતીય (interpetiolar) પ્રકારનાં હોય છે. પુષ્પવિન્યાસ ગોળાકાર મુંડક (head), પીળો, અગ્રસ્થ (terminal) અને એકાકી હોય છે અને લગભગ 3.7 સેમી. વ્યાસ ધરાવે છે. પુષ્પ નાનાં, પીળાં કે નારંગી રંગનાં, અત્યંત સુગંધિત, નિયમિત અને ઉપરિજાય (epigynous) હોય છે. ફળ ચપટાં, ખૂણાવાળાં અને પ્રાવર (capsule) પ્રકારનાં હોય છે અને માંસલ, નારંગી રંગનું ગોળાકાર કૂટ ફલાવરણ (pseudocarp) તથા દીર્ઘસ્થાયી (persistent) વજ્ર ધરાવે છે. બીજ નાનાં અને શેતૂરરૂપ (muriculate) હોય છે.
તે ભેજવાળાં, ઉષ્ણ, પર્ણપાતી અને સદાહરિત જંગલોમાં થાય છે. તે ઉપહિમાલય (sub-Himalayan) માર્ગ – નેપાળથી શરૂ કરી પૂર્વ તરફ પશ્ચિમ બંગાળની દાર્જિલિંગ તેરાઈની નીચી ટેકરીઓ પર, બિહારમાં છોટાનાગપુર, ઓરિસા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરળ, પશ્ચિમ ઘાટ અને આંદામાનમાં વિપુલ પ્રમાણમાં થાય છે. મોટા વહેળાઓના કિનારે ભેજવાળી જમીનમાં તેનું ઊગવું ખૂબ સામાન્ય છે. તેને શોભન-વૃક્ષ તરીકે અને છાયા-વૃક્ષ તરીકે સમગ્ર ભારતમાં ઉગાડવામાં આવે છે. તે ઊંડી, સારી નિતારવાળી, ભેજયુક્ત કાંપવાળી ભૂમિમાં અને 150 સેમી.થી 500 સેમી. વાર્ષિક વરસાદમાં સારી રીતે થાય છે.
તે પ્રકાશાપેક્ષિત (light demanding) છે. તેના તરુણ રોપ શુષ્કતાસંવેદી હોય છે, છતાં મૃદામાં વધુ પડતો ભેજ હોય તો ઢળી પડે છે. તે અત્યંત હિમ-સંવેદી હોય છે અને છાંયડામાં થોડોક સમય ટકી શકે છે. રોપાઓને કીટકો, ઢોર અને હરણ ખાતાં હોવાથી પુષ્કળ નુકસાન પહોંચાડે છે. વૃક્ષ દ્વારા ઝાડીવન (coppice) ખૂબ ઝડપથી તૈયાર કરી શકાય છે. તેના પર વાંદા (Dendrophthoe falcata) નામની અર્ધપરોપજીવી (semiparasite) વનસ્પતિ થાય છે. કેટલાક કીટકોની ઇયળો અને ભમરા તેના કાષ્ઠનો નાશ કરે છે. કેટલીક ઇયળો વૃક્ષનું વિપત્રણ (defoliation) કરે છે. વૃક્ષનાં હવાઈ અંગોને Gloeosporium anthocephali ચેપ લગાડે છે.
ગરમ ઋતુમાં પર્ણો ખરી પડે છે અને પુષ્પો મેથી જુલાઈ સુધીમાં અથવા પશ્ચિમના દરિયાકિનારાના પ્રદેશોમાં ડિસેમ્બરથી માર્ચ દરમિયાન આવે છે. ફળ ઑગસ્ટથી સપ્ટેમ્બરમાં અથવા પશ્ચિમ બંગાળમાં જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં આવે છે. ફળ ખૂબ નાનાં બીજ (વજન, 935 બીજ/ગ્રા.) ધરાવે છે. ફળ એકત્રિત કરી છાંયડામાં ત્રણથી ચાર દિવસ માટે કોહાવાવા દેવામાં આવે છે. પાણીમાં ગર ધોઈ બીજ એકત્રિત કરી તેમને અલગ કરવામાં આવે છે અને સૂકવી શુષ્ક સ્થાને સંગૃહીત કરવામાં આવે છે. તેની બીજાંકુરણક્ષમતા સારી હોય છે. તેનું પ્રસર્જન બીજ દ્વારા કે પ્રરોહ અથવા મૂળના કટકારોપણ દ્વારા થાય છે.
પાકાં ફળો ખાટાં અને આનંદદાયી સુગંધીવાળાં હોય છે. તે કાચાં કે રાંધીને ખવાય છે. જોકે તે પાચનક્રિયા પર ખરાબ અસર કરે છે. છતાં જીરા અને ખાંડમાં બનાવેલો ફળનો રસ બાળકોને જઠરની તકલીફોમાં આપવામાં આવે છે. ફળની શીતળ અસર હોય છે અને કફ અને રુધિરની અશુદ્ધતાઓનો નાશ કરે છે. તાવમાં તૃષા છિપાવવા માટે ફળનો રસ આપવામાં આવે છે. પ્રાણીઓ પણ આ ફળ ખાય છે.
પુષ્પોનો શાકભાજી તરીકે ઉપયોગ થાય છે. બાષ્પનિસ્યંદન દ્વારા પુષ્પોમાંથી બાષ્પશીલ તેલ (0.008 %) પ્રાપ્ત કરવામાં આવે છે. પર્ણોનો ઢોરોના ચારા માટે ઉપયોગ થાય છે. કોમળ પર્ણો સહેજ સુગંધિત હોય છે અને તેમનો સ્વાદ સારો હોતો નથી. પાકાં પર્ણો ગંધવિહીન અને ખાટાં હોય છે. તેઓ પોષક, સંકોચક (astringent) અને કડવાં હોય છે. તેનો કાઢો એપથી (aphthae) અને મુખપાક(stomatitis)માં ઉપયોગી હોય છે. પર્ણનું એક રાસાયણિક વિશ્ર્લેષણ આ પ્રમાણે છે : શુષ્ક દ્રવ્ય 30 %, અશુદ્ધ પ્રોટીન 21.3 %, હેમીસૅલ્યુલોસ 13.8 %, લિગ્નિન 8.3 %, સૅલ્યુલોસ 11.7 %, કૅલ્શિયમ 2.72 %, ફૉસ્ફરસ 0.25 % અને સિલિકા 0.5 %. પર્ણોનો મિથેનોલિક નિષ્કર્ષ કૅડેમ્બિન, કૅડેમિન, આઇસોકૅડેમિન, 3 α-ડાઇહાઇડ્રૉકૅડેમ્બિન, 3 α-આઇસોડિહાઇડ્રૉકૅડેમ્બિન, 3 β-ડાઇહાઇડ્રૉકૅડેમ્બિન અને 3 β-આઇસોડીહાઇડ્રૉકૅડેમ્બિન ધરાવે છે. પર્ણોમાં હેન્ટ્રાઇઍકોન્ટેનોલ અને β-સીટોસ્ટેરોલ હોય છે.
પ્રકાંડની છાલ બલ્ય, સંકોચક, જ્વરહર અને મૂત્રલ ગુણધર્મો ધરાવે છે અને કફમાં આપવામાં આવે છે. છાલનો રસ નેત્રશોથની સારવારમાં અપાતા ઔષધનું એક ઘટક છે. છાલનું ઈથર દ્રાવ્ય ઍલ્કેલૉઇડ પ્રતિ-જીવાણુક સક્રિયતા દાખવે છે. શુષ્ક પ્રકાંડની છાલ સેપોજેનિન, કૅડેમ્બેજિનિક ઍસિડ (C30H46O5), ક્વિનૉવિક ઍસિડ, b-સીટોસ્ટેરોલ અને ચાર સેપોનિન – A, B (C48H76O17), C (C48H76O9) અને D (C56H90O23) ધરાવે છે. સેપોનિન A અને B, જલાપઘટન દ્વારા કૅડેમ્બેજેનિક ઍસિડ અને સેપોનિન Aના કિસ્સામાં D-ગ્લુકોઝ અને L-રહેમ્નોઝ અને સેપોનિન Bના કિસ્સામાં L-ફ્રૂક્ટોઝ અને L-રહેમ્નોઝ ઉત્પન્ન કરે છે. સેપોનિન C અને D ક્વિનૉવિક ઍૅસિડ અને સેપોનિન Cમાં D-ગ્લુકોઝ, L-ફ્યુકોઝ અને સેપોનિન Dમાં L-રહેમ્નોઝ અને L-ફ્યુકોઝ ઉત્પન્ન કરે છે. શુષ્ક છાલમાં સ્ટૅરોઇડ, આલ્કેલૉઇડ, લિપિડ અને રિડ્યુસિંગ શર્કરાઓ હોય છે. છાલમાં ટેનિન (4.61 %) હોય છે.
આયુર્વેદ અનુસાર તે તીખું, કડવું, તૂરું, ખારું, શુક્રવર્ધક, શીતળ, ગુરુ, વિષ્ટંભકારક, રૂક્ષ, સ્તન્યપ્રદ, ગ્રાહક અને વર્ણકર હોય છે. તે રક્તરોગ, પિત્ત, કફ, વ્રણ, દાહ, વિષ, મૂત્રકૃચ્છ અને વાયુનો નાશ કરે છે.
તેના અંકુર તૂરા, શીતવીર્ય, અગ્નિદીપક અને હલકા હોય છે અને અરુચિ, રક્તપિત્ત અને અતિસાર દૂર કરે છે. તેનાં ફળ રુચિકારક, ભારે, ઉષ્ણવીર્ય અને કફકારક હોય છે. પાકાં ફળ કફકર, પિત્તકારક અને વાતનાશક હોય છે. નાનાં બાળકોને ગળું પડે તે ઉપર, આંખો દુખવા આવે તે ઉપર અને મુખરોગ ઉપર તેનો ઉપયોગ કરવામાં આવે છે.
કદંબનું કાષ્ઠ સફેદ કે આછા પીળા રંગનું કે પીળાશ પડતું સફેદ હોય છે. રસકાષ્ઠ (sapwood) અને અંત:કાષ્ઠ (heartwood) ઓળખી શકાતાં નથી. કાષ્ઠ ચળકતું, મૃદુ અથવા કેટલીક વાર બરડ કે મધ્યમસરનું સખત, હલકું કે મધ્યમસરનું ભારે (વિ. ગુ. 0.35-74; વજન 368-800 કિગ્રા./ઘમી.) હોય છે. તે સમ (even) અને મધ્યમ-ગઠનવાળું (medium-textured) તથા સુરેખ-કણિકાયુક્ત હોય છે. તેને સહેલાઈથી લીસું બનાવી શકાય છે અને વાયુ-સંશોષણ (seasoning) પણ સરળતાથી થઈ શકે છે. તે ચિરાઈ કે વંકાઈ જવાનું વલણ ધરાવતું નથી. તે ટકાઉ હોતું નથી. તેનું કુદરતી ટકાઉપણું લગભગ 23 માસ જેટલું હોય છે. ચિકિત્સા આપેલું કાષ્ઠ ટકાઉ હોય છે. તેના કાષ્ઠની તુલનાત્મક ઉપયુક્તતા (suitability) સાગના કાષ્ઠની સાથે ટકાવારીમાં આ પ્રમાણેની છે : વજન 70, પાટડાનું સામર્થ્ય 65, પાટડાની દુર્નમ્યતા 75, થાંભલાની ઉપયુક્તતા 65, આઘાત-અવરોધક્ષમતા (shock-resisting ability) 80, આકારની જાળવણી 75, અપરૂપણ (shear) 85 અને કઠોરતા 60.
કાષ્ઠ પ્લાયવૂડ, પૅકિંગ માટેની અને ચાની પેટીઓ બનાવવામાં ઉપયોગી છે. તેનો ઉપયોગ પાટડા તરીકે, તરાપા અને હલકાં હોડકાં બનાવવામાં, કોતરકામ અને હલકા બાંધકામમાં થાય છે. તે ખરાદીકામ, બૉબિન, ગાડાના આરા, શણની મિલનાં રીલ, ભારેમાંની પેન્સિલો, ચીપ (veeneer), સસ્તું રાચરચીલું વગેરે બનાવવામાં વપરાય છે.
કાષ્ઠના એક રાસાયણિક મુજબ તે સૅલ્યુલોસ 59.9 %, લિગ્નિન 23.1 %, પેન્ટોસન 15.6 % અને ભસ્મ 1.3 % હોય છે. અંત:કાષ્ઠ કૅડેમ્બિન, 3 a-ડાઇહાઇડ્રૉકૅડેમ્બિન અને આઇસોડાઇહાઇડ્રૉ-કૅડેમ્બિન ધરાવે છે.
શોભન વસાણી
મ. ઝ. શાહ
બળદેવભાઈ પટેલ