કતારગામ

January, 2006

કતારગામ : ગુજરાતમાં સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકામાં 21o 10′ ઉ. અ. અને 72o પૂ. રે. ઉપર સુરતથી 3.2 કિમી.ના અંતરે આવેલું ગામ. અગાઉ અહીં મોટું વન હતું તે કારણે તેનું કાંતારગ્રામ નામ પડ્યું હતું. તે તાપીને કાંઠે છે અને તેના ભાઠાની જમીન ફળદ્રૂપ છે; તેથી શાકભાજીનું વાવેતર વિશેષ છે. કતારગામની પાપડી વખણાય છે. કંટલેશ્વર મહાદેવનું મંદિર પ્રાચીન આવેલું છે અને શ્રાવણ માસમાં ત્યાં મેળો ભરાય છે. નજીક કુંડ છે. ભરૂચ અને વલસાડ સુધીના લોકો આ મંદિરના દર્શનાર્થે આવે છે. જૈનોનાં મંદિરો પણ સુંદર છે. અહીં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ છે. 1938માં અહીં બુનિયાદી અધ્યાપન મંદિર ગુજરાતમાં સૌપ્રથમ ખોલવામાં આવ્યું હતું. પુસ્તકાલય, ધર્મશાળા, તાર, ટપાલ અને ટેલિફોનની સગવડો છે. નદીકાંઠાને કારણે રમ્ય વાતાવરણ છે અને આબોહવા સમધાત છે.

વલભીના મૈત્રક રાજાઓના રાજ્યમાં કંતારગ્રામ વિષય નામે વહીવટી વિભાગ હતો. એમાં 116 ગ્રામ આવેલાં હતાં. એનું વડું મથક કંતારગ્રામ હતું. આ પ્રદેશ પશ્ચિમે સમુદ્રતટ સુધી અને ઉત્તર-દક્ષિણ તાપીથી મીંઢોળા સુધી વિસ્તૃત હતો. અનુ-મૈત્રકકાલમાં એ રાષ્ટ્રકૂટ રાજ્યનો પ્રદેશ હતો. એમાં મીંઢોળા નદીને ઉત્તરે તીરે કાંપિલ્ય વિહાર નામે બૌદ્ધ વિહાર હતો. કાંપિલ્ય એ હાલનું કાપલેથા (તા. ચોર્યાસી) છે.

શિવપ્રસાદ રાજગોર

હરિપ્રસાદ ગં. શાસ્ત્રી