કણ્હચરિય (કૃષ્ણચરિત્ર) : પ્રાકૃત ભાષાનો ચરિત્રગ્રંથ. કર્તા દેવેન્દ્રસૂરિ. રામના ચરિત્રની જેમ શ્રીકૃષ્ણચરિત્રની અનેક રચનાઓ પ્રાકૃતમાં મળે છે. દેવેન્દ્રસૂરિ જગચ્ચન્દ્રસૂરિના શિષ્ય હતા અને 1270માં વસ્તુપાલ મંત્રી સમક્ષ આબુ પર તેમને સૂરિપદ મળેલું.
આ ચરિત્રગ્રંથમાં જૈન પુરાણકલ્પના અનુસાર વસુદેવના પૂર્વભવ, કંસનો જન્મ, વસુદેવના પ્રવાસો અને અનેક રાજકન્યાઓ સાથે પાણિગ્રહણ, દેવકી સાથે લગ્ન, ચારુદત્તનું વૃત્તાંત, કૃષ્ણ અને બલદેવના પૂર્વભવ, નારદનું વૃત્તાંત, કૃષ્ણજન્મ, નેમિનાથનો પૂર્વભવ, નેમિનો જન્મમહોત્સવ, કંસવધ, પ્રદ્યુમ્નનો જન્મ, દ્રૌપદીના પૂર્વભવ, દ્વારિકાનગરીનું નિર્માણ, જરાસંધ સાથે યુદ્ધ, નેમિનાથ અને રાજિમતીના વિવાહ, નેમિનાથની દીક્ષા, દ્રૌપદીનું હરણ, ગજસુકુમારનું વૃત્તાંત, ઢંઢણઋષિની કથા, રથનેમિ-રાજિમતી વચ્ચેનો સંવાદ, દ્વીપાયન દ્વારા દ્વારિકાનું દહન, કૃષ્ણનું મૃત્યુ, બલદેવનો વિલાપ, પાંડવોની દીક્ષા અને નેમિનાથનું નિર્વાણ – એમ અનેક વિષયોની વર્ણનસભર રજૂઆત જોવા મળે છે.
શ્રીકૃષ્ણ મૃત્યુ બાદ ત્રીજા નરકમાં ગયા છે અને આગળ પર અમમ નામના તીર્થંકર થશે તેમ પણ તેમાં કહ્યું છે.
રમણિકભાઈ મ. શાહ