કણિયા, હરિલાલ જેકિસનદાસ (જ. 3 નવેમ્બર 1890, નવસારી; અ. 6 નવેમ્બર 1951, ન્યૂ દિલ્હી) : વિખ્યાત ભારતીય ન્યાયવિદ તથા સ્વતંત્ર ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના પ્રથમ મુખ્ય ન્યાયમૂર્તિ. ભાવનગરના જૂના દેશી રાજ્યના વતની. શામળદાસ કૉલેજ, ભાવનગરમાંથી બી.એ. તથા ગવર્નમેન્ટ લૉ કૉલેજ, મુંબઈમાંથી એલએલ.બી.ની પરીક્ષાઓ પસાર કરી. 1915માં વડી અદાલતની ઍડવોકેટ(O.S.)ની પરીક્ષા પાસ કર્યા પછી મુંબઈમાં વકીલાત કરી (1915-33). જાતમહેનત તથા વિદ્યાવ્યાસંગને લીધે વ્યાવસાયિક કારકિર્દીમાં ઝડપથી પ્રગતિ કરી. 1933માં મુંબઈની વડી અદાલતના ન્યાયમૂર્તિ નિમાયા. 1944 તથા 1945માં બે વાર તેઓ અદાલતના કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિપદે કાર્ય કર્યું. 1946માં ભારતીય સંઘરાજ્યની અદાલત ફેડરલ કોર્ટમાં ન્યાયમૂર્તિપદે નિમાયા, જ્યાં 1947-50 દરમિયાન મુખ્ય ન્યાયાધીશપદે કાર્ય કર્યું. 26 જાન્યુઆરી, 1950ના રોજ સ્વતંત્ર ભારતના સર્વોચ્ચ ન્યાયાલયની સ્થાપના થતાં તેના પ્રથમ મુખ્ય ન્યાયમૂર્તિ થવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું. (1950-51).
તે દીવાની તથા બંધારણીય કાયદાના નિષ્ણાત ગણાતા હતા.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે