કણી અથવા કપાસી

January, 2006

કણી અથવા કપાસી (corn, clavus) : સતત દબાણ કે ઘર્ષણને કારણે ચામડીનું ઉપલું પડ જાડું થઈને નીચેના પડમાં ખૂંપતાં ઉદભવતો વિકાર. શરીર પર કોઈ એક જગ્યાએ સતત ઘસારા કે દબાણને કારણે ચામડીનું શૃંગીસ્તર અતિવિકસન પામીને જાડું થઈ જાય છે. તેને અતિશૃંગીસ્તરિતા (hyperkeratosis) તેને આંટણ (callosity) કહે છે. દા.ત., માળીના હાથમાં, વાયોલિન વગાડનારની કે દરજીની આંગળીને ટેરવે કે હાડકાના આગળ પડતા ભાગ પરની ચામડીમાં. તે પીળાશ પડતા છીંકણી રંગની ચકતી જેવી હોય છે અને મોટેભાગે કોઈ વિશેષ તકલીફ કરતી નથી. સામાન્ય રીતે પગના તળિયે થતી કણીમાં સ્પર્શવેદના(tenderness)ને કારણે ચાલતી વખતે દુખાવો થાય છે.

(અ) આંટણ, (આ) કણી, (1) અધિત્વચા, (2) ત્વચા (dermis)

ટૂંકાં પડતાં પગરખાં(બૂટ)ને કારણે હાડકાના આગળ પડતા ભાગ પર કઠણ કણી પડે છે. આંગળીઓ વચ્ચેની ફાડમાં સતત પરસેવો થવાથી ચામડીને નુકસાન થાય ત્યારે મૃદુ કણી પડે છે. આંગળીઓની જન્મજાત વિકૃતિ હોય તો કણી પડવાની શક્યતા વધુ રહે છે. ઊંધા શંકુ આકારની કણી સંવેદના-ચેતાઓ (sensory nerves) પર દબાણ કરીને દુખાવો કરે છે. કણી અને આંટણને 20 % કે 40 % સેલિસિક ઍસિડ લગાવી, રાત્રિ દરમિયાન પ્લાસ્ટિકના આવરણથી ઢાંકીને પોચી પાડવામાં આવે છે. ત્યારબાદ તેને કાપીને કાઢી શકાય છે. ક્યારેક પ્રવાહીકૃત નાઇટ્રોજનની મદદથી શીતશસ્ત્રક્રિયા (cryosurgery) કરાય છે અથવા વીજદાહક (electric cautory) વડે કાપીને બાળી નખાય છે. મધુપ્રમેહ અને નસોના અથવા રુધિરાભિસરણના વિકારવાળા દર્દીમાં કણીની સારવાર વિશેષ આવડત માગી લે છે. કણી તથા આંટણને નિદાન અર્થે વિષાણુજન્ય મસા(warts)થી અલગ તારવવાં જરૂરી ગણાય છે.

રંજન એમ. રાવલ

શિલીન નં. શુક્લ