કણિયા મધુકર હીરાલાલ

January, 2006

કણિયા, મધુકર હીરાલાલ (જ. 18 નવેમ્બર 1927, મુંબઈ) : ભારતના અગ્રગણ્ય ધારાશાસ્ત્રી તથા સર્વોચ્ચ અદાલતના પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ (1991). મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજ તથા એલ્ફિન્સ્ટન કૉલેજમાં સ્નાતક-કક્ષા સુધીનું શિક્ષણ લીધા પછી સરકારી લૉ કૉલેજમાંથી કાયદાની સ્નાતક કક્ષાની પદવી પ્રાપ્ત કરી (1949) અને તરત જ મુંબઈની વડી અદાલતમાં વકીલાત શરૂ કરી. 1949-50 દરમિયાન સરકારી લૉ કૉલેજમાં ફેલો તરીકે કામ કર્યું. 1964-67ના ગાળામાં આસિસ્ટન્ટ ગવર્નમેન્ટ પ્લીડર તથા 1967-69 દરમિયાન ગવર્નમેન્ટ પ્લીડર તરીકે સેવા આપી. 1969માં તે જ અદાલતના કાયમી ન્યાયાધીશ તરીકે નિમાયા. ઑક્ટોબર 1985માં તે અદાલતના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ બન્યા. મે 1987માં ભારતની સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ તથા ડિસેમ્બર 1991માં મુખ્ય ન્યાયમૂર્તિ નિમાયા. મુખ્ય ન્યાયમૂર્તિ તરીકેનો તેમનો કાર્યકાળ 18 નવેમ્બર 1992 સુધીનો હતો. બંધારણીય તથા શ્રમિક કાયદાના તે નિષ્ણાત છે. ન્યાયમૂર્તિપદેથી તેમણે આપેલા કેટલાક ચુકાદા માર્ગદર્શક નીવડ્યા છે; દા.ત., એક ચુકાદામાં તેમણે આદેશ આપ્યો હતો કે કોઈ પણ કર્મચારીને નોકરીમાંથી ફારેગ કરતા પહેલાં તેને નોટિસ આપવી જોઈએ તથા નોકરીમાંથી ફારેગ કરવાનાં કારણોની ચકાસણી થવી જોઈએ. મુંબઈની વડી અદાલતમાંથી સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિપદે પહોંચનારા તે પાંચમા ન્યાયમૂર્તિ હતા. પ્રવાસ, વાચન તથા રમતગમત એ તેમના શોખના વિષયો છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે