કણિકાયન

January, 2006

કણિકાયન (granulation) : સૂર્યની સપાટી (photosphere) પર આવેલી અને એકસરખી પ્રકાશિત નહિ તેવી સફેદ કણિકાઓનો સમૂહ. સોલર દૂરબીન વડે, યોગ્ય ન્યૂટ્રલ ડેન્સિટી ફિલ્ટર વાપરી, પ્રકાશની તીવ્રતા અનેકગણી ઘટાડીને અવલોકન કરતાં અથવા આવા દૂરબીન વડે ઉચ્ચ ક્ષમતા ધરાવતા ફોટોગ્રાફ લેતાં કણિકાઓના આ સમૂહને જોઈ શકાય છે. આવી કણિકાઓના સર્જન પાછળનું રહસ્ય, ફોટોસ્ફિયરના નીચલા સ્તરોમાં થતી ઉષ્ણતાનયન-(convection)ની પ્રક્રિયા છે. તેમાં વધુ તાપમાને આવેલો વાયુ નીચેથી ઉપરની તરફ ગતિ કરે છે અને તેથી ઊલટું, નીચા તાપમાને રહેલો વાયુ ઉપરથી નીચેની તરફ ગતિ કરે છે. કણિકાઓ, નીચેથી ઉપરની તરફ જઈ રહેલા વધુ ગરમ વાયુનો જથ્થો દર્શાવે છે. તેમનું કદ આશરે 1,000 કિમી. સુધી વિસ્તરેલું હોય છે. એક કણિકાનો જીવનકાળ આશરે 10 મિનિટ જેટલો હોય છે. આમ, કણિકાઓના સર્જન અને વિસર્જનની ઘટના થતી જ રહે છે.

જ્યોતીન્દ્ર ન. દેસાઈ