કણિકાકોષ-અલ્પતા (granulocytopenia) : કણિકાકોષ (granulocytes) નામના લોહીમાંના શ્વેતકોષોની સંખ્યામાં ઘટાડો થવો તે. લોહીના શ્વેતકોષોનાં ત્રણ જૂથ છે : લસિકાકોષો (lymphocytes), એકકોષો (monocytes) અને કણિકાકોષો. કણિકાકોષોના પણ ત્રણ પ્રકાર છે : તટસ્થ શ્વેતકોષો અથવા સમરાગીકોષો (neutrophils), ઇયોસિનરાગીકોષો (eosinophils) અને બેઝોરાગીકોષો (basophils). સામાન્ય રીતે પુખ્ત વયની વ્યક્તિના 1 લિટર લોહીમાં શ્વેતકોષોની સંખ્યા (4થી 11) × 109 હોય છે તથા તટસ્થ શ્વેતકોષોની સંખ્યા 2 × 109 હોય છે. તટસ્થ શ્વેતકોષોની સંખ્યા 1.5 × 109/ લિટરથી ઘટે ત્યારે તેને તટસ્થ શ્વેતકોષ-અલ્પતા (neutropenia) કહે છે. તટસ્થ શ્વેતકોષો સૂક્ષ્મજીવોનું કોષભક્ષણ (phagocytosis) કરીને શરીરમાં લાગતા ચેપથી રક્ષણ કરે છે માટે તેમની સંખ્યા 1 × 109/લિટરથી ઘટે ત્યારે ઘણી વખત તીવ્ર, જોખમી અને વારંવાર લાગતો ચેપ થાય છે અને જો તે થોડા દિવસો માટે 1 × 109 / લિટરથી ઓછી હોય તો આવો ચેપ અનિવાર્યપણે થાય છે. કણિકાકોષ-અલ્પતા તથા તટસ્થ શ્વેતકોષ-અલ્પતા એમ બંને શબ્દોને એકબીજાના પર્યાય તરીકે વાપરવામાં આવે છે.
તટસ્થ શ્વેતકોષોના પાંચ સમૂહો છે : હાડકાંના પોલાણમાં આવેલી અસ્થિમજ્જા (bone marrow) નામની મૃદુપેશીમાં ઉત્પાદન પામતો સમૂહ, અસ્થિમજ્જામાં સંગૃહીત સમૂહ, લોહીમાં પરિભ્રમણ કરતો સમૂહ, લોહીની નસોની દીવાલ પર સ્થાપિત (marginated) સમૂહ અને પેશીઓમાં પ્રવેશેલો સમૂહ. અસ્થિમજ્જાના રોગો અને વિકારોમાં ઉત્પાદન પામતા સમૂહના તથા/અથવા સંગૃહીત સમૂહના તટસ્થ શ્વેતકોષોની સંખ્યા ઘટે છે. જ્યારે લોહીની નસોની દીવાલ સાથે વધુ પ્રમાણમાં કોષો સ્થાપિત થઈને રહે ત્યારે પરિભ્રમણ કરતા શ્વેતકોષોનું પ્રમાણ ઘટે છે. તેને છદ્મ તટસ્થ શ્વેતકોષ-અલ્પતા (pseudo-neutropenia) કહે છે. પેશીમાં થયેલા ચેપને કારણે કે અન્ય કારણોસર તટસ્થ શ્વેતકોષો નાશ પામે ત્યારે પણ લોહીમાં તેમની સંખ્યા ઘટે છે. આવા વિકારોને સારણી 1 અને 2માં દર્શાવ્યા છે.
સારણી 1 : તટસ્થ શ્વેતકોષ–અલ્પતાવાળા વિકારોમાં તટસ્થ શ્વેતકોષોનાં વિવિધ જૂથોમાં કોષોની સંખ્યા
વિકારનો
પ્રકાર |
અસ્થિમજ્જામાં
તટસ્થ શ્વેતકોષો |
લોહીમાં તટસ્થ
શ્વેતકોષો |
પેશીમાં
તટસ્થ |
|||
ઉત્પાદન
જૂથ |
સંગૃહીત
જૂથ |
પરિભ્ર–
મિત જૂથ |
સ્થાપિત
જૂથ |
શ્વેતકોષો
પ્રવેશેલું કાર્યરત જૂથ |
||
1. | અસ્થિમજ્જાને
ઈજા |
ઘટેલી |
ઘટેલી |
ઘટેલી |
ઘટેલી |
ઘટેલી |
2. | અસ્થિમજ્જાના
કોષોનો પુખ્તતા પામવામાં ઘટાડો |
વધુ |
ઘટેલી |
ઘટેલી |
ઘટેલી |
ઘટેલી |
3. | છદ્મ-તટસ્થ
શ્વેતકોષ-અલ્પતા |
સામાન્ય |
સામાન્ય |
ઘટેલી |
વધુ |
સામાન્ય |
4. | પેશીમાં ચેપ | વધુ | ઘટેલી | ઘટેલી | ઘટેલી | વધુ |
5. | તટસ્થ શ્વેત-
કોષોનો નાશ |
વધુ |
વધુ |
ઘટેલી |
ઘટેલી |
ઘટેલી |
વિવિધ દવાઓ પણ જુદી જુદી રીતે ક્યારેક તેમનું પ્રમાણ ઘટાડે છે; દા.ત., કૅન્સર-વિરોધી દવાઓ, પ્રોકેનેમાઇડ, પ્રૉપ્રેનોલોલ, ક્વિનિડીન, ક્લૉરેમ્ફ્રેનિકોલ, પેનિસિલીનો, સલ્ફોનેમાઇડ, રીફામ્પિસીન, આઇસોનિયાઝીડ, નાઇટ્રોફ્યુરેન્ટોઇન, પાયરીમિથામિન, ફેનિટૉઇન, કાર્બામેઝેમિન, ટોબ્લ્યુટેમાઇડ, ક્લૉરપ્રૉપેમાઇડ, સિમેટિડીન, મિથાઇલ ડોપા, કેપ્ટોપ્રિલ, ફિનાયબ્યુટેઝોન, ઍમાયડોપાયરીન, થાયેઝાઇડ મૂત્રવર્ધકો, ફિનોથાયેઝાઇન જૂથ, ઇન્ટરફૅરોન, લીવામેઝોલ, દારૂ, પેનિસિલેમાઇન વગેરે.
મોટેભાગે તટસ્થ શ્વેતકોષોની અલ્પતા ટૂંકા ગાળાની અને ચેપ વગરની હોય છે, પરંતુ તીવ્ર અલ્પતા(0.5 × 109 / લિ.થી ઓછી સંખ્યા)વાળા દર્દીમાં ગળામાં તેમજ ફેફસાં, મૂત્રમાર્ગ, પ્રજનનમાર્ગ અને ચામડીમાં ચેપને કારણે ચાંદાં, ગૂમડાં, તાવ, કફ, પેશાબમાં બળતરા વગેરે વિવિધ ચિહનો જોવા મળે છે. ચેપ થતો રોકવા માટે જો ઍન્ટિબાયૉટિક દવા આપી હોય તો ક્યારેક ઔષધો સામે ટકી શકે તેવા જીવાણુઓનો તીવ્ર અને જોખમી ચેપ લાગે છે. તટસ્થ-શ્વેત કોષોની સંખ્યા ઘટાડી નાખતા રોગનું નિદાન કરવું જરૂરી છે અને તે માટે જરૂર પડ્યે અસ્થિમજ્જાનું જીવપેશીપરીક્ષણ (biopsy) કરાય છે. સારવાર માટે જરૂર પડ્યે દર્દીને અલગ (isolate) કરીને જે ચેપ લાગ્યો હોય તેની સારવાર કરાય છે. ચેપ લાગતો રોકવા પેનિસિલીન કે કૉ-ટ્રાઇમેક્સેઝોલ જરૂર પડ્યે અપાય છે. અસ્થિમજ્જામાં આદિકોષોમાંથી રુધિરકોષોના વિકસન અને સંખ્યાવૃદ્ધિ માટે કેટલાંક રસાયણો ઉત્પન્ન થતાં હોય છે. કણિકાકોષોની સંખ્યા વધારતા રસાયણને કણિકાકોષી કોષસમૂહ ઉત્તેજક ઘટક (granulocyte colony stimulating factor, G-CSF) કહે છે. તેને ઇન્જેક્શનના રૂપમાં બહારથી ઔષધ તરીકે આપવાથી કણિકાકોષની સંખ્યા વધારી શકાય છે. કેટલાક રોગોમાં પ્રતિરક્ષાદાબી (immunosuppressant)
સારણી 2 : તટસ્થ શ્વેતકોષ–અલ્પતા કરતા કેટલાક વિકારો
પ્રકાર | કારણ/ઉદાહરણ | |
1. | અસ્થિમજ્જાને
ઈજા |
(ક) કૅન્સર-વિરોધી અને પ્રતિરક્ષાદાબી
(immunosuppressive) દવાઓ, (ખ) વિકિરણ સંસર્ગ (radiation exposure), (ગ) બેન્ઝીન, ડીડીટી, ડાઇનાઇટ્રોફિનોલ, આર્સેનિક, બિસ્મથ, નાઇટ્રસ ઑક્સાઇડ (ઘ) કેટલાક જન્મજાત અને વારસાગત વિકારો (ચ) પ્રતિરક્ષાલક્ષી (immune- mediated) રોગો, (છ) વિષાણુજન્ય ચેપ; દા.ત., યકૃતશોથ (hepatitis); એઇડ્ઝ (AIDS) (જ) જીવાણુજન્ય (bacterial) ચેપ; દા.ત., ક્ષય તથા (ઝ) કૅન્સરના કોષો, તંતુતા (fibrosis), લોહીના કૅન્સરના કોષો વગેરેથી અસ્થિમજ્જાના કોષો ઘટી જવા. |
2. | અસ્થિમજ્જાના
કોષોનો પુખ્તતા પામવામાં ઘટાડો |
(ક) ફોલિક ઍસિડ અને વિટામિન B12ની ઊણપ,
(ખ) અસ્થિમજ્જાના કોષોના વિવિધ રોગો; દા.ત., મજ્જા-દુર્વિકસન સંલક્ષણ (myelodysplastic syndrome) |
3. | છદ્મ-તટસ્થ
શ્વેતકોષ અલ્પતા |
(ક) જન્મજાત અને વારસાગત, (ખ) ઉગ્ર
જીવાણુજન્ય ચેપ, (ગ) પ્રોટીન-કૅલરી કુપોષણ, (ઘ) મલેરિયા |
4. | પેશીમાં ચેપ | વિવિધ જીવાણુજન્ય ચેપ. |
5. | પેશીમાં તટસ્થ
શ્વેતકોષોનો નાશ |
(ક) ઉગ્ર ચેપ, (ખ) તત્કાલ અતિસંવેદન-
શીલતાજન્ય આઘાત(anaphylactic shock), (ગ) પ્રતિરક્ષાલક્ષી રોગો, (ઘ) બરોળની અતિકાર્યતા (hypersplenism). |
ઔષધો વપરાય છે. લિથિયમ કાર્બોનેટનો ઉપયોગ મોટેભાગે સફળ થયેલો જોવા મળતો નથી. ઉગ્ર અને તીવ્ર ચેપવાળા દર્દીમાં સામાન્ય વ્યક્તિના કણિકાકોષોને લોહીમાંથી અલગ તારવીને નસ વાટે ચઢાવાય છે. તેને કણિકાકોષ-પ્રતિક્ષેપન (granulocyte transfusion) કહે છે.
શિલીન નં. શુક્લ