કણવિભંજનક્રિયા

January, 2006

કણવિભંજનક્રિયા : ખડકોના અપક્ષયની પ્રક્રિયા. ખડકોની સપાટીના ધોવાણ પૂર્વે વિયોજન તથા વિઘટનની પ્રક્રિયાઓ સંકળાયેલી હોય છે. આ બંને પ્રક્રિયાઓ સમન્વિત (integrated) સ્વરૂપની હોય છે.

વિયોજન એ ખડકોના નૈસર્ગિક વિભંજનની પ્રક્રિયા છે જ્યારે વિઘટન તેનાં ખનિજોના રાસાયણિક ફેરફાર સાથે સંકળાયેલી પ્રક્રિયા છે. આ બંને પ્રક્રિયાઓ એકસાથે થતી હોય છે તથા તે ખડકોને અપક્ષય કે શિલાક્ષયની છેલ્લી સ્થિતિ તરફ લઈ જાય છે. ખડકો ફાટવાથી રાસાયણિક વાહકો (agents) (મુખ્યત્વે પાણી) સહેલાઈથી અંત:પ્રવેશ કરી શકે છે. તેનાથી ઊલટું, વિયોજન કે અવઘટનને લીધે ખડકોના સમૂહો નબળા થતા જાય છે, જેથી તેના ટુકડા થવાનું સહેલું બને છે.

વિઘટનની પ્રક્રિયા સહેલી હોવા છતાં જે જુદી જુદી રીતે તે થયા કરે છે. ખડકોના વિભંજનની સૌથી મહત્વની ગણાતી રીતો : (ક) સ્ફટિકના વિરૂપીકરણ દરમિયાન સાંધાઓની રચના થવી અથવા ખડકોના વિભંજન દરમિયાન તેના પર દબાણ કે તણાવ જેવાં પ્રતિબળો(stresses)ને લીધે વિકૃતિ પેદા થવી; (ખ) ખડકોની તિરાડોમાંના થીજી ગયેલા પાણીનું વિસ્તરણ (expansion); (ગ) ખડકોની તિરાડોમાં વનસ્પતિ કે છોડનાં મૂળિયાંની વૃદ્ધિને લીધે જે ફાચરો (wedging) ઊભી થાય છે તે, ઉપરાંત, ખડકોના પૃષ્ઠભાગ પર હાથથી, ભારે અથવા જલદ ગતિ ધરાવતી વસ્તુ દ્વારા કકડા કરવાથી, ભૂકો કરવાથી, ઘસવાથી અથવા ઘા કરવાથી પણ તેના નાના નાના ટુકડા મોટા ખડકોથી છૂટા પડે છે. જંગલમાં આગ લાગવાથી તાપમાનમાં થતા અતિશય વધારાને લીધે અથવા ખડકો પર વીજળી પડવાથી ખડકોનું જે વિસ્તરણ કે સંકોચન થાય છે તેને લીધે પણ તેના વિભંજનને બળ મળે છે. ખડકોનું વિઘટન તેના દળમાં સર્વત્ર જોવા મળતું હોવા છતાં, જ્યાં સ્ફટિકની વિરૂપતા (deformation) સંકેદ્રિત હોય, જ્યાં વનસ્પતિનાં મૂળ વિપુલ પ્રમાણમાં હોય અને જ્યાં વારાફરતી થીજવા અને પીગળવાની પ્રક્રિયા ચાલુ હોય ત્યાં વિઘટનની પ્રક્રિયા ખૂબ આગળ વધેલી જોવા મળે છે.

વિઘટનની પ્રક્રિયા ખડકોના વિભંજનમાં પરિણમે છે અને સામાન્ય રીતે તે કોણીય આકાર ધારણ કરે છે. જુદા જુદા પ્રકારના ખડકો, તેમની ખનિજરચના અને માળખાને આધારે શિલાક્ષયની પ્રક્રિયાની અસર અનુભવે છે. કેટલાક ખડકો કોઈ પણ પરિસ્થિતિમાં તેનો સજ્જડ પ્રતિકાર કરી શકે છે તો કેટલાક મૂળથી જ નબળા હોય છે. સર્વસામાન્ય ખડકોમાં સૌથી વધારે પ્રતિરોધક ક્વાર્ટ્ઝાઇટ ગણાય. એનું બંધારણ સઘન હોય છે અને તે મહદ્ અંશે સિલિકાના બનેલા હોય છે. મીઠાના અને પાતળાં પડવાળા ખડકો સૌથી મૃદુ અને નબળા હોય છે.

કૃષ્ણમૂર્તિ કુલકર્ણી

અનુ. બાળકૃષ્ણ માધવરાવ મૂળે