કણશ: વિસ્થાપન

January, 2006

કણશ: વિસ્થાપન (metasomatism) : એક ઘટક બીજા ઘટક દ્વારા વિસ્થાપિત થતો હોય તેવી ભૂસ્તરીય પ્રક્રિયા. ભૂસ્તરશાસ્ત્રીય પરિભાષામાં વિસ્થાપન એ બહોળા અર્થ-વિસ્તારવાળો શબ્દ છે. નીચેની પ્રક્રિયાઓ વિસ્થાપનપ્રક્રિયાની સ્પષ્ટતા કરે છે :

(1) એક આયન દ્વારા અન્ય આયનનું થતું વિસ્થાપન આણ્વિક રચનાને યથાવત્ રાખીને થાય; જેમ કે સિલિકેટ ખનિજોમાંનું Si||||, A1||| દ્વારા વિસ્થાપિત થઈ શકે છે.

(2) એક સ્ફટિકનું અન્ય દ્રવ્ય દ્વારા થતું વિસ્થાપન (જુઓ પરરૂપતા – pseudomorphism); જેમકે સમુદ્રકિનારે જામતાં જતાં માટીનાં પડો કે મૃદ્ખડકપટ પર સમુદ્રજળના બાષ્પીભવનથી થયેલા NaClના ઘનસ્વરૂપ સ્ફટિકો માટીનાં વધુ પડો દ્વારા દટાઈ જવાથી, વખત જતાં દબાણને કારણે ઓગળીને પ્રસરી જઈ, તેનાથી પડેલા સ્ફટિક પોલાણમાં એવા જ સ્ફટિક સ્વરૂપે માટી ભરાઈ જવાથી માટીનાં પરરૂપ સ્ફટિકસ્વરૂપો જોવા મળે છે.

(3) જીવાવશેષનું મૂળભૂત શારીરિક માળખું અન્ય ખનિજીય દ્રવ્યથી વિસ્થાપિત બને (જુઓ, જીવાવશેષીકરણ).

(4) ખડકમૂહના ઓછાવધતા ભાગનું વિસ્થાપન; જેમકે ચૂના ખડકનું ચર્ટમાં રૂપાંતર.

(5) પ્રાદેશિક ખડકોમાં થતાં અંતર્ભેદનો કે ખનિજશિરાઓ દ્વારા થતું વિસ્થાપન.

(6) ખડકવિકૃતિમાં તૈયાર થયેલી કણરચનાનું કે સંરચનાનું બીજી વખત થતી વિકૃતિને કારણે વિસ્થાપન થાય.

(7) ઉષ્ણજળજનિત વિસ્થાપન; એમાં મોટેભાગે સલ્ફાઇડયુક્ત ખનિજીય દ્રાવણો પૂર્વઅસ્તિત્વ ધરાવતા ખડકોને વિસ્થાપિત કરે.

ખડકોમાં રહેલા ખનિજકણોની અન્ય ખનિજકણો દ્વારા થતી પુન:સ્થાપનની ક્રિયા કણશ: વિસ્થાપનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. મૅગ્માસ્રોત કે સપાટીજળસ્રોતમાંથી તૈયાર થતાં ઉષ્ણજળજનિત દ્રાવણો અનુકૂળ પરિબળો અને સંજોગોની પરિસ્થિતિમાં ખડકોમાં પ્રવેશે ત્યારે તેમાં રહેલા ફેરફારને અનુરૂપ ઘટકો પર અસર થાય છે અને દ્રાવણસ્થિત નવા ઘટકો જૂના ઘટકોનું વિસ્થાપન કરે છે. આ પ્રક્રિયામાં ખડકો અને ખનિજોના પ્રકારના સંદર્ભમાં જરૂરી તાપમાન, દબાણ, બાષ્પદાબનાં પરિબળો જે તે પરિસ્થિતિ અનુસાર ઓછી, મધ્યમ કે વધુ માત્રામાં વિસ્થાપન કરે છે. આ રીતે ખડકકણના દ્રાવણકણથી થતા વિસ્થાપનમાં મૂળભૂત કણરચના કે સંરચનાસ્વરૂપો અને તેમનાં કદપ્રમાણ યથાવત્ જળવાઈ રહે છે; જેમકે પોપડાના કોઈ ભાગમાં જો ચૂનાખડકો, સ્ફેલેરાઇટ (ZnS) ખનિજયુક્ત હોય અને ત્યાં સંજોગોવશાત્ CuSO4નું ઉષ્ણજળજન્ય દ્રાવણ પ્રવેશે તો ZnSનું CuSથી કણશ: વિસ્થાપન થાય છે. નીચેનું સમીકરણ આ ક્રિયાને સ્પષ્ટ કરે છે :

ZnS + CuSO4 = CuS + ZnSO4

આવાં ઉષ્ણજળજન્ય દ્રાવણો સલ્ફાઇડ ખનિજયુક્ત ગ્રાહ્ય ચૂનાખડકો પર પૂરી ક્ષમતાથી કાર્યાન્વિત બને તો સમૃદ્ધ કણશ: વિસ્થાપન થાય છે. ઉદેપુર નજીક આવેલા ઝાવરના સીસા-જસત સલ્ફાઇડના નિક્ષેપો ત્યાંના ડૉલોમાઇટયુક્ત ચૂનાખડકોમાં થયેલા કણશ: વિસ્થાપનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

ગિરીશભાઈ પંડ્યા