કડુના

January, 2025

કડુના : નાઇજિરિયાનું ઘટક રાજ્ય અને કડુના નદી ઉપર આવેલું મુખ્ય શહેર. ભૌગોલિક સ્થાન : 11o 00′ ઉ. અ. અને 7o 45′ પૂ. રે.. નાઇજિરિયાની રાજધાની લાગોસથી ઈશાને 630 કિમી. દૂર છે. વિસ્તાર : 46,053 ચોકિમી., વસ્તી : 61,13,503(2011). 1900માં નાઇજિરિયાના ગવર્નર લૉર્ડ લુગાર્ડે તેની સ્થાપના કર્યા બાદ તે 1913 સુધીમાં સારી રીતે વિકસ્યું હતું. 1906માં કડુના બ્રિટિશરક્ષિત રાજ્ય બન્યું હતું. 1950 સુધી તેનું વેપારી મહત્વ ન હતું. 1956 પછી સુતરાઉ કાપડની ચાર મોટી મિલો, ખાદ્ય પદાર્થો, માટી, દવા અને ચર્મ વગેરેના ઉદ્યોગો અસ્તિત્વમાં આવ્યા હતા. પ્લાસ્ટિકની વસ્તુઓ અને ફર્નિચર બનાવવાનાં કારખાનાં, લોખંડની રિરોલિંગ મિલ વગેરેનો ઉમેરો થયો હતો. 1967માં ઉત્તર નાઇજિરિયાનું છ રાજ્યોમાં વિભાજન થતાં તે ઉત્તર-મધ્ય રાજ્યનું વહીવટી કેન્દ્ર બન્યું હતું. તે રેડિયો અને ટેલિવિઝનનું કેન્દ્ર છે. સંગ્રહસ્થાન, પૉલિટેકનિક વગેરે ઘણી શૈક્ષણિક સંસ્થાઓ અહીં આવેલી છે. રૂ, મગફળી અને અનાજનું તે મોટું વેપારી કેન્દ્ર પણ છે. પરદેશીઓ શહેરનાં પરામાં વસતાં તેનો વિસ્તાર વધ્યો છે.

શિવપ્રસાદ રાજગોર