કડિયા ઉમાકાન્ત

January, 2006

કડિયા, ઉમાકાન્ત (જ. 15 નવેમ્બર 1921, અમદાવાદ; અ. 9 ઑગસ્ટ 1942, અમદાવાદ) : 1942ની ‘હિન્દ છોડો’ ચળવળના ગુજરાતના પ્રથમ શહીદ. તે અમદાવાદના માજી મ્યુનિસિપલ કાઉન્સિલર મોતીલાલ મગનલાલ કૉન્ટ્રાક્ટરના પુત્ર હતા. તેમણે મૅટ્રિકની પરીક્ષા પાસ કરી હતી અને કૉલેજના વિદ્યાર્થી હતા. તેમને વ્યાયામપ્રવૃત્તિમાં રસ હતો, સ્ત્રીઓના ઉત્કર્ષ માટે તેમણે પોતાના વિસ્તાર દરિયાપુરમાં ‘પ્રકાશમંડળ’ની તથા કડિયા જ્ઞાતિના વિકાસ માટે સ્ત્રી-શાળા તથા પુસ્તકાલયની સ્થાપના કરી હતી. અમદાવાદ વિદ્યાર્થીમંડળના તથા દરિયાપુર વૉર્ડ કૉંગ્રેસ સમિતિના તે કાર્યકર હતા. તેમણે કૉંગ્રેસ સેવાદળમાં તાલીમ લીધી હતી અને વ્યાયામ પ્રચારક મંડળમાં તથા રાઇફલ ઍસોસિયેશનમાં સેવા આપી હતી.

9 ઑગસ્ટ 1942ના રોજ એટલે કે ‘હિન્દ છોડો’ ચળવળના પ્રથમ દિવસે ખાડિયા ચાર રસ્તા પાસેની એક પોળ નજીક સાંજના ચાર વાગ્યે આશરે ચારસો માણસોનું ટોળું ભેગું થયું હતું. પોલીસદળ ત્યાં હાજર હતું. પોલીસો લાઠીમાર કરીને ટોળાને વિખેરતા હતા. તેથી ટોળામાંથી યુવાનોએ પથ્થરમારો શરૂ કર્યો. એટલામાં પ્રાર્થના સમાજ મંદિરમાં મળેલી સામ્યવાદી પક્ષના સભ્યો તથા હમદર્દોની સભામાંથી પરિસ્થિતિની જાતમાહિતી મેળવવા સાઇકલો ઉપર બે યુવાનો આવ્યા. તેમાંના એક ઉમાકાંત કડિયા સાઇકલ મૂકીને પોસ્ટ ઑફિસના ઓટલા ઉપર ઊભા રહ્યા. એટલામાં પથ્થરમારો ચાલુ હોવાથી પોલીસ ઇન્સ્પેક્ટર આઇબારાએ ગોળીબાર કર્યો. તેમાંની એક ગોળી ઉમાકાંતને કપાળમાં વાગી. તે ત્યાં જ ઢળી પડ્યા. ટોળું એકદમ વિખેરાઈ ગયું. પોલીસો ઉમાકાંતને ઉપાડીને વાનમાં વાડીલાલ સારાભાઈ હૉસ્પિટલમાં લઈ ગયા, જ્યાં તેમનું પ્રાણપંખેરું ઊડી ગયું. તેમનો મૃતદેહ તેમના પરિવારને સોંપવાને બદલે પોલીસોએ જ તેનો અગ્નિસંસ્કાર કર્યો. ખાડિયા ચાર રસ્તા પાસેના સ્થળને તેમની સ્મૃતિમાં ‘ઉમાકાંત કડિયા ચોક’ નામ આપવામાં આવ્યું છે.

જયકુમાર ર. શુક્લ