કડિયાકામ : મકાનબાંધકામના કારીગરનો વ્યવસાય. આવડત પ્રમાણે કડિયાના બે પ્રકાર કરી શકાય : (i) કુશળ કડિયા અને (ii) શિખાઉ કડિયા. કુશળ કડિયા ઇજનેરે આપેલ મકાનના નકશાને સમજીને તદનુસાર યોગ્ય બાંધકામ કરી શકે છે. શિખાઉ કડિયા મુખ્ય કડિયાના સહાયક તરીકે કામ કરે છે.
કડિયાકામમાં આધારપટ (footings), પાયો (foundation), દીવાલ, સ્તંભ, છત, ભોંયતળિયું, દીવાલોનું સંરક્ષણાત્મક કવચ (plaster), લાદીકામ, કૉન્ક્રીટ કામ વગેરેનો સમાવેશ કરી શકાય.
આધારપટ : જમીન સાથે સીધા સંસર્ગમાં બનાવેલ પાયાની નીચેના કૉન્ક્રીટના થરને આધારપટ કહે છે. આધારપટનું કૉન્ક્રીટ બે પ્રકારનું હોઈ શકે : (i) સાદું ચૂનાનું રોડાં કૉન્ક્રીટ તથા (ii) સાદું સિમેન્ટનું રોડાં કૉન્ક્રીટ. ઘણી વખત જરૂરિયાત પ્રમાણે રોડાંને બદલે કપચી પણ વાપરવામાં આવે છે. આધારપટની પહોળાઈ અને જાડાઈ તેના ઉપર આવતા મકાનના વજન અને જમીનની ધારણક્ષમતા ઉપર આધાર રાખે છે. આધારપટ મકાનના પાયાને સમતલ આધાર પૂરો પાડે છે. ઉપરથી આવતા વજનભારનું વિતરણ મોટા વિસ્તાર ઉપર એકસરખી રીતે થાય તેને અનુરૂપ આધારપટની પહોળાઈ રાખવામાં આવે છે.
પાયો : જમીનની સપાટીની નીચેના બાંધકામને અધ:સંરચના (substructure) અથવા પાયો કહેવાય છે. પાયો ઉપરના ભાગના ભારનું નીચેની જમીન ઉપર વિતરણ કરી આપે છે. પાયો છીછરો કે ઊંડો હોઈ શકે. જો પાયાની ઊંડાઈ પાયાની પહોળાઈ જેટલી કે તેનાથી ઓછી હોય તો પાયો છીછરો કહેવાય. જો પાયાની ઊંડાઈ પાયાની પહોળાઈ કરતાં વધુ હોય તો પાયો ઊંડો કહેવાય.
પાયો એ મકાન કે કોઈ પણ બાંધકામનું મુખ્ય અંગ છે, તેથી તેની રચના બહુ કાળજીપૂર્વક કરવી જોઈએ. તે જમીનની નીચે આવેલો હોવાથી તેમાં થયેલું નુકસાન જલદીથી જાણી શકાતું નથી અને તેનું સમારકામ પણ મુશ્કેલ બને છે.
દીવાલ : દીવાલનું ચણતરકામ મુખ્યત્વે બે પ્રકારનું હોય છે : (i) પથ્થરનું ચણતર અને (ii) ઈંટોનું ચણતર. ઉપરાંત પ્રબલિત ઈંટનું ચણતરકામ (reinforced brick masonry), સંયુક્ત ચણતરકામ (composite masonry) તથા કૉન્ક્રીટ બ્લૉકનું ચણતરકામ પણ હોય છે.
ઈંટ અથવા પથ્થરના ચણતરકામમાં સાંધા પૂરવા માટે કોલ વપરાય છે. જેવા કે (1) સિમેન્ટનો કોલ, (2) ચૂનાનો કોલ, (3) સંયુક્ત કોલ, (4) માટીનો ગારો, (5) સિમેન્ટ-સુરખીનો કોલ અને (6) ચૂના-સુરખીનો કોલ.
ઈંટનું ચણતરકામ : ઈંટને કોલ વડે બંધનમાં રાખીને બનાવવામાં આવતા ચણતરને ઈંટનું ચણતર કહેવાય. ઈંટના ચણતરમાં ઈંટ અને કોલ મુખ્ય છે. ઈંટનો પ્રકાર તથા કોલનો પ્રકાર, બંધનનો પ્રકાર (type of bond), તનુતા ગુણોત્તર (slenderness ratio), કારીગરી (workmanship) વગેરે ઘટકો ઉપર ઈંટના ચણતરની મજબૂતાઈનો આધાર રહે છે.
ઈંટના ચણતરકામમાં વપરાતા બંધ નીચે પ્રમાણે છે : (1) ઇંગ્લિશ બંધ (English bond), (2) ફ્લેમિશ બંધ (Flemish bond), (3) સ્ટ્રેચર બંધ (stretcher bond) તથા (4) હેડર બંધ (header bond) વગેરે.
સામાન્ય રીતે દીવાલના બાંધકામમાં ઇંગ્લિશ બંધ અથવા તો ફ્લેમિશ બંધ વપરાય છે. સ્ટ્રેચર બંધ ફક્ત અડધી ઈંટની જાડાઈવાળી દીવાલ બનાવવામાં જ વપરાય છે. હેડર બંધ એક ઈંટની જાડાઈની દીવાલ બનાવવા જ વપરાય છે.
દીવાલના ચણતરમાં ખાસ ધ્યાન રાખવાની બાબત : ઊભા સાંધા કદાપિ સળંગ હોવા જોઈએ નહિ. બંધનો મુખ્ય ઉદ્દેશ ઊભા સાંધા ન થાય તે જ છે.
ચણતરકામની ઊર્ધ્વતાની ચકાસણી ઓળંબા(plumbline)થી કરવામાં આવે છે.
કૉન્ક્રીટકામ : એ પણ એક જાતનું કડિયાકામ જ છે. જોકે વધતા જતા તકનીકી જ્ઞાનને કારણે હવે કૉન્ક્રીટકામ યંત્રો વડે પણ થાય છે.
ઈંટોના ટુકડા કે કપચી, રેતી અને સિમેન્ટ અથવા ચૂનો તથા પાણીને ચોક્કસ પ્રમાણમાં મેળવતાં તૈયાર થયેલા મિશ્રણને કૉન્ક્રીટ કહે છે. તેના બે પ્રકાર છે : (1) ચૂનાનું કૉન્ક્રીટ તથા (2) સિમેન્ટનું કૉન્ક્રીટ. વળી જો કપચીને બદલે ઈંટોનાં રોડાં વાપરીએ તો રોડાં કૉન્ક્રીટ તૈયાર થાય. સામાન્ય રીતે ચૂનાના કૉન્ક્રીટમાં ઈંટોનાં રોડાં વાપરવામાં આવે છે. આ કૉન્ક્રીટનો ઉપયોગ આધારપટમાં ભોંયતળિયાના આધાર વગેરે માટે કરવામાં આવે છે.
સિમેન્ટ-કૉન્ક્રીટના બે ભાગ પાડી શકાય : (1) સાદું સિમેન્ટ-કૉન્ક્રીટ અને (2) પ્રબલિત સિમેન્ટ-કૉન્ક્રીટ (reinforced cement concrete – R.C.C.). સિમેંટ, કપચી, રેતી અને પાણીના યોગ્ય મિશ્રણથી સિમેંટ-કૉન્ક્રીટ તૈયાર થાય છે.
સિમેંટ અને પાણી ભેગાં થાય ત્યારે સિમેંટનો પાતળો ગારો તૈયાર થાય છે. આ પાતળો ગારો કપચી અને રેતીની ફરતે તથા તેની વચ્ચે રહેલ અવકાશ(voids)માં ઊતરીને મજબૂત પદાર્થ બનાવે છે; તે કૉન્ક્રીટ છે. કૉન્ક્રીટને એક પ્રકારનો અકુદરતી પથ્થર કહી શકાય.
કૉન્ક્રીટનો ઉપયોગ છજાં, માળિયાં, ધાબાં તેમ જ લિન્ટલ કોપિંગ, બીમ અને સ્તંભમાં થાય છે.
કૉન્ક્રીટને જોઈએ તેવો યોગ્ય ઘાટ આપી શકાય છે. આ માટે યોગ્ય આકારના ફ્રેમવર્ક(સેન્ટરિંગ)ની જરૂર હોય છે. કૉન્ક્રીટ ઘટ્ટ થાય પછી યોગ્ય સમયે ફ્રેમવર્ક કાઢી નાખવામાં આવે છે. કૉન્ક્રીટને યોગ્ય ફ્રેમવર્કમાં ઢાળ્યા પછી તેનું ઘટ્ટીકરણ (compaction) – કુટાઈ – કરવામાં આવે છે. ઘટ્ટીકરણની બે રીતો છે : (1) માનવીય બળથી, (2) યાંત્રિક ઘટ્ટીકરણ.
ત્યાર બાદ યોગ્ય સમય સુધી પાણીનો છંટકાવ (curing) કરવો જરૂરી હોય છે. સપાટી અમુક સમય સુધી કોરી ન થઈ જાય તેનું ધ્યાન રાખવું પડે છે. કૉન્ક્રીટની મજબૂતાઈ નીચેના ઘટકો ઉપર આધાર રાખે છે :
(1) કૉન્ક્રીટમાં વપરાતા ઘટકોનો પ્રકાર : રેતી, કપચી, સિમેન્ટ, પાણી વગેરે; (2) પાણી-સિમેન્ટનો ગુણોત્તર; (3) કદ પ્રમાણે કપચીનું શ્રેણીકરણ (grading); (4) મેળવણીની રીત; (5) મૂકવાની રીત; (6) પાણીનો છંટકાવ; (7) કૉન્ક્રીટની કુટાઈ (ઘટ્ટીકરણ) તથા (8) વાતાવરણ-ઉષ્ણતામાન, ભેજ વગેરે.
જે. જે. ભાવસાર