કડવી ગલકી : દ્વિદળી વર્ગમાં આવેલા કુકરબિટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Luffa aegyptica var. amara Mill syn. L. cylindrica L. (સં. તિક્ત, કોશાંતકી; મ. કડુદોડકી, ગીલકી; હિં. કડવી તોરઈ, ઝીમની તોરઈ; બં. ઝિંગા, તિન્પલાતા; ક. કાહિરે રૈવહિરી, નાગાડાળીથળી; તે. ચેટીબિરા, ચેટબિર્કાયા; ત. પોપ્પીરકમ્; અં. બિટરલ્યુફા) છે. તે વેલા સ્વરૂપે જોવા મળે છે. નર અને માદા પુષ્પો એક જ છોડ પર બેસે છે. ગલકાં અને તૂરિયાંનાં નામ બીજી ભાષાઓમાં સમાન છે.
આયુર્વેદ અનુસાર તેનો સર્વ પ્રકારના વિષ ઉપર ઉપયોગ થાય છે. કડવી ગલકીના મૂળનો અથવા પાલાનો કાઢો કરી મધમાં નાખી પિવડાવવાથી વમન થઈ સર્વ વિષ ઊતરે છે. બરોળ અને સોજા પર કડવી ગલકીનાં પાંદડાંનો રસ સાકર નાખી આપવામાં આવતાં લાભ થાય છે.
શોભન વસાણી