કડવાં તૂરિયાં : દ્વિદળી વર્ગમાં આવેલા કુકરબિટેસી કુળની પ્રમાણમાં મોટી, વેલારૂપ વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Luffa acutangula var. amara (Roxb.) C. B. Clarke (સં. કટુકોશાતકી, તિક્ત કોશાતકી; હિં. કડવી તોરી; મ. રાન તુરઈ; બં. તિતો-તોરાઈ) છે. તે પશ્ચિમ, મધ્ય અને દક્ષિણ ભારતમાં થાય છે અને તેને કૃષ્ટ (cultivated) જાતિનું વન્ય (wild) સ્વરૂપ ગણવામાં આવે છે. તે સામાન્ય તૂરિયા સાથે સામ્ય ધરાવે છે, છતાં તેનાં પર્ણો, પુષ્પ, ફળ અને બીજ નાનાં હોય છે. તેનાં ફળ અનષ્ઠિલ (berry) પ્રકારનાં, લીલાં, 10-ધારીવાળાં, બંને છેડેથી શંકુ આકારનાં, 5.0 સેમી.થી 10.0 સેમી. લાંબાં અને 2.5 સેમી.થી 3.8 સેમી. જાડાં હોય છે. તેમાં પુષ્પનિર્માણ ચોમાસાના અંતિમ તબક્કામાં થાય છે અને ફળ શિયાળામાં બેસે છે.
આ વનસ્પતિના બધા જ ભાગો કડવા હોય છે. તે સ્ફટિકમય કડવો ઘટક (ઉત્પાદન, 0.12 %) ધરાવે છે; જે કુકરબિટેસિન ‘બી’ સાથે સામ્ય ધરાવે છે. તેના બીજમાંથી લગભગ 18.4 % જેટલું રતાશ પડતું બદામી રંગનું મેદીય તેલ પ્રાપ્ત થાય છે.
આયુર્વેદ અનુસાર તે વામક, વિરેચક, શિરોવિરેચક અને વિષઘ્ન હોવા છતાં કમળો અને હડકવામાં પરિણામદાયી છે. તેનો ઉપયોગ ચામડીના અને દમના રોગોમાં થાય છે. તેનો મૂત્રલ (diuretic) તરીકે અને બરોળ વધે ત્યારે ઉપયોગ કરવામાં આવે છે. તેનાં શુષ્ક ફળોનું ચૂર્ણ બનાવી તેનો કમળામાં ઉપયોગ થાય છે. બીજ વમનકારી (emetic), કફઘ્ન (expectorant) અને શામક (demulcent) છે. ઢોરને થતા વ્રણમાં તેનાં પર્ણો લગાડવામાં આવે છે.
શોભન વસાણી
બળદેવભાઈ પટેલ