કટોરાભર ખૂન (1918) : ભારતની સર્વપ્રથમ સામાજિક સિનેકૃતિ. મૂક ફિલ્મ, પરંતુ પેટાશીર્ષકો સાથે રજૂઆત એક કરતાં વધુ ભાષાઓમાં. પટકથાલેખન : મોહનલાલ ગોપાળજી દવે. દિગ્દર્શન : દ્વારકાદાસ ના. સંપત. સિનેછાયા : પાટણકર. નિર્માણ : મુંબઈ ખાતે.
‘કટોરાભર ખૂન’ના નિર્માણ સમયે ભારતીય ચલચિત્ર ઉદ્યોગને માત્ર પાંચ વર્ષ થયાં હતાં અને મુંબઈ તેમજ નાસિક એમ બે નિર્માણકેન્દ્રો હતાં. માત્ર પૌરાણિક કથાવસ્તુ પર આધારિત સ્વદેશી ચલચિત્રો જ આર્થિક રીતે સફળ થઈ શકે અને પ્રેક્ષકોમાં લોકપ્રિય નીવડે તેવો ખ્યાલ ઉદ્યોગમાં સર્વત્ર પ્રસરેલો હતો. ભારતીય ચલચિત્ર ઉદ્યોગના પ્રણેતા દાદાસાહેબ ફાળકેએ 1912-13માં સર્વપ્રથમ ભારતીય કથાચિત્રનું નિર્માણ કર્યું. ત્યારથી તે 1918 સુધી તેમના સહિત અન્ય કોઈ નિર્માતા કે નિર્માણસંસ્થાએ પૌરાણિક કથા સિવાયનો કોઈ વિષય હાથ ધરવાની પહેલ કરેલી નહોતી. ‘કટોરાભર ખૂન’ તેમાં એક અપવાદ સમાન ચિત્ર હતું અને તેથી જ તેને ભારતના સર્વપ્રથમ સામાજિક કથાચિત્ર હોવાનું શ્રેય પ્રાપ્ત થાય છે. ‘કટોરાભર ખૂન’ શરાબના વ્યસનના અનિષ્ટ પર ટીકા કરતું ચલચિત્ર છે.
વળી, રાષ્ટ્રના આ સર્વપ્રથમ સામાજિક ચલચિત્ર સાથે માત્ર એક નહિ, પરંતુ બે ગુજરાતી સિને-પ્રતિભાઓ સંકળાયેલી છે. આ સિનેકૃતિની પટકથા પણ મોહનલાલ ગોપાળજી દવે નામના ગુજરાતી પટકથા-લેખકે લખેલી હતી. મોહનલાલ દવે પાછળથી મૂક ગાળાના ચલચિત્ર-ઉદ્યોગના તારક, પટકથા-લેખક તરીકે ધન અને કીર્તિ કમાયા. દેશના ચલચિત્ર ઉદ્યોગના ઇતિહાસના પરિપ્રેક્ષ્યમાં મહત્વની કહી શકાય તેવી આ સિનેકૃતિ હાલ અસ્તિત્વમાં નથી.
ઉષાકાન્ત મહેતા