કટિપીડા : કમરનો દુખાવો. પીઠના નીચલા ભાગે આવો દુખાવો વિવિધ કારણોસર થાય છે. બેસવા, ઊભા રહેવા અને સૂવાની ખોટી રીતોને કારણે થતો ખોટો અંગવિન્યાસ (posture), વૃદ્ધત્વ અને ઘસારાની પ્રક્રિયાને કારણે થતો મણકાવિકાર (spondylosis), કરોડસ્તંભના બે મણકા વચ્ચેની ગાદીરૂપ આંતરમણિકા ચકતી(intervertebral disc)ના લચી પડવાથી થતી સારણચકતી(herniated disk)નો વિકાર, મણકાનો ક્ષય કે અન્ય જીવાણુજન્ય ચેપ, મણકાની આસપાસના સ્નાયુઓની શિથિલતા અને સોજાથી થતું ટચકિયું (lumbago), કેટલીક જન્મજાત વિકૃતિઓ (દા.ત., એકબીજા સાથે ચોંટેલા મણકા, દ્વિભાજી મણિકંટક અથવા spina bifida), મણકાનો અસ્થિભંગ (fracture), મૂત્રપિંડ, સ્વાદુપિંડ (pancreas) જેવા અવયવોના પેટના રોગોમાં થતી સંદર્ભપીડા (referred pain), શરીરનું અતિશય વજન (મેદસ્વિતા, obesity) વગેરે અનેક કારણોસર ઉગ્ર (acute) અથવા લાંબા ગાળાની કટિપીડા થાય છે.
ઉગ્ર પીડા સામાન્ય રીતે ઈજા, નીચે પડવું, ભારે વજન ઉપાડવું, અચાનક એક બાજુ વળવું વગેરેથી થાય છે. ક્યારેક કોઈ સ્પષ્ટ કારણ જાણવા મળતું નથી. વારંવાર ઈજાને કારણે કમરના સ્નાયુના આવરણમાં સોજો આવે છે, પીડાકારક ગંડિકાઓ (nodules) થઈ આવે છે, દુખાવાને કારણે સ્નાયુઓનું સતત આકુંચન (spasm) થાય છે અને તેથી તે અકડાઈ જાય છે. દર્દી કોઈ ચોક્કસ સ્થાને દુખાવો થતો દર્શાવે છે અને ઘણી વખત તે સ્થળે ગંડિકાઓને સ્પર્શી શકાય છે. દર્દીને વાંકા વળતાં દુખાવો થાય છે અને તે કમરથી આગળની બાજુ વળીને ચાલે છે. આને ટચકિયું કહે છે. તે સામાન્ય રીતે 40થી 50 વર્ષની ઉંમરે થાય છે. કમરના મણકાવિકારવાળા દર્દીમાં અને સારણ-ચકતીના વિકારવાળા દર્દીમાં ચરણચેતા(sciatic nerve)ના ચેતામૂળ (nerve roots) પરના દબાણને કારણે કમરનો દુખાવો નિતંબ તથા પગના પાછલા ભાગ(જાંઘ અને પિંડી)માં ફેલાય છે. તેને રાંઝણ (sciatica) કહે છે. સારણ-ચકતીના વિકારમાં ક્યારેક ચેતાતંતુઓ પરના દબાણને કારણે પગના સ્નાયુઓની પરાવર્તી ક્રિયાઓ (reflexes) મંદ થાય છે અથવા બંધ થાય છે. ઉગ્ર પીડાવાળા દર્દીને સપાટ તથા જરૂર પૂરતી કઠણ પથારીમાં આરામ, ગરમ પાણી અથવા અધોરક્ત (infra red) કિરણો વડે અંત:પેશીશેક (diathermy), ઍસ્પિરિન, ડાયક્લૉડ્રેનડ સોડિયમ કે આઇબુપ્રોફેનના જૂથની પીડાનાશક દવાઓ તથા સ્નાયુઓને શિથિલ કરતી ડાયાઝેપામ જેવી દવાઓ આપીને દુખાવો અને સ્નાયુનું સતત આકુંચનનું વિષચક્ર બંધ કરાય છે (જુઓ : અંત:પેશી શેક). ઘણી વખત સારવાર કેટલાક દિવસોથી થોડાં અઠવાડિયાં ચાલે છે. જરૂર પડ્યે કર્ષણ(traction)ની સારવાર અપાય છે તથા કરોડરજ્જુ-ચિત્રણ (myelography) અથવા ચુંબકીય અનુનાદી ચિત્રણ(magnetic resonance imaging, MRI)ની તપાસ કર્યા બાદ સારણ-ચકતીના દર્દીમાં શસ્ત્રક્રિયા કરાય છે. સુવાડી રખાયેલા દર્દીના પગ સાથે વજન બાંધીને ખેંચવાની ક્રિયાને કર્ષણ કહે છે.
દીર્ઘકાલી (chronic) કટિપીડાનાં મુખ્ય કારણોમાં બેસવા, ઊભા રહેવા તથા સૂવાની ખોટી રીત, અતિશય જાડાપણું, કમરમાં વારંવાર ઈજા, કટિછિદ્રણ (lumbar puncture) અથવા કરોડરજ્જુ-ચિત્રણ વખતે વપરાયેલ દ્રવ્યથી થતો જાલતાનિકાશોથ (arachnoiditis) છે. ઍક્સ-રે-ચિત્રણમાં કમરના મણકામાં વિકાર જોવા મળે છે. સામાન્ય રીતે ચેતાતંત્રમાં કોઈ વિકાર જોવા મળતો નથી, પરંતુ જો તેવો વિકાર જોવા મળે તો કરોડરજ્જુ-ચિત્રણ કે ચુંબકીય અનુનાદી ચિત્રણની તપાસ કરાવ્યા બાદ શસ્ત્રક્રિયા અંગે નિર્ણય કરાય છે. યોગ્ય અંગવિન્યાસ, કમરના સ્નાયુઓની કસરતો, સપાટ અને જરૂર પૂરતી કઠણ પથારીનો ઉપયોગ, વધારાના વજનમાં ઘટાડો તથા અતિશય વાંકા વળવાનો કે વજન ઊંચકવાનો નિષેધ સારવારમાં ઉપયોગી છે. સામાન્ય રીતે પીડાનાશક દવાઓ ઉપયોગી હોતી નથી. દર્દી ખુરશીમાં કે જમીન પર ટટ્ટાર બેસે, સોફા કે આરામ-ખુરશીમાં કમરના ભાગને પૂરતો ટેકો આપીને ટટ્ટાર બેસે, નીચા નમીને કે ઊભા ઊભા કામ કરતી વખતે એક પગ નીચે નાના ટેબલનો આધાર રાખે, આગળ તરફ પેટ લચી પડતું હોય એવું વજન હોય તે ઘટાડે તથા પીઠને ટટ્ટાર રાખવા માટેની કસરતો કરે એવું સૂચવાય છે.
દિવ્યાંગ દવે
શિલીન નં. શુક્લ