કટિહાર

January, 2006

કટિહાર : બિહાર રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 25o 32′ ઉ. અ. અને 87o 35′ પૂ. રે.ની આજુબાજુનો 3,057 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે પૂર્ણિયા જિલ્લો અને પશ્ચિમ બંગાળ રાજ્યની સીમા, પૂર્વ તરફ પશ્ચિમ બંગાળનાં માલ્દા અને પશ્ચિમ દિનાજપુર, દક્ષિણ તરફ ગંગાનદી, ભાગલપુર જિલ્લો અને ઝારખંડ રાજ્યનો સાહિબગંજ જિલ્લો તથા પશ્ચિમ તરફ પૂર્ણિયા જિલ્લો અને નૈર્ઋત્ય તરફ ભાગલપુરનો કેટલોક ભાગ આવેલાં છે. જિલ્લામથક કટિહાર જિલ્લાની મધ્યમાં આવેલું છે.

કટિહાર જિલ્લો

ભૂપૃષ્ઠ : જિલ્લાના દક્ષિણ ભાગમાં મણિહારી નજીક છોટાપહાડ નામની ચૂનાયુક્ત ખડકપટ્ટાની ટેકરી આવેલી છે. ગંગા અને મહાનંદા નદીઓની આજુબાજુ પોચી મૃણ્મય ફળદ્રૂપ જમીનો આવેલી છે. સપાટી પરનો કાંપ રેતીના જાડા થરથી બનેલો છે. હિમાલયમાંથી આવતી નદીઓ ગંગાને મળતાં અગાઉ તેમનો કાંપ અહીં ઠાલવે છે.

જંગલો અને વન્યજીવન હવે દુર્લભ બન્યાં છે; તેમ છતાં સાગ, સાલ, સીસમ, પલાશ, પીપળ અને શીમળાનાં વૃક્ષો જોવા મળે છે.

જળપરિવાહ : ગંગા, મહાનંદા અને કોશી અહીંની મહત્વની નદીઓ છે. અગાઉ કોશી નદીનાં પૂર વિનાશ વેરતાં હતાં, તેના પર કોશી પ્રકલ્પ થયા પછી તેમાં મોટા પાયા પર ફેરફારો થયા છે અને તારાજી નિવારી શકાઈ છે.

ખેતી : ડાંગર, ઘઉં, શણ, મકાઈ, બટાટા અને તેલીબિયાં અહીંના મુખ્ય કૃષિપાકો છે. અહીં વરસાદનું પ્રમાણ સારું છે. નદીઓમાંથી પાણીપુરવઠો મળી રહે છે. નહેરથી પણ સિંચાઈ પૂરી પાડવામાં આવે છે.

પશુપાલન : જિલ્લાનું અર્થતંત્ર કૃષિ-આધારિત હોવાથી ગાય, ભેંસ જેવાં પશુઓની સંખ્યા સારી છે. પશુ-દવાખાનાં અને પશુ-ચિકિત્સાલયો ઊભાં કરવામાં આવેલાં છે. પશુ-ઓલાદ સુધારવાના અને વધુ દૂધ મળી રહે તે માટેના પ્રયાસો હાથ પર લેવાયા છે.

જિલ્લામાંથી માંસ અને દૂધની પેદાશો કોલકાતા અને સિલિગુડી ખાતે મોકલાય છે. કૃષિવિભાગની મત્સ્ય-પાંખ દ્વારા મત્સ્ય-વિકાસની યોજના હાથ ધરવામાં આવેલી છે.

ઉદ્યોગો-વેપાર : અગાઉના વખતમાં અહીં ગળી-ઉદ્યોગ તેમજ બિદરી(મિશ્રધાતુ)ની બનાવટનો ઉદ્યોગ ચાલતો હતો તે હવે પડી ભાંગ્યો છે. કટિહાર હવે ઔદ્યોગિક નગર બન્યું છે. શણની મિલો, આટા-મિલો અને ચોખાની મિલોએ કટિહાર નગરની સિકલ બદલી નાખી છે. શણના કોથળા અને સૂતળીઓનું ઉત્પાદન લેવાય છે. શણની ગાંસડીઓ તૈયાર કરી તે માંગ પ્રમાણે અહીંથી મોકલવામાં આવે છે. કટિહાર અને મણિહારી નગરો મહત્ત્વનાં વેપારી-મથકો બની રહ્યાં છે. મણિહારી ખાતે મીણબત્તીનો ઉદ્યોગ વિકસ્યો છે. આ જિલ્લા ખાતેથી ઘઉંની નિકાસ થાય છે અને અહીં કાપડની આયાત થાય છે. જિલ્લાનો મુખ્ય વેપાર નેપાળ અને પશ્ચિમ બંગાળ સાથે થાય છે. કટિહાર ખાતે કાપડ, કાચનો સામાન, કાચની બંગડીઓ, બીડી-પત્તાં, ઍલ્યુમિનિયમ અને પિત્તળનાં વાસણો, ખાદ્ય-અનાજ, લાકડાં, રાચરચીલું, માટીની મૂર્તિઓ વગેરેનું બજાર આવેલું છે.

પરિવહન : જિલ્લામાં સડકમાર્ગોની ગૂંથણી સારી રીતે પથરાયેલી છે. તેમાં રાષ્ટ્રીય ધોરી માર્ગો, રાજ્ય ધોરી માર્ગો, જિલ્લામાર્ગો અને ગ્રામમાર્ગોનો સમાવેશ થાય છે. ગ્રામીણ ઇજનેરી વિભાગ, જિલ્લાપરિષદ, મ્યુનિસિપાલિટી તથા જાહેર બાંધકામ-વિભાગ તેનો નિભાવ કરે છે. જિલ્લામથક કટિહાર જિલ્લામાં મધ્યસ્થાને આવેલું હોવાથી, બધી બાજુએથી આવતા માર્ગોનું તે જંક્શન બની રહેલું છે. તે નેપાળ, પશ્ચિમ બંગાળ સાથે સંકળાયેલું છે.

કટિહાર ઉત્તર-પૂર્વીય રેલમાર્ગ તથા ઉત્તર-પૂર્વ સરહદી રેલમાર્ગનું મહત્વનું બ્રૉડગેજ તેમજ મીટરગેજ રેલમથક છે. વર્ષાઋતુ દરમિયાન જળવાહનવ્યવહાર પણ ચાલે છે. નાનાં વિમાનો માટેનું ઉતરાણમથક કટિહાર ખાતે ઊભું કરવામાં આવેલું છે.

પ્રવાસન :

બાલ્દિયાબારી : ગંગા નદી નજીક મણિહારીથી 2.5 કિમી.ને અંતરે આવેલું આ સ્થળ મુર્શિદાબાદના નવાબ સિરાજ-ઉદ્-દૌલા અને પૂર્ણિયાના ગવર્નર નવાબ શૌકત જંગ વચ્ચે થયેલી લડાઈ માટે જાણીતું છે.

બેલવા : ભગવાન શિવ અને દેવી સરસ્વતીનાં મંદિરો તથા કેટલીક જૂની ઇમારતોના અવશેષો માટે આ નાનકડું ગામ જાણીતું છે. વસંતપંચમીએ અહીં વાર્ષિક મેળો ભરાય છે.

દુબીસુભી : જિલ્લાના બારસોઈ ઘટકમાં આવેલું આ ગામ છે. વીસમી સદીના આશરે બીજા દાયકા દરમિયાન અહીંના કોઈ એક બાળકે કુશ દ્વારા પોતાનું ગળું કાપીને પોતાનો ભોગ આપેલો, એવી બલિદાનની કથા સાથે તે સંકળાયેલું છે.

કલ્યાણી સરોવર : જૌઆ રેલમથકથી ઉત્તરે પાંચ કિમી.ને અંતરે આવેલું સરોવર. દર વર્ષે માઘ પૂર્ણિમાએ આ સરોવરમાં સ્નાન કરવા માટે ઘણી સંખ્યામાં લોકો આવે છે. વળી કેટલાક લોકો અહીં બકરાનો બલિ પણ ચઢાવે છે.

મણિહારી : કટિહારથી દક્ષિણે આશરે 20 કિમી.ને અંતરે આવેલું નગર. ભગવાન કૃષ્ણે અહીં મુલાકાત લીધેલી ત્યારે તેમનો મણિ ખોવાયેલો એવી કથા આ ગામ સાથે જોડાયેલી છે.

નવાબગંજ : મણિહારીથી આશરે ત્રણ કિમી.ને અંતરે આવેલું ગામ. મુઘલ સમયમાં અહીંના જિલ્લાના ગવર્નર નવાબ શૌકત જંગનું આ મુખ્ય મથક રહેલું. તેના મહેલના અવશેષો આજે પણ જોવા મળે છે.

કટિહાર : જિલ્લામથક અને મુખ્ય શહેર. પૂર્ણિયાથી તે આશરે 28 કિમી.ને અંતરે આવેલું છે. તે તેની શણની મિલો માટે તેમજ વાણિજ્યમથક તરીકે જાણીતું છે. તે રેલવિભાગનું મુખ્ય મથક પણ છે.

આ જિલ્લામાં માઘી પૂર્ણિમા, શિવરાત્રી, મકરસંક્રાંતિ, દશેરા અને દિવાળી ટાણે મેળા ભરાય છે.

વસ્તી : 2011 મુજબ આ જિલ્લાની વસ્તી 30,68,149 જેટલી છે; તે પૈકી 53% પુરુષો અને 47% સ્ત્રીઓ છે. ગ્રામીણ અને શહેરી વસ્તીનું સંખ્યાપ્રમાણ અનુક્રમે 90% અને 10% જેટલું છે. હિન્દુઓ અને મુસ્લિમોની સંખ્યા વિશેષ છે; જ્યારે શીખ, ખ્રિસ્તી, જૈન અને બૌદ્ધોનું પ્રમાણ ઓછું છે. જિલ્લામાં હિન્દી, બંગાળી અને ઉર્દૂ ભાષાઓ બોલાય છે. શહેરી વિસ્તારોમાં સાક્ષરતાનું પ્રમાણ સરેરાશ 67 % છે; જ્યારે ગામડાંઓમાં તે સરેરાશ 25 % જેટલું છે. કટિહાર અને મણિહારી બંને નગરોમાં પ્રાથમિક-માધ્યમિક શિક્ષણની પૂરતી સુવિધા છે. કટિહાર ખાતે કૉલેજોની સગવડ છે. વહીવટી સરળતા માટે જિલ્લાને 3 ઉપવિભાગોમાં, 11 સમાજવિકાસ-ઘટકોમાં વહેંચેલો છે.

ઇતિહાસ : 19મી સદીની શરૂઆતમાં કટિહાર પૂર્ણિયા જિલ્લાનો એક ભાગ હતું. મુઘલોના શાસન હેઠળ તેને સૂબા સરકાર હેઠળ મૂકેલું. 1770માં તે અંગ્રેજોને હસ્તક ગયું. ભારત સ્વતંત્ર થયા પછી તે બિહાર રાજ્યનો જિલ્લો બન્યું છે.

ગિરીશભાઈ પંડ્યા